સુરતના અગ્રણી ઉદ્યોગપતિ મહેશ સવાણી હવે આપમાં

| Updated: June 28, 2021 12:18 am

સુરતમાં છેલ્લા એક દાયકાથી દર વર્ષે ૩૦૦થી વધુ પિતાવિહોણી દીકરીઓને નાતજાતના ભેદભાવ વગર પરણાવવાનું કામ કરતા ઉદ્યોગપતિ મહેશ સવાણી હવે આપમાં જોડાયા છે.

એક સમયે સુરત લોકસભા બેઠક માટે ભાજપમાંથી ટિકિટ મેળવવા મજબૂત દાવો કરનારા સવાણીએ હવે આપની કંઠી ધારણ કરતાં ગુજરાતના રાજકારણમાં જબરદસ્ત હિલચાલ શરૂ થઈ છે.

મહેશ સવાણી મૂળ ભાવનગરના રાપરડા ગામના વતની છે અને સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ધરાવે છે. વર્ષો પહેલા મહેશ સવાણીના પિતા વલ્લભભાઈ સૌરાષ્ટ્રથી સુરત આવ્યા હતા. સુરતમાં હીરાના વ્યવસાયમાં ખૂબ મોટું નામ મેળવ્યા બાદ રિયલ એસ્ટેટ તરફ વળી વલ્લભાઈએ અઢળક સફળતા મેળવી હતી. પિતાના રસ્તે ચાલી આજે ડાયમંડ, એજ્યુકેશન, હોસ્પિટલ, રિયલ એસ્ટેટ સહિતના બિઝનેસ ક્ષેત્રે કાર્યરત પી પી સવાણી ગ્રુપનું સંચાલન મહેશ સવાણી કરી રહ્યાં છે.

ફક્ત બિઝનેસ જ નહીં, આશરે 2500 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતા આ ગ્રૂપના એમડી તરીકે કામ કરી રહેલા મહેશ સવાણી પણ પિતાની સેવાકીય પ્રવૃતિનો વ્યાપ અનેકગણો આગળ વધારી રહ્યાં છે. મહેશ સવાણી પિતા વિહોણી દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવે છે. દશ વર્ષમાં ઉદ્યોગપતિ મહેશ સવાણીએ લગભગ 3000 અનાથ દીકરીઓના બાપ બનીને તેમનું કન્યાદાન કર્યું છે.

આ ઉપરાંત મહેશ સવાણીએ ઉરીમાં શહીદ જવાનોના બાળકોના ભણતરના સંપૂર્ણ ખર્ચની જવાબદારી લીધી છે. તેઓ પી.પી. સવાણી ગ્રુપના નેજાં હેઠળ રિયલ એસ્ટેટ બિઝનેસની સાથે સાથે શહેરમાં ગુજરાતી, હિન્દી અને ઈંગ્લિશ મિડિયમની શાળાઓ ચલાવે છે. પી.પી. સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ગરીબ દર્દીઓ માટે નજીવા દરે હાર્ટ સર્જરીની સુવિધા અપાય છે. તાજેતરમાં જ તેમણે સુરતની ૫૨થી વધુ સંસ્થાઓને એક છત્ર હેઠળ લાવી સેવા સંસ્થાની સ્થાપના કરી 13 અતિ અદ્યતન કક્ષાના કોવિડ કેરસેન્ટર કાર્યરત કર્યા છે. 

ગયા વર્ષે મહેશ સવાણી સામે એક બિલ્ડરના અપહરણ અને ખંડણી માગવાનો કેસ પણ નોંધાયો હતો. સવાણીએ 65 વર્ષનાં ગૌતમ પટેલનું તેમના ઘરેથી અપહરણ કરી તેમના છૂટકારા માટે 19 કરોડ માગ્યા હોવાના આક્ષેપ બાબતે ગૌતમ પટેલની ફરિયાદના આધારે પોલીસે સવાણી, તેમના મદદનીશ ગોપાલ અને અન્ય 4 સામે ખંડણી અને અપહરણનો ગુનો નોંધ્યો છે.

આપનો દાવો છે કે સુરતના બિઝનેસમેન તેમના તરફ આકર્ષાઈ રહ્યા છે. આપના નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, “આગામી કેટલાક દિવસોમાં લગભગ 30 બિઝનેસમેન સુરતમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે. ગીર, સોમનાથના પ્રવીણ રામ આપના નેતાઓને મળ્યા છે. તેઓ આપમાં જોડાવા માટે વાતચીત કરી રહ્યા છે. જિલ્લાવાર જોવામાં આવે તો રોજના પાંચથી સાત હજાર લોકો આપમાં જોડાઈ રહ્યા છે.” તેમણે એમ પણ કહ્યું કે, “અમને સત્તાવાર ફોન નંબર પર સાડા ત્રણ લાખથી વધારે ફોન મળ્યા છે અને કોલ સતત વધી રહ્યા છે.”

Your email address will not be published.