Site icon Vibes Of India

નીતિન દેશમુખનો ઘટસ્ફોટ,’મારું અપહરણ કરવામાં આવ્યું હતું’

Maharashtra Political Crisis

Maharashtra Political Crisis

શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે તેમની સાથે 46 ધારાસભ્યો છે. જો કે આ દરમિયાન તેમના કેમ્પમાંથી શિવસેનાના એક ધારાસભ્ય નાગપુર પરત ફર્યા છે. શિંદે કેમ્પથી પરત ફરેલા શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખ નાગપુર પહોંચ્યા અને કહ્યું કે તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. અને સુરત લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓ પરત ફર્યા છે. તેમણે કહ્યું કે, તેઓ બાળાસાહેબ ઠાકરેના સાચા શિવસૈનિક છે અને તેઓ ઘરે પાછા ફર્યા છે. નીતિન અકોલા જિલ્લાના બાલાપુરથી શિવસેનાના ધારાસભ્ય છે.

તેણે જણાવ્યું કે તે સુરતથી જ નાગપુર પરત ફરવા માંગે છે. પરંતુ 100-200 પોલીસકર્મીઓ તેમની પાછળ હતા. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને તેને પરત જવા દેવામાં આવ્યો ન હતો. નીતિન દેશમુખે દાવો કર્યો હતો કે મને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. એવું જૂઠ ફેલાવવામાં આવ્યું છે કે મારા પર હુમલો થયો છે. પરંતુ હું શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની સાથે છું.

નીતિન દેશમુખની પત્નીએ નોંધાવી હતી ફરિયાદ

એકનાથ શિંદેની સાથે મંગળવારે સુરત પહોંચેલા ધારાસભ્યોમાં નીતિન દેશમુખ પણ સામેલ હતા. જોકે નીતિન દેશમુખની પત્ની પ્રાંજલી નીતિન દેશમુખે સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં પતિના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તેણે ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે ચૂંટણી હતી અને ટ્રેનમાં ચડતા પહેલા તેણે મારી સાથે વાત કરી હતી કે હું અકોલા જઈ રહ્યો છું. પરંતુ રાતથી કોઈ સંપર્ક થયો ન હતો. તેનો મોબાઈલ પણ બંધ છે. આથી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

રાઉતે કહ્યું- ધારાસભ્યો પાછા આવશે

શિવસેનાના સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્રની વર્તમાન સ્થિતિ વિશે કહ્યું કે જ્યારે કોઈપણ રાજ્યમાં આવી સ્થિતિ સર્જાય છે ત્યારે વિધાનસભા ભંગ કરવામાં આવે છે તે ઇતિહાસ છે. મહારાષ્ટ્રમાં સ્થિતિ યથાવત્ છે. મને ખાતરી છે કે શિવસેનાના જે ધારાસભ્યો ગુવાહાટીમાં બેઠા છે તેઓ વિચારશે અને પરિવારમાં પાછા આવશે. રાઉતે કહ્યું, જે પણ કરવું પડશે, મહાવિકાસ અઘાડી તેને સાથે લેશે, પરંતુ જ્યાં સુધી ધારાસભ્યો મુંબઈ નહીં આવે ત્યાં સુધી કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં.