પશુઓમાં લમ્પી રોગચાળાની સમીક્ષા અર્થે જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી

| Updated: August 6, 2022 3:28 pm

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) જામનગર કલેક્ટર કચેરીનાં સભાખંડ ખાતે પશુપાલન વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓ તથા જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓ સાથે લમ્પી સ્કિન ડીસીઝની સર્વગ્રાહી સમીક્ષા અર્થે બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પશુઓની સારવાર કે રસીકરણ બાદની સ્થિતિની પૂરતી કાળજી લેવાવી જોઈએ.

સરકાર દ્વારા રાજ્યમાંથી લમ્પી રોગને નાબૂદ કરવા તમામ પૂરતા પગલાંઓ લેવાયા છે તેમજ આ અંગે વહીવટી તંત્ર, પશુપાલન વિભાગ તથા આરોગ્ય વિભાગ દ્વારા શ્રેષ્ઠ કામગીરી થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) બેઠકમાં અધિકારીઓને મૃત પશુઓના ઝડપી તથા યોગ્ય નિકાલ માટે તાકીદ કરી હતી તેમજ લમ્પી અસરગ્રસ્ત વિસ્તાર સિવાયના અન્ય વિસ્તારોમાં પણ સઘન રસીકરણ હાથ ધરવા સૂચના આપી હતી. 

બેઠકમાં વિગતો આપતાં કૃષિમંત્રી રાઘવ પટેલે જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં લમ્પી વાયરસ પ્રસર્યો ત્યારથી જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉચિત આયોજનો કરી રોગ પર નિયંત્રણ લાવવા શ્રેષ્ઠ કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્રની જરૂરિયાત મુજબની તમામ માંગણીઓ પણ સરકાર દ્વારા પૂરી કરવામાં આવી છે. લમ્પી વાયરસ પર નિયંત્રણ આવે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે તેમજ તેમના માર્ગદર્શન હેઠળ મહદઅંશે રોગ પર કાબુ મેળવવામાં સફળતા પણ મળી છે.  

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના અન્ય રાજ્યો કરતા ગુજરાતની સ્થિતિ ઘણી સારી છે. રાજ્યમાં 22 લાખથી વધુ પશુઓનું રસીકરણ પૂર્ણ કરાયું છે. રોગ ફેલાતો અટકે તે માટે અસરગ્રસ્ત વિસ્તારની પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં પણ રસીકરણ કરવામાં આવી રહ્યું છે.   

જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલ તથા મ્યુનિસિપલ કમિશ્નર વિજય ખરાડીએ મુખ્યમંત્રીને સંક્રમણની સ્થિતિ અને રાહત કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં 3 મે, 2022ના રોજ પ્રથમ કેસ મળી આવ્યો ત્યારથી અત્યાર સુધી કુલ 5405 પશુઓ અસરગ્રસ્ત થયા છે જે પૈકી સઘન સારવારનાં પરિણામે જિલ્લામાં 1609 પશુઓ લમ્પીમુક્ત થયા છે જ્યારે હાલ 3692 પશુઓને સારવાર આપવામાં આવી રહી છે.   

અત્યાર સુધી થયેલી રસીકરણની વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું કે જિલ્લાનાં 1,38,000 ગાય સંવર્ગના પશુઓ પૈકી 1,10, 456 એટલે કે 95 ટકા પશુઓને રસી આપી દેવાઈ છે. ખાનગી માલિકીના 99% પશુઓનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે હવે બિનવારસી રખડતા પશુઓને રસીની ઝુંબેશ ચલાવી દૈનિક ધોરણે 2 થી 3 હજાર પશુઓને વેકસીનેટ કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં લમ્પી વાયરસને નિયંત્રિત કરવા રસીકરણ મહાઝુંબેશનું આયોજન કરી જિલ્લા પંચાયતની 23 ટીમો તથા 74 પશુચિકિત્સા અધિકારી, 17 પશુધન નિરીક્ષકો, કામધેનું યુનિવર્સિટીનાં ૪ મદદનીશ પ્રાધ્યાપક, 5 અનુસ્નાતક તબીબો તેમજ 32 સ્નાતક તબીબો દ્વારા સઘન કામગીરી કરવામાં આવી હતી. રસીકરણ ઉપરાંત તેમણે લમ્પી વાઇરસના વાહક એવા માખી, મચ્છરના ઉપદ્રવને કાબુમાં લેવા માટે કાર્યરત આરોગ્ય વિભાગની 344 ટીમો દ્વારા સ્વચ્છતા અને કીટક નિયંત્રણ માટે થઈ રહેલી કામગીરીની વિગતો પણ આપી હતી. 

આ બેઠકમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય આર.સી.ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, ગૌસંવર્ધન સહકાર વિભાગના સેક્રેટરી ડો. કે.એમ.ભીમજીયાણી, કલેકટર ડો. સૌરભ પારઘી, કમિશનર વિજય ખરાડી, રીજનલ મ્યુનિસિપલ કમિશનર ડો. ધિમંતભાઈ વ્યાસ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, પશુપાલન નિયામક, અધિક કલેકટર એમ.પી.પંડ્યા, નાયબ કમિશનર વસ્તાણી, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મૂંગરા વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા.

આ પણ વાંચો: જામનગરમાં લમ્પી વાયરસનો કહેર તંત્ર મૂકપ્રેક્ષક, પશુઓના મોત બાદ દૂર્ગધ ફેલાતા રહિશો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં

Your email address will not be published.