યુવતીએ મિત્રતા તોડી દેતા યુવકે યુવતીની 9 ફેક આઈડી બનાવી બિભત્સ મેસેજ કર્યા

| Updated: July 31, 2022 6:38 pm

શહેરના અમરાઈવાડી વિસ્તારમાં યુવતી ઇન્સ્ટાગ્રામ દ્વારા તેના ગામના યુવક સાથે સંપર્કમાં આવી હતી. યુવક યુવતીને વારંવાર મળ્યો અને ફોટા પાડી લીધા હતા. બાદમાં 9 ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી તેને પરેશાન કરતો હતો. આ અંગે સાઇબર ક્રાઇમે સુરેન્દ્રનગરના યુવકની ધરપકડ કરી હતી.

અમરાઇવાડી વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતી ગાંધીનગર ખાતે અભ્યાસ કરે છે. વર્ષ 2010માં આ યુવતીના પિતાનું અવસાન થયું હતું. યુવતીના પરિવારમાં તેની માતા અને પાંચ ભાઈ બહેન છે. બે માસ પહેલા આ યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી હતી. જેમાં જણાવ્યું હતું કે, તે પોતે સુરેન્દ્રનગરની વતની છે અને તેના સગા સંબંધીઓ તેના વતનમાં વસવાટ કરે છે. આ યુવતી જ્યારે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતી હતી ત્યારે તેના ગામમાં રહેતો અજય નામનો છોકરો સંપર્કમાં આવ્યો હતો. બાદમાં યુવતીને અજય નામના છોકરા સાથે ઇન્સ્ટાગ્રામ પર વાતચીત થઈ હતી.

દરમિયાનમાં મિત્રતા વધતા યુવતીને યુવક મળવા બોલાવતો હતો. જેથી યુવતી મળવા પણ ગઈ હતી. યુવકે તેના ફોનમાં ફોટા પાડી લીધા હતા. બાદમાં આ યુવક યુવતીને અમદાવાદ મળવા આવ્યો હતો ત્યારે પણ યુવતીને મળવા બોલાવી હતી. યુવતીની ના હોવા છતાં પણ આ યુવક અવારનવાર બોલાવતો હતો. દરમિયાનમાં યુવતીના લગ્ન માટે વાતચીત ચાલતી હતી ત્યાં પણ તેના ચારિત્ર બાબતે વાત કરી સગાઈ તોડાવી નાખી હતી.

યુવકે વાતચીત કરવાની બંધ કરી દઈશ તો એસિડ પી મરી જઈશ તેવી ધમકી આપી હતી. જેના કારણે યુવતી ગભરાઈ ગઈ હતી. દરમિયાનમાં યુવતીએ વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. જેથી આરોપી યુવકે નવ જેટલા ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી તેમાં ફોટા મૂકી ગંદા મેસેજો ફરતા કર્યા હતા. યુવક નવ જેટલા ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપરથી મેસેજ કરી યુવતીને સતત હેરાન પરેશાન કરતો હતો અને યુવતીને ફોન ઉપર પણ ગંદી બીભત્સ ગાળો બોલતો હતો. આ અંગે સાયબર ક્રાઇમે અજય ઉર્ફે અજુભા (ઉ.22, રહે.સુરેન્દ્રનગર)ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી

Your email address will not be published.