અમેરિકા જવાના લોભમાં રૂ. 61 લાખ લૂંટાયા. ધૂતારાને સાત વર્ષની જેલ

| Updated: November 26, 2021 9:06 am

કોઈ પણ રીતે અમેરિકા પહોંચી જવાની ઘેલછામાં અંધ લોભિયાઓને લૂંટી લેનારા ધૂતારાઓનો તોટો નથી. અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરીને ગેરકાયદેસર તો ગેરકાયદેસર પણ , વિદેશ પહોંચી જવા માટે આંખો મીંચીને લાખો રૂપિયાનો જુગાર ખેલ્યા બાદ પસ્તાયા હોય એવા લોકોના અનેક કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે, એ જ શૃંખલાની એક ઘટનાના તાજેતરના કિસ્સામાં નડિયાદ ખાતે ત્રીજા એડિ. ચીફ જ્યુ. મેજીસ્ટ્રેટની કોર્ટમાં કેસ ચાલી જતા, આવા બનાવટી સપનાના સોદાગરને 7 વર્ષની કેદની સજા અને 10 હજારનો દંડ ફટકારાયો છે.

કેસની વિગતો પ્રમાણે લાંભવેલ ગામના પ્રજ્ઞેશ રમેશભાઈ પટેલ ઉર્ફે લાલો નામના આ શખ્સે અમેરિકા પહોંચાડવાની લાલચ આપીને 13 લોકોનું 61 લાખ રૂપિયાનું ફુલેકુ ફેરવ્યું હતું. વ્યક્તિદીઠ 11-11 લાખ ખર્ચ થવાનો એસ્ટીમેટ આપીને તેણે દરેક પાસેથી 4-5 લાખ લઇ લીધા હતા. અમુક સમય ગયા બાદ પણ આ વિષયમાં કોઈ પ્રગતિ ન જણાતા, લોકોને છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો અને આ અંગે ચકલાસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

આડકતરી રીતે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરનારા આ કિસ્સા માં પ્રજ્ઞેશે, અમેરિકા પહોંચાડવા અંગે લોકોનો વિશ્વાસ કેળવવા માટે પોતે વડતાલ મંદિરનો સ્વામી હોવાની ઓળખ આપી હતી. પ્રજ્ઞેશ પટેલે, સ્વામિનારાયણના સ્વામીનો સ્વાંગ રચીને અમેરિકાના ન્યુજર્સી સ્વામીનારાયણ મંદિરમાં રાખવાની અને દરેક વ્યક્તિને મહિને 1500 ડોલર લેખે પગાર આપવાની લાલચ આપી હતી.

જયારે લોકોને પોતાની સાથે ઠગાઈ તેમજ વિશ્વાસઘાત થયો હોવાનો અહેસાસ થયો ત્યારે ફરિયાદ નોંધાતા ચકલાસી પોલીસે ગુનો દાખલ કરીને પ્રજ્ઞેશકુમાર ર્ફે લાલો રમેશભાઈ પટેલની ધરપકડ કરી હતી. તપાસ પુરી થયા બાદ નડીઆદની અદાલતમાં ચાર્જશીટ ફાઈલ થતા આ કેસ નડિયાદના ત્રીજા એડિ. ચીફ જ્યુ. મેજીસ્ટ્રેટ એચ. ડી. પટેલની કોર્ટમાં ચાલ્યો હતો.

ફરિયાદ પક્ષ તરફથી ઉપસ્થિત સરકારી વકીલ એમ. જે. પટેલે કરેલી દલિલો અને દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખીને નામદાર કોર્ટે આરોપી પ્રજ્ઞેશને કસૂરવાર ઠેરવ્યો હતો અને 7 વર્ષની કેદની સજા તથા 10 હજારનો દંડ ફટકાર્યો હતો.

Your email address will not be published. Required fields are marked *