ઓમિક્રોન વેરિયન્ટના કેસમાં ઘટાડો થતા તથા આ વેરિયન્ટના કારણે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા સહિતની ગંભીર અસરો થતી નહીં હોવાથી બ્રિટન સહિત યુરોપના દેશોએ નિયંત્રણો હળવા કરવાની તૈયારીઓ શરૂ કરી છે. બ્રિટને ગુરુવારથી માસ્ક સહિત અનેક કોરોના પ્રતિબંધો હટાવી લીધા છે.
સરકારે વેક્સિનના બુસ્ટર ડૉઝ બાદ ગંભીર બીમારી અને હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં ઘટાડાને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે. નાઇટ ક્લબ અને મોટા જાહેર સ્થળોએ પ્રવેશ માટે કોરોના પાસની શરતને સમાપ્ત કરી દીધી છે. સરકારે ગત અઠવાડિયે વર્ક ફ્રોમહોમની સલાહ આપી હતી જે પાછી ખેંચી લીધી છે.
બ્રિટન માસ્કની અનિવાર્યતાનો અંત લાવનાર નેધરલેન્ડ બાદ બીજો દેશ બની ગયો છે. હવે અન્ય યુરોપિયન દેશોમાં પણ માસ્ક સહિત બીજા પ્રતિબંધોનો અંત લાવવાની તૈયારીઓ શરૂ કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં પણ કેન્ડ કર્ફ્યૂનો અંત લાવી દેવાયો છે. બજારોમાં ઓડ-ઈવન હટાવાશે. ઉપરાંત 50 ટકા ક્ષમતા સાથે રેસ્ટોરાં, બાર અને સિનેમા હૉલ શરૂ કરી શકાશે. લગ્નમાં હવે 200 લોકો સામેલ થઈ શકશે. જ્યારે સ્કૂલો શરૂ કરવા અંગે નિર્ણય ડીડીએમએની આગામી બેઠકમાં લેવાશે. દિલ્હીના સરકારી કાર્યાલયોને પણ 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે.