રાંધણગેસના ભાવમાં વધારો ન થતાં લોકોને રાહત
નવી દિલ્હીઃ દેશમાં કોમર્સિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પહેલી એપ્રિલથી 250 રૂપિયાનો જંગી વધારો થયો છે. રાજધાનીમાં હવે કોમર્સિયલ એલપીજી સિલિન્ડર 2,253 રૂપિયાના ભાવે મળશે. જ્યારે આ જ સિલિન્ડર કોલકાતામાં 2,351, મુંબઈમાં 2,205 અને ચેન્નાઈમાં 2,406 રૂપિયાના ભાવે મળશે.
જો કે લોકો માટે રાહતની વાત એટલી છે કે સ્થાનિક રાંધણ ગેસના ભાવમાં કોઈ વધારો થયો નથી. ઘરવપરાશના 14.2 કિ.ગ્રા. એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 949.50, કોલકાતામાં 976, મુંબઈમાં 949.50 અને ચેન્નાઈમાં 965.50 રૂપિયા હશે.
જો કે 22 માર્ચના રોજ એલપીજી સિલિ્ન્ડરનો ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ઓક્ટોબર પછી એલપીજી સિલિન્ડરના ભાવમાં આ પહેલી વખત વધારો કરાયો હતો. દેશમાં દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ દર મહિને એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. આગામી સમયમાં એલપીજી સિલિન્ડરનો ભાવ મહિને હજાર રૂપિયાને વટાવી જાય તેમ મનાય છે. કોંગ્રેસ સહિતના વિપક્ષે સમગ્ર દેશમાં રાંધણ ગેસના ભાવવધારાના વિરોધમાં દેખાવ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ચાર રાજ્યોમાં ચૂંટણી હતી તેને લઈને લગભગ 132 દિવસ સુધી ઇંધણના ભાવમાં કોઈપણ પ્રકારનો વધારો થયો ન હતો, જે હવે થઈ રહ્યો છે. આના લીધે સરકારી કંપનીઓને અત્યાર સુધીમાં 19,000 કરોડની ખોટ ગઈ છે તે ભરપાઈ કરવાનું શરૂ થયું છે.