શુક્રવારના રોજ અમદાવાદમાં 43.3 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું, જેથી ત્રણ દિવસની સરખામણીમાં અમદાવાદવાસીઓને કાળઝાળ ગરમીથી હળવી રાહત મળી હતી. જોકે, ગુજરાતમાં 46 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ સ્થળ સુરેન્દ્રનગર રહ્યું હતું.
ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) અનુસાર, રાજ્યમાં આગામી 24 કલાક સુધી મહત્તમ તાપમાન છેલ્લા દિવસો જેટલું જ યથાવત રહેશે. તેમજ હવામાન વિભાગે શનિવાર રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, પાટણ, સુરેન્દ્રનગર, અમરેલી, મહેસાણા, કચ્છ અને બોટાદ જેવા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
મહત્તમ તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી નીચું નોંધાતા, અમદાવાદમાં શુક્રવારે મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને શહેરમાં 19 મે સુધી મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે.
જો કે હવામાન વિભાગના દર્શાવ્યા મુજબ, ગુજરાતના નાગરિકોને વધતા જતા તાપમાન અને આકરી ગરમીમાંથી આંશિક રાહત મળશે કારણ કે ત્રણ દિવસ પછી મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે.
શુક્રવારના રોજ અમરેલી અને જૂનાગઢ રાજ્યના બીજા સૌથી ગરમ જિલ્લાઓ હતા, જ્યાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યમાં ત્રીજા ક્રમનું સૌથી વધુ તાપમાન 43.4 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજકોટમાં નોંધાયું હતું. ત્યારબાદ અમદાવાદમાં 43.3 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 42 ડિગ્રી સેલ્સિયસ હતું.