મનસુખ માંડવિયાએ દેશમાં વકરી રહેલ કોરોના અને રસીકરણ પ્રગતિની સમીક્ષા કરી

| Updated: January 2, 2022 8:57 pm

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે રાજ્યોના આરોગ્ય મંત્રીઓ અને રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના અગ્ર સચિવો/અધિક મુખ્ય સચિવો સાથે વર્ચ્યુઅલી વાતચીત કરી હતી. તેઓએ રાજયમાં વકરી રહેલા કોરોના વાયરસ સામે લડવા માટેની તૈયારી અને રાષ્ટ્રીય કોવિડ 19 રસીકરણ અભિયાનની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ મીટિંગ ઓમિક્રૉન વેરિઅન્ટના વધતા જતા કેસો અને 15-18 વર્ષના વયજૂથ માટે રસીકરણ શરૂ કરવાના તેમજ ઓળખી કાઢવામાં આવેલા જોખમપાત્ર વર્ગ માટે અગમચેતીના ડૉઝ આપવાના તાજેતરના નિર્ણયોને ધ્યાનમાં રાખીને યોજવામાં આવી હતી. આ મીટિંગ કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ દ્વારા અધિકૃત કરાઇ હતી.

આ મીટિંગમાં જોડાયેલા રાજ્યોના આરોગ્ય મંત્રીઓમાં એસ પેંગ્ન્યુ ફોમ (નાગાલેન્ડ), એન કે દાસ (ઓડિશા), ડૉ. પ્રભુરામ ચૌધરી (મધ્ય પ્રદેશ), મા સુબ્રહ્મણ્યમ (તમિલનાડુ), કેશન મહંતા (આસામ), અનિલ વીજ (હરિયાણા), સત્યેન્દ્ર જૈન (દિલ્હી) એલો લિબાંગ (અરૂણાચલ પ્રદેશ), બન્ના ગુપ્તા (ઝારખંડ), મંગલ પાંડે (બિહાર), ટી. એસ. સિંહ દેવ (છત્તીસગઢ), સુશ્રી ચંદ્રિમા ભટ્ટાચાર્જી, રાજ્ય કક્ષાનાં આરોગ્ય મંત્રી, (પશ્ચિમ બંગાળ) અને અન્યનો સમાવેશ થતો હતો.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ શરૂઆતમાં જ નોંધ્યું હતું કે વૈશ્વિક રીતે દેશો અગાઉની પિક્સની સરખામણીએ કોવિડ-19 કેસોમાં 3-4 ગણો ઉછાળો અનુભવી રહ્યા છે. ઓમિક્રૉન વેરિઅન્ટ અત્યંત ચેપી હોઇ, કેસોમાં વધારે ઉછાળો મેડિકલ વ્યવસ્થાને કચડી નાખી શકે છે. આથી તેમણે રાજ્યોને સલાહ આપી હતી કે ઊંચા ઉછાળાને સંભાળી લેવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં કોઇ કચાશ રાખવામાં ન આવે જેથી કોવિડ-19નાં આ પ્રકરણમાંથી ભારત હેમખેમ બહાર આવી શકે.

માંડવિયાએ આ બાબતમાં કહ્યું હતું કે કોવિડ વેરિઅન્ટ ગમે તે હોય, તૈયારીઓ અને રક્ષણ માટેનાં પગલાં એ જ છે. તેમણે રાજ્યોને અનુરોધ કર્યો હતો કે તેઓ તેમની ટીમોને ગ્રાઉન્ડ સ્તરે કામ કરવા માટે અને દેખરેખ અને કન્ટેનમેન્ટ યંત્રણાઓને મજબૂત કરવામાં ફરી કામે લગાડે. ત્યારબાદ, કોવિડ વ્યવસ્થાપનનાં વિવિધ પાસાંઓ અંગે સર્વગ્રાહી અને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી જેમાં હૉસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા; ટેસ્ટિંગ વધારવા; સંક્રમણની સાંકળને તોડવા કડક નિયંત્રણનાં પગલાંઓનો સમાવેશ થાય છે. મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મહત્વપૂર્ણ અવરોધ-સંકડામણની પણ ચર્ચા કરવામાં આવી હતી.

મહામારી સામેની લડાઇમાં રાજ્યના વહીવટીતંત્રોએ જે સમર્પણ અને ધીરજ બતાવી છે અને સાથે સાથે લોકોનાં કલ્યાણને પણ સુનિશ્ચિત કર્યું છે એની પ્રશંસા કરતા ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું હતું, “આપણે અગાઉ કોવિડ સામે મજબૂત લડાઈ બતાવી છે અને આ અનુભવનો ઉપયોગ ઓમિક્રૉન વેરિઅન્ટ સામે પ્રયાસો પર ફરી ધ્યાન કેન્દ્રિત કરવામાં થવો જ જોઇએ.” તેમણે હાલના ઉછાળાનાં સમાધાન માટે કન્ટેનમેન્ટનાં પગલાં પર નવેસરથી અને કડક રીતે ધ્યાન કેન્દ્રીત કરવાની સાથે સાથે કોવિડ અનુરૂપ વર્તણૂકને અનુસરવાની ચાલુ રહેલી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

રસીકરણ ઝુંબેશની નિર્ણાયક મહત્તા પર ભાર મૂકતા મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું કે, “આપણે 15-18 વર્ષનાં વયજૂથનાં રસીકરણ અને પાત્ર લાભાર્થીઓ માટે અગમચેતીના ડૉઝ બાબતે આયોજન પર આપણે ધ્યાન કેન્દ્રીત કરવું જ રહ્યું.” ડો. મનસુખ માંડવિયાએ રાજ્યોને એ સુનિશ્ચિત કરવા માટે પણ અનુરોધ કર્યો હતો કે આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને અગ્રહરોળનાં કાર્યકરો જોખમપાત્ર વર્ગોમાંથી હોવાથી તેઓનું સંપૂર્ણ રસીકરણ થાય.

તમામ પાત્ર વયસ્કોના પહેલા ડૉઝનાં રસીકરણમાં 90 ટકાની રાષ્ટ્રીય સરેરાશ સિદ્ધ કરવામાં રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોનાં પ્રયાસોની પ્રશંસા કરતી વખતે તેમણે જે રાજ્યોની રસીકરણની પ્રગતિ રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછી છે એમને રસીકરણ અભિયાન વધારવા માટે અનુરોધ કર્યો હતો. રાજ્યોને એવી પણ સલાહ અપાઇ હતી કે રાષ્ટ્રીય રસીકરણ કવરેજને પહોંચી વળવા અને એનાથી આગળ વધવા માટે તેઓ સાપ્તાહિક યોજના તૈયાર કરે અને આ યોજનાના અમલીકરણની દૈનિક ધોરણે આરોગ્ય મંત્રાલયના સચિવ/અધિક મુખ્ય સચિવ સ્તરે [પાંચ રાજ્યોમાં ચૂંટણી થવાની છે એ પંજાબ, ગોવા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને મણિપુર પર ખાસ ભાર] સમીક્ષા કરે.

નવી રસીકરણની માર્ગદર્શિકાના સરળ અમલીકરણને સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ અપાઇ હતી કે 15-18 વયજૂથ માટે રસી મૂકનારા અને રસીકરણ ટીમના સભ્યોનાં અભિગમને સુનિશ્ચિત કરે અને 15-18 વર્ષનાં વયજૂથનાં રસીકરણ માટે સમર્પિત સેશન સ્થળોને ઓળખી કાઢે. રસી મૂકતી વખતે રસીઓની ભેળસેળ ટાળવા માટે અલગ સીવીસી, અલગ સેશન સ્થળો, અલગ લાઇન ( જો રસીકરણ સ્થળ એ જ હોય જ્યાં પુખ્ત વયના માટે પણ રસીકરણ ચાલતું હોય) અને અલગ રસીકરણ ટીમ (જો એ સ્થળે હોય તો) માટે પ્રયત્ન રાખવા. રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને કો-વિનનો ઉપયોગ કરીને લાભાર્થીઓના જિલ્લાવાર અંદાજ મારફત રસીના ડૉઝીસની જરૂરિયાત જણાવવા પણ સલાહ અપાઇ હતી. તેમને એવો અનુરોધ કરવામાં આવ્યો હતો કે કોવેક્સિનના વિતરણને ઓળખી કાઢેલ સેશન સ્થળોને વિતરણ માટે અગાઉથી યોજના કરે અને પૂરતી જાણકારી પૂરી પાડવા ઓછામાં ઓછા 15 દિવસ અગાઇ સેશન્સ પ્રસિદ્ધ કરે.

ડૉ. મનસુખ માંડવિયાએ એમ પણ ધ્યાન દોર્યું હતું કે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને રસીનું ઉત્પાદન વધારવા કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પગલાં લેવાઇ રહ્યાં છે. તેમણે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને વિનંતી કરી કે તેઓ એમની શ્રેષ્ઠ પદ્ધતિઓ જણાવે જેથી સમગ્ર દેશને લાભ થઈ શકે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોનું ધ્યાન એ હકીકત પર દોર્યું હતું કે સામૂહિક રીતે તેમણે ઇમરજન્સી કોવિડ રિસ્પોન્સ પૅકેજ (ઈસીઆરપી-2) હેઠળ ઉપલબ્ધ મંજૂર ફંડ્સના માત્ર 17% કરતા સહેજ વધુનો જ ઉપયોગ કર્યો છે. રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને ઈસીઆરપી-2 હેઠળ આઇસીયુ બૅડ્સ, ઑક્સિજન બૅડ્સ, પીડિયાટ્રિક આઇસીયુ/એચડીયુ બૅડ્સ ઇત્યાદિ સંદર્ભમાં ભૌતિક પ્રગતિ ઝડપી કરવા જણાવાયું હતું.

Your email address will not be published.