પાવાગઢમાં માનવ મહેરામણ ઉમટ્યોઃ હિલસ્ટેશન જેવા વાતાવરણમાં ભક્તોએ માણ્યુ માનું સાન્નિધ્ય

| Updated: July 3, 2022 9:19 pm

પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટયુ હતું. વરસાદી અને એકદમ હિલસ્ટેશન જેવા વાતાવરણ વચ્ચે પણ વહેલી સવારથી ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. સવારે તળેટીથી લઈને ટોચ સુધી ભક્તિની ભારે ભીડ જોવા મળી હતી.

રવિવારની રજા હોઈને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. બે લાખથી પણ વધારે ભક્તોએ મહાકાળી માતાના દર્શન કર્યા હોવાનું મનાય છે. મહાકાળી માતાના આશીર્વાદ લેવા ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી સૌથી વધુ સંખ્યામાં લોકો આવતા હોય છે.

ભક્તોના ધસારાને જોતા મંદિરના વહીવટીતંત્ર દ્વારા દર્શનાર્થીઓ માટે સમગ્ર વ્યવસ્થાતંત્ર કામે લગાડવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસે પણ ભીડને ધ્યાનમાં રાખતા ભક્તોની સુરક્ષા માટે અને વ્યવસ્થાકીય અડચણો ઊભી ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. સમગ્ર રુટ પર પોલીસ બંદોબસ્ત ગુમાવ્યો ગોઠવવામાં આવ્યો હતો.

પાવાગઢ ડુંગર પર ભેજવાળા વાતાવરણના લીધે સર્જાયેલા ધુમ્મસના લીધે આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. શ્રદ્ધાળુઓના ભારે ધસારાના લીધે ટ્રાફિક નિયમન કરવા જતાં પોલીસે માચી જતા ત્રણ રસ્તા પાસે રસ્તો બંધ કરીને વાહનોને કલાકો સુધી રોકવાની ફરજ પડી હતી. ચોમાસાની ઋતુના લીધે પાવાગઢ ડુંગરની આસપાસ આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. ધુમ્મસભરયા વાતાવરણ વચ્ચે પાવાગઢ પર્વત પર હિલસ્ટેશન જેવો નઝારો જોવા મળ્યો હતો. તેની સાથે ભક્તોમાં પણ જબરજસ્ત ઉત્સાહ જોવા મળતો હતો.  

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ વડાપ્રધાન મોદીએ પાવાગઢની જીર્ણોદ્વાર પામેલા મહાકાળી માતાના મંદિર પર ધ્વજારોહણ કરાવ્યું હતું. મંદિરનું શિખર ખંડિત હોવાના લીધે તેના પર ધ્વજારોહણ થઈ શકતું ન હતુ. વડાપ્રધાનની મહેનતના પગલે 500 વર્ષ પછી આ મંદિરનો જીર્ણોદ્વાર શક્ય બન્યો હતો અને તેના પર ધ્વજારોહણ થઈ શક્યું હતું. માતા મહાકાળીનું નવસ્વરૂપ પામેલું મંદિર જોઈને ભક્તોનો ઉત્સાહ પણ બેવડાયો હતો અને તેઓએ અત્યંત ભાવવિભોર બનીને માતાને દર્શન કર્યા હતા.

મંદિરના ટ્રસ્ટીઓનું કહેવું છે કે પાવાગઢના મંદિરનો જીર્ણોદ્વાર થયા પછી અહીં આવતા ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તેના પગલે અમે ણારી વ્યવસ્થાને પણ વધારે સઘન બનાવી છે. તેમા પણ વડાપ્રધાનના આગમન પછી તો હવે કેટલાય માતાના દર્શન કરવા બીજા રાજ્યોમાંથી પણ ભક્તો આવી રહ્યા છે.

Your email address will not be published.