ગુજરાતના જાણીતા કવિ અને રાષ્ટ્રીય શાયરનું બિરુદ પામેલા સ્વ. ઝવેરચંદ મેઘાણીના પુત્ર મહેન્દ્ર મેઘાણીનું અવસાન

| Updated: August 4, 2022 12:50 pm

ગુજરાત અને તેમા પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના જાણીતા કવિ અને મહાત્મા ગાંધીના દ્વારા રાષ્ટ્રીય શાયરનું બિરુદ પામેલા સ્વ. ઝવેરચંદ મેઘાણીના (#Zaverchand Meghani) પુત્ર મહેન્દ્રભાઈ મેઘાણીનું (#Mahendra Meghani) બુધવારે નિધન થયું છે. તેમણે આ વર્ષે 20 જુને 100માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો. તેઓ પોતે પણ પિતાની જેમ પ્રખર તો નહી પણ એક સારા સાહિત્યકાર હતા, પણ એક રીતે તે પિતાના પડછાયામાંથી કે તેમની આભામાંથી કયારેય બહાર આવી શક્યા ન હતા.

તેમણે ભાવનગરમાં લોકમિલાપ ટ્રસ્ટની (#Lokmilap Trust) સ્થાપના કરી હતી અને બુકશોપ ખોલી હતી. તેઓ સારા પત્રકાર પણ હતા અને લોકમિલાપન નામનું પોતાનું મેગેઝિન ચલાવતા હતા. સૌરાષ્ટ્રમાં પિતા ઝવેરચંદ મેઘાણીની જેમ તેમની પત્રકારત્વ તરીકેની કારકિર્દી ઉજ્જવળ રહી છે. તેમણે પત્રકાર તરીકે વડાપ્રધાન જવાહરલાલ નેહરુની સાથે રશિયા સહિત ઘણા દેશોનો પ્રવાસ કર્યો હતો. તેમના પિતા ઝવેરચંદ મેઘાણીને મહાત્મા ગાંધીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યુ હતુ. તેઓ પણ તેમના સમયમાં સારા પત્રકાર હતા. તેમણે પત્રકાર તરીકે સૌરાષ્ટ્રમાં સ્વતંત્રતાની ચળવળમાં મહત્વનું પ્રદાન આપ્યુ હતું.

મહેન્દ્ર મેઘાણીને પુસ્તકો પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો, જ્યાં તે સસ્તા દરે પુસ્તકો વેચતા હતા. તેમણે દેશભરમાં અને દેશની બહાર પુસ્તક મેળાઓનું આયોજન કર્યુ હતુ. તે હંમેશા કહેતા હતા કે બુલેટ થોડા સમય માટે ક્રાંતિ લાવે છે, મતપત્ર દ્વારા ક્રાંતિને જોઈએ તેટલી સફળતા મળી નથી. તેથી હું હવે પુસ્તકો દ્વારા ક્રાંતિ (#Revolution by Book) લાવવા ઇચ્છુ છું.

મહેન્દ્રભાઈનો જન્મ મુંબઈમાં થયો હતો અને તેમનો અભ્યાસ ભાવનગર, બોટાદ અને મુંબઈમાં થયો હતો. તેમણે 1942માં એલડી આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કર્યો હતો, પરંતુ અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. તેઓ 1948માં ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં પત્રકારત્વનો અભ્યાસ કરવા ગયા હતા. તેઓ સાહિત્યકાર હોવા ઉપરાંત સારા ભાષાંતરકાર પણ હતા. તેમણે અંગ્રેજી સાહિત્યના કેટલાય જાણીતા પુસ્તકોનું ભાષાંતર કર્યુ હતુ. તેમા પણ વિન્સેન્ટ વાન ગોંગ પર અરવિંગ સ્ટોન દ્વારા લિખિત પુસ્તકનું તેમણે ગુજરાતીમાં અદભુત ભાષાંતર કર્યુ હતુ.

ગુજરાતીમાં આ પુસ્તક સળગતા સૂરજમુખીના નામે પ્રકાશિત થયું છે. ગુજરાતી પુસ્તક ભાષાંતરકારોમાં મહેન્દ્ર મેઘાણી આજે પણ અદ્વીતિય મનાય છે. તેમનું કહેવું છે કે ભાષાંતરકાર માટે સૌથી મોટી મુશ્કેલી જે તે પુસ્તક જે ભાષામાં લખાયું હોય તેનો પ્રવાહ જાળવવાની છે. ભાષાંતરકાર જો આ પ્રવાહ જાળવવામાં સફળ રહે તો જ તેને સારો ભાષાંતરકાર કહેવાય, નહીં તો પછી જો તે બીજી ભાષામાં ભાષાંતર કરતી વખતે ભાષાનો પ્રવાહ જાળવી ન રાખે તો વાચકોને રસક્ષતિ થાય છે. વાચકો રીતસર આ પ્રકારની રસક્ષતિ અનુભવે છે. તેથી તેઓ ભાષાંતરમાં હંમેશા વાર્તાપ્રવાહને જરા પણ ક્ષતિ ન થાય તેને પોતાની અને દરેક ભાષાંતરકારની મુખ્ય ફરજ સમજતા હતા. આના પરથી તેઓ કેટલા પુસ્તકપ્રેમી હતા અને વાચકો અંગે કેટલા સભાન હતા તે સમજી શકાય છે.

Your email address will not be published.