જામનગરમાં લમ્પી વાયરસનો કહેર તંત્ર મૂકપ્રેક્ષક, પશુઓના મોત બાદ દૂર્ગધ ફેલાતા રહિશો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં

| Updated: July 30, 2022 5:10 pm

જામનગરમાં લમ્પી વાયરસના રોગથી અનેક પશુઓના મોત થયા છે. ત્યારે પશુઓના મોત બાદ તેમની દફનવિધિ કરવામાં તંત્રની ઢીલી નીતિના કારણે રહિશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીઓ પાસે પશુઓની લાશોના ઢગલા જોવા મળી રહ્યા છે.

રાજ્યના ઘણા જિલ્લાઓમાં લમ્પી વાયરસની ચપેટમાં ઘણા પશુઓ આવી ગયા છે. આ વાયરસના કારણે ઘણા પશુઓના મોત પણ થયા છે. ત્યારે કાલાવડમાં લમ્પી વાઇરસથી અનેક ગાયોનાં મોત થયાં હતાં. આ ગાયોની દફનવિધિ કરવામાં ન આવતાં એના ઢગલા જોવા મળી રહ્યા છે. બે-ત્રણ દિવસ થઈ ગયા હોવા છતાં એની લાશોના ઢગલા એમ જ ત્યા પડ્યા છે, જેથી દુર્ગંધ ફેલાતાં આસપાસના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક લોકો નગરપાલિકાના પ્રમુખ અજમલ ગઢવીને રજૂઆત કરવા ગયા હતા. જોકે તેમણે પણ ઉડાવ જવાબ આપ્યો હતો. રજૂઆત કરવા ગયેલા સ્થાનિક લોકોએ કહ્યું હતું કે શું નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર લમ્પી રોગ વધુ ફેલાય એની રાહ જોઈ રહ્યા છે? આ વિસ્તારમાં હાલ તંત્ર દ્વારા દફનવિધિ કરવામાં ન આવતાં એની લાશોના ઢગલા જોવા મળી રહ્યા છે, જેથી આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાઈ રહી છે. ત્યારે તંત્ર કાર્યવાહી કરવાને બદલે ખાલી તમાશો જોઈ રહ્યું હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.

સાવચેતીનાં પગલારુપે ખાસ કરીને જે પશુમાં લક્ષણો જોવા મળે એને બીજાં પશુથી અલગ બાંધવા, પશુઓનાં રહેઠાણો સ્વચ્છ રાખવા, એમાં જૂ, ઇતરડી, ચાંચડ, મચ્છરવિરોધી દવાનો છંટકાવ કરવો. અસરગ્રસ્ત પશુ પર લીમડાનાં ઉકાળેલા પાણીનો છંટકાવ કરવો જેવા ઉપાયોથી આ વાઇરસ કાબૂમાં આવી શકે છે.

Your email address will not be published.