અમદાવાદ શહેરમાંથી નિકળનારી ભગવાન જગન્નાથની ગુજરાતની સૌથી મોટી રથયાત્રા આજે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ ગઇ હતી. આખરે બે વર્ષ બાદ ધામધુમથી ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નિકળ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહનો લાહવો લીધો હતો. શહેર પોલીસ, કોર્પોરેશન, ફાયર વિભાગ સહિતના વિભાગોએ પોતાની કામગીરી વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી હતી. વહેલી સવારે કેન્દ્ર ગૃહમંત્રીએ મંગળા આરતી કરી, મુખ્યમંત્રીએ પહીંદ વિધી કરી અને તંબુ ચોકીથી રાજ્ય ગૃહમંત્રી રથયાત્રામાં ભાગ લીધો હતો.
હર્ષ ઉલ્લાસ અને લોકોએ ખુલ્લા મનથી આખરે બે વર્ષ બાદ નિકળેલી ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાને નીહાળી અને માંણી હતી. સાવરે સાડા પાંચ વાગ્યા આસપાસ ભગવાનને રથમાં બિરાજમાન કર્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભગવાનના દર્શન કર્યા અને સોનાની સાવરણીથી કચરો વાળીને પહીંદવિધિ કરી હતી. બાદમાં તેમણે અને અન્ય મંત્રી, ધારાસભ્યોએ મળી રસ્સી ખેંચી ત્રણે રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. જમાલપુર, ખમાસા, મ્યુનિ. કોઠા, આસ્ટોડીયા, ખાડીયા, કાલુપુર થઇ ત્રણે રથ મોસાળ સરસપુર પહોચ્યો હતા. બાદમા ત્યાથી નિજ મંદિર તરફ પ્રયાણ કરી મંદિરે મોડી સાંજે પરત ફર્યા હતા. શાંતિપૂર્ણ હર્ષ ઉલ્લાસ સાથે રથયાત્રા પૂર્ણ થઇ જતાં પોલીસ અને તંત્રએ હાશકારો મેળવ્યો હતો.
કોને ક્યા રથમાં બિરાજમાન કરવામાં આવ્યા
મંદિરમાંથી ભાઈ બળભદ્રને તાલધ્વજ રથમાં, બહેન સુભદ્રાજીને પદ્મધ્વજ રથમાં અને ભગવાન જગન્નાથને નંદીઘોષ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.
સરસપુર અને જગન્નાથ મંદિર પર ભીડ વધારે રહી
સરસપુર મોસાળમાં અને જમાલપુર જગન્નાથ ભગવાનના મંદિર પર લોકોની વધારે ભીડ જોવા મળી હતી. લોકોનું ઘોડાપુર જોઇ સ્થાનિકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. નગરચર્યા દરમિયાન ઠેર-ઠેર લોકોએ રથ અને મહારાજનું સ્વાગત કર્યું હતું.
રથયાત્રામાં જુગારના ધંધા વાળાએ પણ પાંચ લાખ પોલીસને ચંદો આપ્યો
રથયાત્રા રુટ પર આવેલા એક પોલીસ સ્ટેશનની હદમાં મોટા જુગારના અડ્ડા પર તાજેતરમાં સ્ટેટ મોનિટરીંગ સેલે રેડ કરી હતી. જેમાં સ્થાનિક પીઆઇ, પીએસઆઇ અને ડિસ્ટાફના માણસો સસ્પેન્ડ થયા હતા. તેમ છતાં પોલીસનો કોઇ ધર્મ નથી હોતો તે કહેવત પોલીસે સાચી કરી હતી અને આ જુગારના ધંધા વાળા પાસે પોલીસે પાંચ લાખની સહાય એટલે કે રથયાત્રામાં ચંદો લીધો હતો. પોલીસ જેના કારણે પરેશાન થઇ તેને ફરી પ્રોત્સાહન આપવાની ઘટના બનતા પોલીસકર્મીઓમાં રોષ સાથે ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે આ અંગે તે સ્થળના ઉચ્ચ અધિકારી ચંદો આપ્યાની વાતને નકારી રહ્યા હતા.
રથયાત્રામાં કોરોના બોર્ડ લાગ્યા, ટ્રકના ચિત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા
અખાડાના કરતબોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતુ. નાના બાળકો પણ કરતબો કરી રહ્યા હતા. લોકોએ તેમની સાથે સેલ્ફી અને તેમની વિડીયો ગ્રાફી પણ કરી હતી. 101 ટ્રકોમાંથી અનેક ટ્રકો પર લાગેલા પોસ્ટરો ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. જેમાં એક ટ્રક પર ખાડિયાના માથાભારે મોન્ટુ નામદારે કરેલી રાકેશ મહેતા ઉર્ફે બોબીને ન્યાય મળે તે માટે લગાવવામાં આવ્યું હતુ, જોકે આ કેસની તપાસ પણ શંકાસ્પદ રીતે ક્રાઇમ બ્રાંચને સોંપી દેવાની ઘટના બાદ આ બનતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આઇપીએલની ગુજરાત ટીમના લોગો સાથે ભક્તોના ફોટા, અયોધ્યાના રામ મંદિર, યુપીના મુખ્યમંત્રીના ફોટા, સાઇબર ક્રાઇમ સુરક્ષાને લઇને પોસ્ટરો ધરાવતો ટ્રક પણ હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મગંળા આરતી કરી
સવારે 3.50 વાગ્યે કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહ જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. વહેલી સવારે 3:55 વાગ્યે ભગવાનના કપાટ ખુલ્યા હતા અને ચાર વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાનની મંગળા આરતી ઉતારી હતી. જેના કારણે સેક્ટર-1ના જોઇન્ટ સીપી રાજેન્દ્ર અસારી સહિતનો કાફલો વહેલી સવારથી જગન્નાથ મંદિર પહોચી ગયો હતો. મંદિરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રથની આસપાસ આરએએફની ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી હતી. મંગળા આરતી બાદ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને મહેન્દ્ર ઝા દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પાઘડી પહેરાવી હતી. અમિત શાહની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મંદિરે હાજર રહ્યા હતા. મંદિર જય રણછોડ માખણચોરના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું.
રથયાત્રામાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ હતી
25000 વિવિધ રેન્કના અધિકારીઓ અને પોલીસકર્મીઓ, હેલિકોપ્ટર, ડ્રોનથી આકાશમાં સતત પેટ્રોલીંગ, હાઈરિઝોલ્યુશન સીસીટીવી કેમેરા, 46 ફિક્સ્ટ લોકેશન સહિત અન્ય મુવિંગ, વ્હિકલ માઉન્ટેડ કેમેરા, 2500 બોડીવોર્ન કેમેરા, 101 ટ્રકનું એન્ટિ સેબોટેજ ચેક કરાયું, 8 પોલીસ સ્ટેશનમાં મીની કન્ટ્રોલ રુમ, હ્યુમન ઇન્ટેલિજન્સ તૈયાર રખાયું, લોકોની મદદ લેવાઇ, સોશિયલ મિડીયા પર સતત વોચ અને વીએચએફ વોકીટોકીથી 16 ચેનલ પર સંદેશા વ્યવહાર કરવામાં આવ્યા હતા.
શાહપુરમાં કેબિનની છત તુટી, 20ને ઇજા
શાહપુરમાં રથયાત્રા જોવામાં લોકો એટલી હદે મગ્ન થઇ ગયા હતા કે, એક કેબિન પર અનેક લોકો બેસી ગયા હતા. જેના કરાણે કેબિનની છત તુટી પડી હતી. જેમાં બાળકો પણ સવાર હોવાથી તેમને પણ ઇજા થઇ હતી. જોકે ઘટના બની તે સમયે રાજ્યના ગૃહમંત્રી અને પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ત્યા હાજર હતા. ગૃહમંત્રીએ પણ લોકોને મદદ કરી અને પોલીસે લોકોને સુરક્ષિત ખસેડ્યા હતા.