નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે તેના માટે કોઈપણ કારી બાકી રહેવા દેવા માંગતા ન હોય તેમ મોદી ફક્ત ત્રણ સપ્તાહમાં ત્રણ વખત ગુજરાતની મુલાકાત લેવાના છે. તેમા હોસ્પિટલો સહિત વિવિધ યોજનાઓનું લોકાર્પણ કરશે.
ભાજપના ઉચ્ચસ્તરીય વર્તુળોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન રાજકોટમાં 28મી મેના રોજ પટેલ સમાજના સંમેલનને સંબોધશે. ભાજપનું ધ્યેય આ પ્રભાવશાળી સમાજનું સમર્થન મેળવવા આ દિવસે ચાર લાખની જનમેદની એકઠી કરવાનું છે. કાચા અંદાજ મુજબ પટેલ સમાજ ગુજરાતની વસ્તીમાં 12 ટકા હિસ્સો ધરાવે છે.
વડાપ્રધાન આ ઉપરાંત પટેલ સમાજની હોસ્પિટલનું પણ ઉદઘાટન કરશે. મોદીની આ મુલાકાત એટલા માટે પણ મહત્વની મનાય છે કે પાટીદાર આંદોલનના મુખ્ય ચહેરા હાર્દિક પટેલે વિધાનસભા ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસ છોડી છે. કોંગ્રેસ છોડવાની સાથે-સાથે તેમણે કોંગ્રેસ દ્વારા તેમનું અને તેમના સભ્યોનું અપમાન કરવામાં આવ્યું હોવાનો દાવો કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે પીએમની બીજી મુલાકાત જુનના બીજા સપ્તાહમાં યોજાય તેવી સંભાવના છે.
ભાજપના વરિષ્ઠ નેતાના જણાવ્યા મુજબ મોદીની આગામી મહિનાની મુલાકાતમાં બેથી ત્રણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થઈ શકે છે. સૂત્રએ ઉમેર્યુ હતું કે વડાપ્રધાન દસમી મેના રોજ સુરતની મુલાકાત લઈ શકે છે. તેમા વિવિધ જ્ઞાતિ સમૂહો અને સેકશન્સ પણ ભાગ લેશે.
વડાપ્રધાન ગુજરાતની ત્રીજી મુલાકાત વડોદરાની લેશે. પક્ષ આ ઉપરાંત પન્નાપ્રમુખનું સૌથી મોટું કન્વેન્શન યોજવાનું આયોજન કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન 18મી મેના રોજ વડોદરાની મુલાકાત લઈ શકે છે. સૂત્રએ જણાવ્યું હતું કે પેજ કમિટીના સભ્યોએ અગાઉની ચૂંટણીમાં શાનદાર કામગીરી બજાવી હતી. જ્યારે મહિલાઓ વાસ્તવમાં તેમા સૌથી મહત્વનું પ્રદાન આપનાર તરીકે ઉભરી આવી હતી. તેઓએ ભાજપને સત્તા પર લાવવામાં ઘણી મહત્વની ભૂમિકા ભજવી છે. આ બેઠક અત્યંત મહત્વની હશે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આ સપ્તાહે ભાજપના કાર્યકરો જોડે યોજાયેલા ચિંતન શિબિરમાં જણાવ્યું હતું કે આ વર્ષે યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓ પક્ષ સારામાં સારી રીતે વિજય મેળવે તે સુનિશ્ચિત કરે. તેમણે સળંગ બે દિવસ ચાલેલી ચિંતનશિબિરમાં હાજરી આપી હતી અને વિવિધ ચૂંટણીલક્ષી વ્યૂહરચનાઓ નક્કી કરી હતી.