એક લાખ કરોડના ખાદ્યતેલની આયાત સામે આત્મનિર્ભર બનવા મોદીની હાકલ

| Updated: April 29, 2022 3:40 pm

સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં શરૂ થયેલી ત્રણ દિવસની પાટીદાર ઉદ્યોગ સમિટનું ઉદઘાટન કર્યુ હતુ. આ પ્રસંગે તેમણે પાટીદારોએ ખેડૂતમાંથી ઉદ્યોગપતિ બનવા સુધીની સફર કાપી તેના અભિનંદન આપ્યા હતા. તેની સાથે તેમણે પાટીદાર ઉદ્યોગપતિઓને આહવાન કર્યુ હતુ કે તમે તો ઉદ્યોગપતિ થઈ સારી સ્થિતિમાં આવી ગયા, પરંતુ દેશનો નાનો ખેડૂત હજી પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે એકબાજુએ ખેડૂત ગરીબીમાં સબડી રહ્યો છે અને બીજી બાજુએ આપણે એક લાખ કરોડના ખાદ્ય તેલની આયાત કરવી પડે છે. જો પાટીદાર ઉદ્યોગપતિઓ આ બાબતને એક બીડા તરીકે ઉઠાવે તો આપણે એક રૂપિયાના તેલની પણ આયાત કરવાની જરૂર ન પડે. પેટ્રોલ-ડીઝલની આયાતને પાછળ છોડીએ તો પણ આ પગલું ઘણું મહત્વનું છે. આજે દેશ અનાજ ક્ષેત્રે એટલો આત્મનિર્ભર થઈ ગયો છે કે તે સમગ્ર વિશ્વને અનાજ પૂરુ પાડી શકે તેમ છે. હવે આ જ આત્મનિર્ભરતા આપણે ખાદ્ય તેલના મોરચે મેળવવાની છે.

દેશમાં ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં ઘણી તકો છે. જો દેશના નાના ખેડૂતને ફૂડ પ્રોસેસિંગ સેક્ટર સાથે જોડવામાં સફળતા મેળવે તો તેઓની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો કરી શકાય છે. આજે એક કે બે એકર જમીન ધરાવતા નાના ખેડૂતોની સ્થિતિ ખરાબ છે. સરકારે કૃષિને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાની નેમ લીધી છે ત્યારે નાના ખેડૂતના હિતનું રક્ષણ થાય તે જરૂરી છે.

હવે જો ઉદ્યોગપતિઓ આ બાબત હાથમાં લે તો નાના ખેડૂતોની સ્થિતિ સુધરવાની સાથે ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં વેલ્યુ ચેઇન ઊભી કરી શકાય છે. આજે પ્રાકૃતિક ખેતીની માંગ સમગ્ર વિશ્વમાં છે. ભારતમાં સિક્કીમ અને પૂર્વ ભારતના રાજ્યો પ્રાકૃતિક ખેતીના મોરચે આગેવાન છે.

પાટીદારોએ ગુજરાતની ગૌરવવંતી ગાથા રચી છે. હવે તેઓ આવી ગાથા દેશ માટે રચી શકે છે. જરૂર પડે ત્યાં કેન્દ્ર સરકાર બધી જ સહાયતા કરવા માટે તૈયાર છે. જો ખાદ્યતેલના મોરચે આપણે આત્મનિર્ભર બની શકીએ તો તે દેશ માટે ઘણી મોટી સેવા કહેવાશે.

Your email address will not be published.