જુનાગઢ ડુંગર ઉતર રેંજમાં આવેલા વનવિભાગની બીટના, પાંચપીર વાળી વીળી, ખાખરા વીળી, બામણગામ, વડાલ વગેરે ગામના માલધારીઓએ વનવિભાગ સામે બાંયો ચઢાવી છે. તેમનો આરોપ છે કે વન વિભાગ તેમની સમસ્યાઓની સતત ઉપેક્ષા કરે છે અને તેમના માટે જંગલમાં રહેવાનું મુશ્કેલ બનાવી દીધું છે.
અહીંના માલધારીઓ દાયકાઓથી આ વિસ્તારમાં રહે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ફોરેસ્ટ વિભાગ દ્વારા મસવારી પાસ ઇસ્યુ કરવામાં આવતા નથી. માલધારીઓ અને તેમના મુંગા પશુઓના નિભાવ માટે વીડીમાં પ્રવેશની મનાઈ કરવામાં આવતા માલધારીઓ રોષે ભરાયા છે. તેમણે જિલ્લા કલેક્ટર અને વન વિભાગના અગ્ર સચિવ સહિતના આગેવાનોને આવેદનપત્ર આપી તાત્કાલિક ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
જુનાગઢ તાલુકાના ડુંગર ઉત્તર રેંજ વિસ્તારના ઇશ્વર બીટ, ખાખરા બીટ, પાંચ પીરવાળી વીળી, વગેરે વન વિભાગ હસ્તકના વિસ્તારોમાં માલધારીઓ પશુધનને ચરાવી વર્ષોથી પોતાના પરિવાર અને પોતાના માલઢોરને નિભાવતા હતા. છેલ્લા ૩ વર્ષથી વન વિભાગ દ્વારા મસવારી પાસની નવી મંજુરી રીન્યુ કરી આપતા ન હોવાથી માલધારીઓ રોષે ભરાયા છે. તેમણે કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય સાથે આવેદનપત્ર આપી મસવાળી પાસની મંજુરી આપવાની ઉગ્ર માંગ કરી હતી.
હાલમાં માલધારીઓના પશુધન નિભાવા માટે આ વીડી સિવાય બીજે ક્યાંય એક વિધો પણ ગૌચર કે સરકારી પડતર જગ્યા રહેલ નથી. જેના કારણે માલધારીઓની આજીવિકા માટે દૂધની આવક એકમાત્ર સહારો છે અને આ આવકમાંથી જ તેમણે પશુધનને નિભાવવું પડે છે. તેથી તેમણે મોંધા ભાવનો ઘાસચારો વેચાતો ખરીદવો પડે છે. માલધારીઓ માટે આ ખર્ચ આર્થિક બોજ સમાન છે.

ડુંગર વિસ્તારના સેંકડો માલધારીઓ વનવિભાગની નીતિના કારણે ભયંકર મુશ્કેલીમાં મુકાય ગયા છે. આ અંગે કોંગ્રેસના આગેવાનો દ્વારા વીડીમાં માલઢોર ચરાવવાની મંજુરીઓ આપવા રજુઆત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ વાજબી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો માલધારીઓ પોતાના માલઢોર સાથે સરકારી કચેરીઓમાં ધામા નાખશે અને કોંગ્રેસ તેમના આંદોલનને ટેકો આપશે. તેમણે વન વિભાગના અગ્ર સચિવ, જૂનાગઢ જિલ્લા કલેકટર ડી.એફ.ઓ. જૂનાગઢને આવેદનપત્ર આપ્યું હતું.
(અહેવાલઃ હિતેશ જોષી)