યુવાનીની પરિપક્વતા એટલે ઘડપણ…!

| Updated: May 20, 2022 2:48 pm

એષા દાદાવાળા

એ પંચોતેરના હતા ત્યારે એમણે કહેલું- હું આખી દુનિયા ફરીશ-એકલો. પહેલા એ ફારઇસ્ટ ગયા. પછી ઓસ્ટ્રેલિયા ગયા. .યુ.કે., સ્વિટ્ઝરલેન્ડ, ઇટાલી બધે ફરી આવ્યા. એમની છાતી બે એટેક ખમી ચૂકી હતી. પગની એક નસમાં લોહી બરોબર પહોંચતું ન હતું. યુ.કે.માં એમને દિમાગ પર તાવ ચડી ગયેલો.- ત્યાંની હોસ્પિટલમાં એડમિટ કરવા પડેલા અને મારા મામાએ યુ.કે. જવાની બધી તૈયારીઓ કરી લીધેલી ત્યારે એ ફોન પર એટલું જ બોલેલા- કોઈએ આવવાની જરૂર નથી. આઇ એમ 80 યર્સ ઓલ્ડ યંગબોય. એમનું નામ ડો. ઇન્દ્રજીત હરિલાલ ડોક્ટર. મારા નાના. એમને જોઈને એ ઉંમરે મને બે વાત સમજાયેલી. મજા ઉંમરની મોહતાજ નથી હોતી અને એકલા એકલા ઘરડા થવાની પ્રક્રિયા કઠિન હોય છે. સાયગલનાં ગીતો વચ્ચે મલાઈવાળી ચાની ચૂસકીઓ લેતા, એકલા એકલા દુનિયા ફરતા સંગીત-કવિતાઓ વચ્ચે પોતાના આનંદને અકબંધ રાખતા ઇન્દ્રજીત ડોક્ટરને પણ મેં જોયા છે અને અડધી રાત્રે કંપની માટે ટીવી ચાલુ રાખીને ઊંઘી જતા ઇન્દ્રજીત ડોક્ટરને પણ મેં જોયા છે.

ઘરડા થવું એટલે શું? ધ્રૂજતા હાથ, કરચલીવાળો ચહેરો, મોતિયા ઉતરાવેલી બે આંખો, રેલીસ્પ્રેથી લથપણ ઘૂંટણો- એ ઘડપણ છે? કે પછી રિઅર વ્યૂ મિરરમાં પસાર થયેલી જિંદગીને જોતા જોતાં ખુલ્લી હથેળીઓ વચ્ચે બાકી રહેલા સમયનો લુફ્ત ઉઠાવવો એ ઘડપણ છે? ઘરડાં થવું અને ઘડપણ સ્વીકારવું- આ બંને અલગ વાત છે. યયાતિ પોતાના ઘડપણને સ્વીકારી શ્યો નહોતો. એણે પોતાના સગા દીકરા પાસેથી યૌવન ઉધાર લીધેલુ. આપણને યૌવન ન તો દુકાનમાંથી કે ન તો ઓનલાઇન વેચાતુ મળવાનું છે. કોઇની પાસે ઉધારીમાં પણ એને લઈ શકવાના નથી- અને એટલે જ એને ટકાવી રાખવાની કોશિશ આપણે જ કરવાની છે.

યૌવન અને ઘડપણ વચ્ચે ફરક એ છે કે તમે 18 વર્ષના છો. તમે એક જ શ્વાસે પગથિયા ચઢી જાવ છો, તમારુ પેટ અંદર છે, મસલ્સ ટાઇટ છે, ચામડી લચી પડી નથી, થાક લાગતો નથી, બધું જ કડકડાટ યાદ રહે છે- તો આ જ યુવાની નથી. યુવાનીને વર્ષો સાથે કશું લાગતું વળગતું હોતું નથી. યુવાની એટલે કોઈપણ પરિસ્થિતિના સ્વીકારની સમજણ અને એ પરિસ્થિતિના ઉકેલની સૂઝ. જ્યાં સુધી તમારી પાસે આ સમજણ અને સૂઝ રહે છે ત્યાં સુધી તમે ઘરડા થતાં નથી. તમારી યુવાની ચહેરા પરની કરચલીઓની મોહતાજ નથી. થાકી જતા પગ એ વિટામિન 12 ઓછું હોવાની નિશાની છે- યુવાની જતી રહી છે-ની નિશાની હરગીઝ નથી. ઘરડા થવું એટલે યુવાનીને સાથે રાખીને ઉંમરનું વધવું, ઘરડા થવું એટલે યુવાનીનું વધારે પરિપક્વ થવું એ.

આપણે ઘડપણની આર્થિક અને સામાજિક તૈયારીઓ કરીએ છીએ, પણ માનસિક અને શારીરિક તૈયારીઓ કરતા નથી. યોગ્ય ઉંમરે એટલા માટે પરણી જવાનું, કારણ કે જો યોગ્ય ઉંમરે બાળકો થઈ જાય તો આપણે પચાસ-પંચાવનના થઈએ ત્યાં સુધીમાં એ લોકો ભણીગણીને પરણી જાય. આપણે એવું માનીએ છીએ કે જવાબદારીઓ પૂરી થાય પછી ઘડપણ શરૂ થતું હોય છે. ઘડપણની આ સામાજિક તૈયારીઓ છે, ઘડપણ માટે આપણે આર્થિક તૈયારીઓ પણ કરતા હોઈએ છીએ. પાછલી ઉંમરમાં વધારે રિટર્ન આપે એવા પ્લાનમાં આપણને વધારે રસ પડે છે. જાતભાતના પેશન્શન પ્લાનોમાં પૈસા રોકીએ છીએ. આપણે સૌથી મોટું રોકાણ સંતાનોમાં કરીએ છીએ. મોટાભાગના મા-બાપ બાળક જન્મે ત્યારે જ એની સાથે એક વણલખ્યો કરાર કરી લેતા હોય છે- અમે તારુ બાળપણ-તારી જુવાની સાચવીશું, તારે અમારુ ઘડપણ સાચવવાનુ. હું એવું માનું ચું કે અપેક્ષાઓના પાયા પર ઊભેલા ઘડપણની મજા નથી. મા-બાપને સાચવવા એ સંતાનોની ફરજ છે જ- પણ આપણે નક્કી કરેલી રીતે જ સાચવવાના એ સંતાનો સાથેની બળજબરી છે. આપણે ઘડપણનું પ્રિ-પ્લાનિંગ કતો કરીએ છીએ. પણ એ આવે છે-ત્યારે એનાથી ભાગતા ફરીએ છીએ. આખી જિંદગી શરીરને જાળવવુ- શરીરનું ધ્યાન રાખવુ, નિયમિત ચેકઅપ્સ કરાવતુ રહેવુ, એ પણ ઘડપણની શારીરિક તૈયારીઓનો ભાગ છે.

આપણે જન્મ લઈએ છીએ ત્યારે ઇશ્વર આપણને એવું નથી પૂછતો કે બોલ તારે કેવા દેખાવવુ છે? તને શ્યામવર્ણો બનાવું કે ગોરો રાખું? આવા કોઈ ઓપ્શન આપણને મળતા નથી. આપણી આંખો માંજરી હશે કે કાળી, આપણા હોઠ જાડા હશે કે સંતરાની ચીરી જેવા, ગરદન લાંબી હશે કે ટૂંકી- આવી કોઈ પસંદગી આપણને મળતી નથી. આપણે જન્મ સમયે ચહેરાની પસંદગી ભલે ન કરી શકતા હોઈએ, પણ 50 વર્ષ પછી કેવા દેખાતા હઇશું એવું તો ચોક્કસ જ નક્કી કરી શકીએ છીએ. ચહેરાની ખૂબસૂરતી ફેશિયલ ક્રીમ, સનસ્ક્રીન, ક્લીન અપમાં જ નથી. ચહેરાની ખૂબસૂરતી  પર તમારા વિચારો, તમારા મૂલ્યો, તમારી સ્થિરતા,તમારી પરિપક્વતાની પણ ઘણી અસરો પડતી હોય છે. તમારા વિચારો પણ તમારા ચહેરાને ઘડવામાં મહત્વનો ભાગ ભજવે છે. જિંદગીભર જે મૂલ્યો પાળ્યા હશે એ મૂલ્યો તમારા ચહેરા પર દેખાશે જ. આખી જિંદગી જો જૂઠું બોલ્યા હશો તો તમારો ચહેરો એક સૌથી મોટું જૂઠ હશે. આખી જિંદગી જો જ્ઞાનની અને વિચારોની સાહ્યબી ભોગવી હશે તો તમારા ચહેરા પર પણ દોમ દોમ સાહ્યબી છલકાતી દેખાશે. અબ્દુલ કલામ ગુજરી ગયા ત્યારે તેમના ચહેરા પરની શાંતિ જોયેલી? એમનાં ભીતરનો સંતોષ શાંતિરૂપે એમના ચહેરા પર છવાયેલો હતો. એમના ચહેરા પર એમનું જ્ઞાન ડોકાતું હતું. વૈજયંતિમાલા અને રેખાના ચહેરા પરનું અંતર એ એક દિવસના મેકઅપનું પરિણામ નથી- શિસ્તનું પરિણામ છે. પોતાની જાતને ફિટ અને સુંદર રાખવાનો નતીજો છે. હે રામ- બોલીને ગાંધીજી ઢળી પડ્યા ત્યારે એમના ચહેરા પર એક બાળક જેવી નિર્દોષતા છવાયેલી હતી. આટલા બધા રાજકારણની વચ્ચે આખી જિંદગી એમણે જાળવી રાખેલા મૂલ્યોની એ રિફલેક્શન હતું.

જિંદગીમાં રિટાયર થવું પણ જરૂરી છે. રાજા પોતાની ગાદી રાજકુમારને સોંપી દે છે. સવારે ઉગેલો સૂરજ- બપોરે મધ્યાહ્નને તપ્યા બાદ-સાંજે ડૂબી જાય છે. આપણે પણ આપણી ખુરશી ખાલી કરવી જોઈએ. ઘરડા થયા બાદ મોટાભાગના લોકો પોતાનો રૂતબો, પોતાનું વર્ચસ્વ, પોતાનું શાસન કે અનુશાસન છોડવા તૈયાર નથી થતાં હોતા. ઘરના નિર્ણયો તો હજી પણ હું જ લઇશની એમની જીદ- ઘડપણના આનંદની આડે આવતી રહે છે. દરેક વૃદ્ધ થતાં માણસે પોતાની ખુરશી છોડવાની તૈયારી રાખવી જોઈએ અને સમય આવ્યે એ ખુરશી ખાલી પણ કરી દેવી જોઈએ.

વૃદ્ધાવસ્થાએ જીવનનો વિસામો છે. આખી જિંદગી જે કર્યુ એ જ બધુ વૃદ્ધાવસ્થામાં કરવાનું નથી હોતું. આખી જિંદગી જે નથી કરી શક્યા- એમાનું ઘણુંખરું બધુ જ આ અવસ્થામાં કરી લેવાનું હોય છે. શારીરિક અને માનસિક રીતે તમારું ઘડપણ તમારા સંતાનો પર બોજ ન બને. એની પૂરેપૂરી તૈયારીઓ તમારે જ કરવી જોઈએ. મેં ઘણા એવા વૃદ્ધો જોયા છે જે એક ફરિયાદ પોથી સાથેને સાથે લઈને સતત ફરતા રહે છે. એમનો એક જ ઇરાદો હોય છે- જૂના હિસાબોને ચૂકતે કરવાનો. આવું વૃદ્ધત્વ કશા કામનું નથી હોતું.

વૃદ્ધત્વના સ્ટેશન પર જિજીવિષાની ટિકિટ લઈને ચડવું પડે છે, જેમા મનોબળનો ટેક્સ ચૂકવવો પડે છે. સાઇઠ વર્ષની મારી માને કોરો થયેલો ત્યારે એણે મને કહી દીધેલુ,”ચિંતા નહી કરતી. કોરોનામાં તો નહીં જ મરું.” એનું ઓક્સિજન લેવલ 90ની આજુબાજુ જતું રહેલું અને હોસ્પિટલ લઈ જવાની તૈયારી ચાલી રહી હતી ત્યારે એણે કહેલુ, “મને ઘરમાં જ સાજી થવા દો. એ પછી એણે નિયમિતપણે નાસ લીધા કર્યો, દવાઓ લીધી, એ બધી જ પરેજી પાળી જે ડોક્ટરે કહી હતી. એ મારા કરતાં પણ વધારે સારી પેશન્ટ પુરવાર થઈ અને કોરોનામાંથી હેમખેમ બહાર પણ આવી ગઈ.” મોટાભાગના વૃદ્ધો એવું માની લેતા હોય છે કે વૃદ્ધ થયા એટલે હવે મરી જવાનું. પણ પહેલા વૃદ્ધત્વ આવે અને પછી મૃત્યુ આવે એવું નથી હોતું. પહેલા જીવન આવે છે અને પછી મૃત્યુ આવતું હોય છે. નહીં જીવી શકાયેલી પળોને જીવવાની તક વૃદ્ધત્વ જ આપી શકે છે. વૃદ્ધત્વ એ મૃત્યુ પહેલાનું કોઈ સ્ટેશન નથી. વૃદ્ધત્વ એ તો પાર્કિંગ છે. જ્યાં મનગમતી રીતે આપણે પાર્ક થવાનું છે.

જો સાઇઠ વર્ષ પછી પણ તમને તમારો ચહેરો થાકેલો લાગે તો એવું માની લેજો કે આખી જિંદગી તમે થાક્યા જ છો. સાઇઠમાં વર્ષ પછી પણ જો તમારા ચહેરા પર ચિંતાની રેખાઓ બરકરાર હોય તો એવું માની લેજો કે તમે કરેલા જિંદગીના પ્લાનિંગમાં કોઈ ગરબડ છે. જન્મ સમયના ચહેરા માટે ઇશ્વરને દોષ દઇ શકાય. પણ સાઇઠ વર્ષ પછીના ચહેરા માટે તમે કોઈને દોષ દઇ શકતા નથી- ઇશ્વરને પણ નહી.

તમારા પેન્શન ફંડમાં શાંતિ છે? તમારે પેન્શન ફંડમાં હળવાશ છે? તમારા પેન્શન ફંડમાં ઉત્સાહ છે? સાઇઠ પછી પેન્શન ફંડો બનાવી શકાતા નથી. એ પહેલેથી જ બનાવવા પડે છે. જો આખી જિંદદગી તમારા પેન્શન ફંડમાં આ બધા મૂલ્યોને જમા કરાવતા રહેશો એ સાઇઠ પછી પણ તમારા ચહેરાને વૃદ્ધ નહી થવા દે. ઘણી વાર ચહેરાની કાળાશ એ ચહેરાનો રંગ નથી હોતી- વિચારોનું રિફલેક્શન હોય છે. વૃદ્ધાવસ્થા એ કુરુપતા માટે નથી જ. શાંત અને સ્થિર સુંદરતા માટે છે.

વૃદ્ધાવસ્થા તમને એકાંત પણ આપે છે અને વૃદ્ધાવસ્થા તમને એકલતા પણ આપે છે. તમારી ધ્રૂજતી હથેળીઓને થપથપાવી શકે એવી બે હથેળીઓની જરૂર તમારી વૃદ્ધાવસ્થામાં સૌથી વધારે પડે છે. એકલતા તમને ચીડિયા બનાવી દે છે અને ચિડાયેલો માણસ ન તો ઊગતા સૂરજને માણી શકે છે અને ન તો ડૂબતા સૂરજને.

મારા નાના ઇન્દ્રજીત હરિલાલ ડોક્ટરે ગાંધી સ્મૃતિની લોબીમાં બેઠાબેઠા મને એક વાત કહેલી. એમણે કહેલું, “જિંદગીમાં નિર્ણયો લેતી વખતે દિલનો ઉપયોગ ઓછો- દિમાગનો વધારે કરજે. એ જ કરજે, જે તે ઇચ્છયું હોય. તે લીધેલા નિર્ણયોની જવાબદારી પણ તારી જ છે એનું ધ્યાન રાખજે. ખોટો નિર્ણય લેવાઈ જાય તો એને સાચો કરવાના પ્રયાસો કરવા કરતા એમાથી બહાર નીકળી જજે. ફરી પાછો બીજો નિર્ણય લેતા ડરતી નહી, કારણ કે તમારી ઉંમરે પહોંચ્યા પછી જિંદગીના ચોપડાની જમા બાજુ મજબૂત હોવી ખૂબ જ જરૂરી છે.” મારી અંદર એમનું લોહી વહે છે. હું ડીટ્ટો તેમના જેવી છું. ખુમારી મારી તાકાત છે અને સ્વભાવ પણ. સાઇઠે પહોંચાડવામાં હજી બીજા 24 વર્ષ બાકી છે. હું સાઇઠે પહોંચુ ત્યારે મારી જિંદગીની જમા બાજુ મજબૂત રહે એના પ્રયત્નો અત્યારથી જ કરી રહી છું. સમય આવ્યે મારી ખુરશી ખાલી કરી શકું- એ વાતે મારે મારી જાતને સભાન રાખવાની છે. સાઇઠની થાઉં, સીત્તેરની થાઉં કે એંસીની થાઉં, ઇન્દ્રજીત ડોક્ટરની જેમ જ હું છેક છેલ્લા શ્વાસ સુધી કામ કરતી રહું તેવી ઇચ્છા છે. ઉંમરના કારણે ઊંઘ ઓછી થઈ તો ઊંઘની ગોળી લઈ લઇશ. ઉંમરના લીધે ચાલવામાં તકલીફ પડી તો લાકડીને હથેળી સોંપતા અચકાઈશ નહી- ઘડપણને સ્વીકારીશ અને ઘરડા થતાં જવાની પ્રત્યેક પળોને દિલથી માણવાનો હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ. એકાંત મારો પ્રિય વિષય છે અને એકલતાની રિસેસો મને માફક આવતી નથી. એટલે સાઇઠમાં વર્ષ સાથે એ માટેની વાટાઘાટો ચાલી રહી છે.

એક વાત સાફ સમજુ છું, યુવાની હોય કે કે વૃદ્ધત્વ જાત સાથેનું-સપના સાથેનું- ઇચ્છા સાથેનું- મૂલ્યો સાથેનું- સંબંધો સાથેનું કમિટમેન્ટ સૌથી અગત્યનું હોય છે. જે પળે અર્જુને માછલીની આંખમાં ધનુષ તાંકેલુ- એનું કમિટમેન્ટ ત્યારથી શરૂ થઈ ગયેલું, હું મારી આંખોને કાયમ માટે બંધ કરીશ છેક ત્યારે જ કમિટમેન્ટોને તોડીશ, ત્યાં સુધી એક કમિટેડ રહીશ, જાત સાથે, જીવન સાથે, બાકી ઘડપણ એ નહીં જીવી શકાયેલા સમયને આપેલું એક કમિટમેન્ટ પણ છે.

Your email address will not be published.