કોંગ્રેસથી છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલ નારાજ જોવા મળી રહ્યા હતા. ત્યારે નારાજગી આજે વધી જતા તેણે આજે રાજીનામું આપી દીધું છે. રાજીનામાને લઈ કોંગ્રેસના વિવિધ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ત્યારે કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોષીએ હાર્દિક સામે નારાજગી વ્યક્ત કરી છે. તેઓએ જણાવ્યું કે પાર્ટીને નુકસાન થાય તેવા કામો કરતો હતો.
મનીષ દોષીએ વધુમાં જણાવ્યું કે, નારાજગીને લઈને હાર્દિકે પક્ષના ફોરમમાં ચર્ચા કરવાનું યોગ્ય સમજ્યું ન હતું. એટલું જ નહી અન્ય રાજ્યોમાં સ્ટાર પ્રચારક તરેકેની પણ તેમને જવાબદારી આપવામાં આવી હતી અને હાર્દિક પટેલનું મહત્વ વધે તે માટે પક્ષ દ્વારા તેમને હેલિકોપ્ટરની વ્યવસ્થા પણ કરી આપી હતી.
આ મામલે હાર્દિક પટેલ વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે હાર્દિક પટેલે ટ્વિટરના મધ્યમથી આપેલ રાજીનામાં લખેલ ભાષા એક તૈયાર સ્ક્રિપ્ટ છે. જે બીજાને ખુશ કરવા તે આ સ્ક્રિપ્ટ મુજબ આગળ વધી રહ્યો છે. હાર્દિક પટેલને કોંગ્રેસે નાની ઉમરમાં પદ, પ્રતિષ્ઠા અને ખરાબ સમયમાં મજબૂતી સાથે સાથ આપ્યો હતો. ત્યારે હવે તેમના નિવેદનો પરથી લાગી રહ્યું હતું કે તેઓ નવી તક શોધી રહ્યા છે. એટલે હાર્દિક પટેલ રાજનીતિ નહી પણ પરંતુ મોકા પરસ્તી કરી રહ્યા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
હાર્દિક પટેલ તકવાદી: રઘુ શર્મા
બીજી તરફ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ હાર્દિક પટેલને તકવાદી ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે પાર્ટીએ 5 રાજ્યોની ચૂંટણી દરમિયાન હાર્દિકને સ્ટાર પ્રચારક બનાવ્યો હતો. હાર્દિક પટેલે જે પત્ર શેર કર્યો છે તે તેણે લખ્યો નથી. રઘુ શર્માએ કહ્યું કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તેવી વાત થઈ હતી. જેના કારણે તેના પેટમાં દુખાવો થતો હતો.
ભાજપે કહ્યું- કોંગ્રેસ યુવાનોને તક નથી આપતી
બીજી તરફ ભાજપના નેતા અનિલ જૈને કહ્યું કે, કોંગ્રેસમાં યુવાનોને તક આપવામાં આવી રહી નથી. આ જ કારણ છે કે એક પછી એક કર નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. બીજી તરફ ભાજપનો ઈરાદો સ્પષ્ટ છે. આજના રાજકારણમાં કોંગ્રેસના નેતાઓ સમજી રહ્યા છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ દેશના વિકાસ અને સન્માન માટે કામ કરી રહી છે. જેના કારણે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે હાર્દિક પટેલનો ભાજપમાં સમાવેશ થાય છે કે નહીં તે ભાજપ પાર્ટી નેતૃત્વ નક્કી કરશે. પરંતુ ગુજરાતમાં હાર્દિકના ભાજપમાં જોડાવાનો ફાયદો પાર્ટીને મળશે.