મુંબઈમાં 60 માળની ગગનચુંબી ઈમારતમાં ભીષણ આગ : 19માં માળેથી મોતની છલાંગ

| Updated: October 22, 2021 3:11 pm

મુંબઇમાં લાલબાગ વિસ્તારની 60 માળની એક ઇમારતમાં ભીષણ આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી હતી. મળતી વિગતો પ્રમાણે, આગ એટલી ભીષણ હતી કે, તે 17માં માળથી લઇને 25માં માળ સુધી આ આગ ફેલાઇ હતી. કરી રોડ વિસ્તારમાં સ્થિત આ ઇમારત નિર્માણાધીન છે. આ ઇમારતમાં અનેક મોટા બિઝનેસમેન પણ રહે છે. આ ઇમારતનું નામ અવિઘ્ના પાર્ક છે. જો કે, ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી ગઇ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.

19માં માળેથી પટકાતા એકનું મોત

બિલ્ડીંગના 19માં માળે લાગેલી ભારે આગ વચ્ચે વ્યક્તિ પોતાનો જીવ બચાવવા રેલીંગ પર લટકી ગયો હતો. વ્યક્તિએ ખુબ પ્રયાસ કર્યા હતા કે ગમે તેમ રીતે તે ત્યાંથી પોતાનો જીવ બચાવી હેમખેમ નીકળી શકે. પોતાના હાથથી રેલીંગ પકડીને શખ્સ લટકી રહ્યો હતો. જોકે કિસ્મતે સાથ ન આપતા થોડીક જ સેકન્ડોમાં તેનો હાથ છુટી ગયો અને 19માં માળેથી નીચે પટકાતા તેનું કરૂણ મોત નીપજ્યું હતું.  

બિલ્ડિંગની અંદર રહે છે અનેક બિઝનેસમેન

જોકે આગ કયા કારણોસર લાગી છે તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ બિલ્ડિંગની આસપાસ પણ અન્ય ઇમારતો આવેલી છે.જે મુશ્કેલી વધારી શકે છે, જો આ આગને જલ્દીમાં જલ્દી નહીં બુઝાવવામાં આવે તો ત્યાં ખૂબ મોટું નુકસાન થઇ શકે છે. આ બિલ્ડિંગની અંદર અનેક ઉદ્યોગપતિઓ પણ રહેતા હોવાની વિગતો સામે આવી છે.

બિલ્ડિંગમાં લોકો ફસાયેલા હોવાની આશંકા

આગ એટલી ભીષણ છે કે, બિલ્ડિંગમાંથી નીકળતો ધુમાડો અનેક કિલોમીટરો સુધી જોઇ શકાય છે. જો કે, બિલ્ડિંગ રહેણાંક છે તો આશંકા સેવાઇ રહી છે કે, બિલ્ડિંગમાં લોકો ફસાયેલા પણ હોઇ શકે છે. 60 માળની આ બિલ્ડિંગમાં આ આગ 19માં માળે લાગી હતી. જેથી ભારે અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો.

Your email address will not be published. Required fields are marked *