ગાંધીનગરમાં ફરી આંદોલનનું વાવાઝોડું, LRD ભરતીના ઉમેદવારોએ કમલમ સહિત જાહેર જગ્યાએ પોસ્ટરો લગાવ્યા

| Updated: April 21, 2022 12:06 pm

ગાંધીનગર: LRD ભરતીના ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં કમલમ સહિત અલગ અલગ જગ્યા પર સરકાર પાસે વેઇટિંગ લિસ્ટની માંગણી કરતા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. જેમાં મીડિયાના માધ્યમથી તત્કાલીન ગૃહમંત્રી દ્વારા જાહેરાત કરેલા અને બીજેપી દ્વારા સોશિયલ મીડીયા પર જે પોસ્ટ કરીને વાહવાહી લુંટી હતી તેની પ્રિન્ટ પણ જોડવામાં આવી હતી.

ગાંધીનગરમાં જ્યારે પ્રધાનમંત્રી જાતે 3 દિવસના પ્રવાસ પર હોય અને રાજભવન રોકાયેલા હતા એ દરમિયાન રાજયના ખૂણે ખૂણેથી આવેલા LRD ભરતીના પાસ થયેલા અને વેઇટિંગ લિસ્ટની રાહ જોઈ રહેલા ઉમેદવારો બુધવારે લિસ્ટની માંગણી માટે એકઠા થયાં હતા. આ ઉમેદવારો વર્ષ 2018-19ની LRD ભરતનીના ઉમેદવારો છે જેઓનું 512 જગ્યાનું લિસ્ટ સરકારે બહાર પાડવાની જાહેરાત કરી હતી.

આ ઉમેદવારો પોતાને શિક્ષિત બેરોજગાર જણાવી ગાંધીનગર આવેલા છે અને જ્યાં સુધી તેઓની 20 % પ્રમાણેની જગ્યાએ ભરવામાં નહિ આવે સરકારની ખાતરી મુજબ ત્યાં સુધી ગાંધીનગર નહિ છોડવાની જાહેરાત આ ઉમેદવારોએ કરી છે. એક માહિતી મુજબ આ ઉમેદવારો અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પણ મળ્યા હતા અને આશ્વાસન લીધું હતું કે વેઇટિંગ લિસ્ટ બહાર પાડવાંમાં આવશે.

ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મુખ્યાલય કમલમ ખાતે અને અન્ય જાહેર જગ્યાઓ ઉપર જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા બેનરો લગાવ્યા હતા, ત્યાં આ ઉમેદવારો દ્વારા પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલ અને પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના ‘સરકારે 20 % જેટલું વેઇટિંગ લિસ્ટ બનાવવાનો નિર્ણય કર્યો છે’ એવા મીડિયા ન્યૂઝ્ ક્લીપના પોસ્ટરો લગાવ્યા હતા.

આ ઉમેદવારોએ જાહેર કર્યું હતું કે, બુધવાર તેમની માંગણીનો પ્રથમ દિવસ છે અને તેઓ સંપૂર્ણ જુસ્સા સાથે ગાંધીનગર આવેલા છે અને તેમનો હક નહિ મળે ત્યાં સુધી ગાંધીનગર છોડવાના નથી. વર્ષ 2018માં લગભગ 6189 જગ્યાઓ માટે વેકેન્સી બહાર પાડી હતી અને તે ભરતીમાં 512 જેટલા ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ બનાવવાની સરકારે જાહેરાત કરી હતી.

Your email address will not be published.