હોસ્ટેલના સિક્યોરિટી ગાર્ડે પરિણિતાને નોકરી અપાવી, પછી બ્લેકમેલ કરી બળાત્કાર ગુજાર્યો

| Updated: September 28, 2021 3:59 pm

અમદાવાદમાં એક હોસ્ટેલના સિક્યોરિટી ગાર્ડ સામે એક મહિલાએ બળાત્કારનો આરોપ મુક્યો છે. આ મહિલાને અને તેના પતિને સિક્યોરિટી ગાર્ડે નોકરી અપાવ્યા પછી તેનો ગેરફાયદો ઉઠાવ્યો હતો.

મહિલાનો આરોપ છે કે આરોપીએ તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેની અંગત પળોના વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. મહિલાએ પોલીસ ફરિયાદ કરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ઓઢવમાં રહેતી 27 વર્ષીય પરિણીતા બે બાળકો અને પતિ સાથે સાસરિયામાં સાથે રહે છે. દોઢેક વર્ષ પહેલા કોરોના મહામારીના કારણે મહિલા નોકરી શોધતી હતી ત્યારે નિકોલ સ્પોર્ટ્સ ઓથોરિટી હોસ્ટેલ ખાતે તેનો ભેટો અનિલ મિશ્રા નામના સિક્યોરિટી ગાર્ડ સાથે થયો હતો. અનિલ નિકોલ સ્પોર્ટ્સ ઓથોરિટી હોસ્ટેલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને સાથે સુપરવાઈઝર પણ છે. આરોપી અનિલે 27 વર્ષીય પરિણીતાને 7500 રૂ. નોકરીએ રાખી હતી. કોવિડ મહામારીમાં મહિલાનો પતિ બેકાર હોવાથી તેને પણ નોકરીએ રાખ્યો હતો.

એકાદ માસમાં કામ બરાબર નથી કહીને મહિલાના પતિને નોકરીમાંથી કાઢી મુક્યો હતો. બાદમાં રોજ નોકરી પુરી થવાના સમયે આરોપી આ મહિલા પાસે આવી ત્યારે “તું મને બહુ ગમે છે” કહીને તેની છેડતી કરતો હતો. કોરોનાની પરિસ્થિતિ ખરાબ હોવાથી મહિલા આ અનિલની હરકતો પર ધ્યાન આપતી નહીં. બાદમાં અનિલ આ મહિલાને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી કામ કરવાના બહાને રૂમમાં લઈ જઈ તેના પર અનેકવાર હોસ્ટેલમાં બળાત્કાર ગુજારતો હતો.

આરોપીએ મહિલાના બિભત્સ વીડિયો ઉતાર્યા હતા અને ધમકી પણ આપી કે તેના પતિને મરાવી નાખશે. આખરે કંટાળીને મહિલાએ ફરિયાદ નોંધાવતા આરોપીની પોલીસે ધરપકડ કરી. આરોપીએ રેપના વીડિયો ફોનમાં સેવ કર્યા હોવાથી પોલીસે એફ.એસ.એલની મદદ લઇ તપાસ શરૂ કરી છે.

Your email address will not be published. Required fields are marked *