માતરના ધારાસભ્ય કેસરીસિંહને જુગાર રમવું મોંઘું પડ્યુઃ કોર્ટે બે વર્ષની સજા ફટકારી

| Updated: May 12, 2022 2:03 pm

હાલોલઃ માતરના ધારાસભ્ય કેસરીસિંહને જુગાર રમવુ મોંઘુ પડ્યું છે. કોર્ટે જુગાર રમવા બદલ તેમને બે વર્ષની સજા ફટકારી છે. કેસરીસિંહને શિવરાજપુર પાસેના જીમીરા રિસોર્ટમાં જુગાર રમવાના કેસમાં હાલોલ કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે.

શિવરાજપુરના જીમીરા રિસોર્ટમાં જુલાઈ 2021માં માતરના ધારાસભ્ય અને સાત મહિલાઓ સહિત 26 જણાને હાલોલ એડિશનલ ચીફ જ્યુડિસિયલ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. ફક્ત કેસરીસિંહ જ નહી અન્ય આરોપીઓને પણ બે વર્ષની સજા અને ત્રણ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જુગારધામ પ્રકરણમાં ચાર વિદેશી મહિલાઓ પણ સામેલ હતી.

આ કાંડના પગલે કોર્ટે જીમીરા રિસોર્ટનું લાઇસન્સ રદ કરવાનો પણ આદેશ આપ્યો છે. ગોધરા એલ.સી.બી. પોલીસને માહિતી મળી હતી કે જીમીરા રિસોર્ટ ખાતે હાઇપ્રોફાઇલ જુગાર રમાઈ રહ્યો છે. આના પગલે તેણે પાવાગઢ પોલીસની સાથે રિસોર્ટ પર દરોડો પાડ્યો હતો.

કેસિનો પ્રકારના કોઇન વડે યુવતીઓ દ્વારા રમાડાતા જુગારધામ પરથી માતરના ધારાસભ્ય કેસરીસિંહ જેસિંગભાઈ સોલંકી ઝડપાઈ ગયા હતા. પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદના હર્ષદ વાલજીભાઈ પટેલ જીમીરા રિસોર્ટ ખાતે શિવરાજપુર ખાતે રૂમ રાખી બહારથી કેટલાક ઇસમોને બોલાવીને પત્તાનો જુગાર રમાડે છે.

તે બાબત નોંધનીય છે કે ધારાસભ્યને કોઈપણ ગુનામાં બે કે તેનાથી વધારે વર્ષની સજા થાય તો ધારાસભ્યપદ ગુમાવવું પડે છે. આ ઘટનામાં હજી કેસરીસિંહ સામે ગુનો જ નોંધાયો હોવાથી તેમનું ધારાસભ્યપદ જશે નહીં.

માતરના આ ધારાસભ્યે ભાજપમાં બળવાનું બ્યુગલ ફૂંક્યુ હતુ. તેઓ ભાજપના વર્તમાન મુખ્યપ્રધાનથી નારાજ હતા. એક સમયે તો તેમણે વિધાનસભ્ય પદેથી રાજીનામુ આપી દેવાની ધમકી પણ આપી હતી. તેના લીધે ભાજપની અંદર હડકમ્પ મચી ગયો હતો.  જો કે ભાજપની કેન્દ્રીય નેતાગીરીની કડક સૂચનાના પગલે તેઓ પછી માની ગયા હતા, પરંતુ છૂપો અસંતોષ તો હતો જ. આ જોતા કેટલાક એવી દહેશત વ્યક્ત કરી રહ્યા છે કે તેમને કદાચ બરોબર સમય જોઈને જ આ રીતે જુગારના કેસમાં ફિટ કરી દેવાયા છે. આદિવાસી વિસ્તારોમાં જુગટુ તાડી પીવા જેવી સામાન્ય બાબત મનાય છે. તેઓ તેને ગેરકાયદેસરનું કૃત્ય જ નથી ગણતા. તેથી વાસ્તવમાં તેમની ધરપકડે પણ ઘણુ આશ્ચર્ય સર્જયુ હતુ. તેનાથી વધારે આશ્ચર્ય તેમને થયેલી સજાએ સર્જયુ છે.

Your email address will not be published.