KBCની 25 લાખ રૂપિયાની લોટરીની લાલચમાં વ્યક્તિ સાથે રૂ. 4 લાખની છેતરપિંડી

| Updated: July 30, 2022 8:45 am

દેશમાં સાયબર ક્રાઇમની ઘટનાઓમાં વધારો થયો છે. આજ કાલ છેતરપિંડી કરનારાઓ અજાણ્યા નંબરો પરથી લોકોને ફોન ઉપર મેસેજ મોકલે છે અને દાવો કરે છે કે, તેમના મોબાઇલ નંબરે કૌન બનેગા કરોડપતિમાં (KBC) રૂ. 25 લાખની લોટરી જીતી છે. અને તે લોટરીનો દાવો કરવા માટે તેઓએ અન્ય વ્યક્તિનો સંપર્ક કરવાની જરૂર છે જેનો નંબર મેસેજમાં આપવામાં આવ્યો છે. આવી જ એક ઘટના જુનાગઢના માળીયા હાટીનામાં રહેતા વ્યક્તિ સાથે થઈ છે. જેમાં ત્રણ શખ્સોએ તે વ્યક્તિને KBC ની 25 લાખ રૂપિયાની લોટરી જીત્યા હોવાનું કહીને તેની સાથે 4.07 લાખ રૂપિયાની છેતરપીંડી કરી હોવાનો મામલો સામે આવ્યો છે.

મોહમ્મદ હુસૈન લાખાને મેસેજ આવ્યો હતો કે, તે KBCની લોટરીમાં 25 લાખ રૂપિયા જીત્યો છે અને તેના મોબાઈલ પર ચેક અને ઇનામની કોપીનો ફોટો પણ મળ્યો હતો. ત્યારબાદ તેને ફોન આવ્યો કે પહેલા તેણે રજીસ્ટ્રેશન અને અન્ય ખર્ચ માટે રકમ ચૂકવવી પડશે.

પીડિતએ આરોપીઓની ઓળખ રાજ સિંઘાનિયા, પવન રાજ અને આકાશ વર્મા તરીકે કરી હતી, પરંતુ પોલીસને શંકા છે કે આ નામ નકલી છે. લાખાએ પોલીસને આપેલા મોબાઈલ નંબર પણ સ્વીચ ઓફ છે. લાખાએ જણાવ્યું કે, તેને સિંઘાનિયાનો ફોન આવ્યો હતો અને તેણે જ રજીસ્ટ્રેશન અને અન્ય ખર્ચ માટે રકમ ચૂકવવા કહ્યું હતું.

મોહમ્મદ હુસૈન લાખાએ 21 ઓક્ટોબર, 2021 અને ફેબ્રુઆરી 15, 2022 વચ્ચે વિવિધ હપ્તાઓમાં પૈસા ચૂકવ્યા હતા. તેણે પહેલા બેંક ખાતામાં 21,000 રૂપિયા ચૂકવ્યા અને પછી કુલ 4.07 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જો કે, તેના પૈસા પાછા મેળવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા, ત્યારે લાખાએ ગુરુવારે રાત્રે પોલીસનો સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચો: ઇસનપુરમાં અમેરિકન નાગરીકોને લોન આપવાના બહાને છેતરપિંડી કરતા બે આરોપીની ધરપકડ

Your email address will not be published.