આપના મનીષ સિસોદિયા જીતુ વાઘાણીના વિસ્તારની સ્કૂલોની મુલાકાત લેશે

| Updated: April 11, 2022 1:10 pm

અમદાવાદઃ ભાજપ સરકારના શિક્ષણપ્રધાન જિતુ વાઘાણીએ કરેલા બફાટનો ફાયદો ઉઠાવવા માટે આમ આદમી પાર્ટી (આપ) પૂરેપૂરી તૈયારીમાં લાગી ગઈ છે. આપના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ હવે ગુજરાતના જ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના મતવિસ્તારની સ્કૂલોની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે.

આ માટે તેઓ અમદાવાદ એરપોર્ટ આવ્યા પછી ત્યાંથી સીધા ભાવનગર જવા રવાના થયા છે અને બહુ ગવાયેલા ગુજરાત મોડેલમાં સ્કૂલોની સ્થિતિ જોવાના છે. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે ત્યારે મને ગુજરાતની શાળાઓ જોવાની ઉત્સુકતા છે. હું જોવા માંગુ છું કે ભાજપે સરકારી સ્કૂલોમાં કેટલો ફેરફાર કર્યો અને કેટલો વિકાસ કર્યો.

ગુજરાતના શિક્ષણપ્રધાને જણાવ્યું કે જેને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ન ગમતી હોય તે બહાર જાય. તેના જવાબમાં સિસોદિયાએ તેમને સવાલ કરતા જણાવ્યું હતું કે શું તેઓ ગુજરાતની સ્કૂલ-કોલેજોને ઠીક નહીં કરે. તેના બદલે આવી મનસ્વી વાત કરશે. આ પહેલા આપના સ્થાનિક નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે શિક્ષણ પ્રધાને ભલે ગમે તે કહ્યું હોય કોઈએ કંઈ ગુજરાત છોડવાની જરૂર નથી. રાજ્યમાં આઠ મહિના પછી આમ આદમી પાર્ટી સરકાર બનાવશે અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરુ પાડશે. દિલ્હીમાં જે રીતે સારી શાળાઓ બનાવવામાં આવી છે તેવી જ શાળાઓ અમે ગુજરાતમાં પણ બનાવીશું. ગુજરાતને શિક્ષણ મોરચે પણ આગેવાન બનાવીશું.

આમ સિસાદિયા ભાજપ સરકાર દ્વારા સંચાલિત સરકારી સ્કૂલોની મુલાકાત લેશે અને ભાજપ સરકારે અત્યાર સુધી સ્કૂલોના મોરચે કરેલી કામગીરીનો હિસાબ લેશે. સિસોદિયાએ વધુમાં જણાવ્યું હતું કે જો ભાજપે ગુજરાતની શાળાકીય સ્થિતિ સુધારવા સારુ કામ કર્યું નથી તો આપ આ વાત લોકો સુધી લઈ જશે. ગુજરાતમાં યુવાનો માટે સારુ શિક્ષણ અને નોકરીની વ્યવસ્થા અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં જ થઈ શકે છે. તેમના મોડેલથી જ ગુજરાતના યુવાનોનું ભવિ્ય સુધારી શકાય છે, એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પાયાના સ્તરેથી નબળી છે અને શિક્ષણમંત્રી અહંકારમાં મસ્ત છે. આ સંજોગોમાં આ રાજ્યના યુવાનોના અવાજને વાચા આપવાનું કામ આપ કરશે.

Your email address will not be published.