વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો : પ્રેમમાં દગો મળતા સગીરા નશાના રવાડે

| Updated: October 10, 2021 7:41 pm

આજકાલ જાણે પ્રેમમાં દગો મળતા નશો કરવાનો ટ્રેન્ડ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. યુવાધન ફિલ્મોનું અનુકરણ કરી નશાના રવાડે ચડી રહ્યું છે. આવી જ એક ઘટના અમદાવાદમાં બની હતી. સગીરાને પ્રેમમાં દગો મળતા નશાના રવાડે ચડી ગઈ હતી. જોકે ચિંતિત પરિવારે અભયમને જાણ કરતા ટીમે તેનું કાઉન્સેલિંગ કરી તેના પરિવારજનોને સોંપી હતી.

સગીરાને એક યુવક સાથે ઘણા સમયથી પ્રેમ સંબધ બંધાયો હતો. બાદમાં પ્રેમીએ અન્ય યુવતીને પ્રેમ કરવાનું શરૂ કરતા આ સગીરા સતત આઘાતમાં રહેતી હતી અને તેના આઘાતમાં તે નશાના રવાડે ચઢી ગઈ હતી. જેથી આ મામલે 181 હેલ્પલાઈનને કોલ મળતા સગીરાનું કાઉન્સેલિંગ કરી તેને બચાવી પરત પરિવારજનોને સોંપી હતી. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સગીરાના કાઉન્સેલિંગમાં તેની પાસેથી બ્લેડ મળી આવી હતી.

181 અભયમ હેલ્પલાઇન મહિલાઓ માટે કાઉન્સેલિંગનું કામ કરે છે. રોજના અનેક કિસ્સા તેઓના ધ્યાને આવતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો તેઓની ટીમ પાસે આવ્યો હતો. આ કિસ્સો તમામ માતાપિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો છે. અભયમ ટીમને એક ફોન આવ્યો હતો. જે કોલમાં જણાવવામાં આવ્યું કે એક પરિવારની સગીર વયની દીકરીને એક યુવક સાથે પ્રેમ હતો. પ્રેમસંબધમાં રહેલી સગીરાને આ પ્રેમીએ છોડી દઈ અન્ય યુવતી સાથે પ્રેમસંબધ બાંધી દીધા હતા. જેથી આ સગીરાને મનમાં ખુબ લાગી આવ્યું હતું.

સગીરાના પ્રેમીએ અન્ય યુવતી સાથે અફેર કરતા સગીરા કેફી દ્રવ્યોના સેવનના રવાડે ચઢી ગઈ હતી. નશો કરીને આ સગીરા ઘરના લોકોને હેરાન કરવા લાગી હતી. બાદમાં સગીરા મરવાના પ્રયત્નો કરી બ્લેડના ઘા હાથમાં મારવાના પ્રયત્નો કરવા લાગી હતી. જેથી ગભરાઈ ગયેલા પરિવારે 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કરતા ટીમે કાઉન્સેલિંગ હાથ ધરી આ સગીરાને સમજાવી હતી.  ટીમે સગીરાને અનેક કલાકો સુધી કાઉન્સેલિંગ કરતા મામલો થાળે પડ્યો હતો. અને હવે ક્યારેય આવું નહિ કરે તેવું વચન આપતા અભયમની ટીમે સગીરાને ખુશીથી પરિવારને સોંપી હતી.

Your email address will not be published. Required fields are marked *