કોરોના વાયરસની ત્રીજી લહેરમાં કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો જો કે, છેલ્લા બે દિવસથી કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. ત્રીજી લહેરમાં ઘણા નેતાઓ કોરોના સંક્રમિત પણ થયા છે. જયારે કોંગ્રેસના ધારાસભ્ય ડૉ અનિલ જોશીયારા કોરોના સંક્રમિત થતા તેઓને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જો કે, તેઓની તબીયત વધારે બગડતા તેઓને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં વેન્ટેલેટર પર રાખવામાં આવ્યા છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, અરવલ્લી જિલ્લાના ભિલોડાથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય ડો અનિલ જોશીયારા અને તેમના પત્ની કોરોના સંક્રમિત થયા હતા. સંક્રમિત થતા તેઓ ઘરે જ કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. જો કે, તેઓની તબીયત દિવસે દિવસે બગડતા તેઓને અમદાવાદ ખાતે હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે.
3 દિવસથી ડૉ અનિલ જોશીયારાને સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જો કે, ડોક્ટરો એખ અઠવાડિયા સુધી મેડિકલ ઑબ્ઝર્વેશન હેઠળ રાખવાની સલાહ આપી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં 13,805 કેસ નોંધાયા હતા અને 13469 લોકો સાજા થયા છે. જયારે 25 લોકો કોરોના સામે જંગ હારી ગયા છે. જો કે,સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દાખલ દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજયમાં કોરોનાના સૌથી વધારે એક્ટિવ કેસ છે. મોટા ભાગના દર્દીઓ કોરોનાની હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. જયારે હવે હોસ્પિટલમાં સારવાર લેનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.