રાજ્યમાં હેલિપેડ બનાવવા માટેના સાત શહેરોમાં મોદીના વતન વડનગરનો સમાવેશ

| Updated: April 13, 2022 3:25 pm

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગર સહિત ગુજરાતના સાત ટાઉનને હેલિપેડ મળશે. રાજ્યના ઉડ્ડયન વિભાગે હેલિપેડ માટે સાત શહેરોને ઓળખી કાઢ્યા છે. તેમા અમદાવાદ, સોમનાથ, સાપુતારા, અંબાજી, દ્વારકા, ગીર અને વડનગરનો સમાવેશ થાય છે. વડનગર હેરિટેજ ટાઉન છે અને તે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતું હોવાથી તેનો આ યાદીમાં સમાવેશ કરાયો છે.

આ હેલિપેડ બનાવવા પાછળનો હેતુ રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને ઉત્તેજન આપવાનો છે. તેની સાથે મેડિકલ ઇમરજન્સી માટે પણ ઉપયોગ કરવાનો છે. આ ઉપરાંત હોનારતો દરમિયાન રાહત અને બચાવકાર્ય માટે પણ તેનો ઉપયોગ કરવાનો છે. તેની સાથે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં પણ પ્રવાસને વેગ આપવાનો છે, એમ હવાઇવિભાગના સૂત્રએ જણાવ્યું હતું.

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હવાઈ વિભાગ ઝડપથી વિસ્તરણ કરી રહ્યો છે. તેના પગલે એરસ્ટ્રિપ અને હેલિપેડ બનાવવામાં આવી રહ્યા છે. હવાઇવિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે હેલિપેડ બનાવવા માટે ટેકનિકલ મંજૂરીઓ સિવાયની પણ કેટલીક મંજૂરીઓની જરૂર હોય છે. તેમા ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશન, કલેક્ટર, પોલીસ અને રાજ્યના વહીવટી વિભાગનો સમાવેશ થાય છે.

અધિકારીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે હેલિપેડ પરથી એક જ હેલિકોપ્ટર ઉતરાણ કરી શકતું હોય છે કે ઉડાન ભરી શકતું હોય છે. તેનાથી વિપરીત હેલિપોર્ટ પર એક સાથે એકથી ચાર હેલિકોપ્ટર ઉતરી શકે છે કે ઉડ્ડયન કરી શકે છે.

અધિકારીએ જણાવ્યું હતું કે હેલિપોર્ટ તરીકે કોઈપણ પ્રકારના વર્ટિકલ પ્લેટફોર્મનો ઉપયોગ થઈ શકે છે, જેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નાના એરપોર્ટ ટર્મિનલના બિલ્ડિંગ જેવું હોય છે. આ ઉપરાંત તેમા સિક્યોરિટી ક્લિયરન્સ, પેસેન્જર સિટિંગ એરીયા, એટીસી ટાવર, એમઆરઓ સર્વિસ, ફ્યુઅલિંગ પોઇન્ટ્સ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સીસ, અને અન્ય સગવડો તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. તેના માટે કમસેકમ આઠથી નવ એકર જમીનની જરૂર પડે છે.

આગામી બે વર્ષમાં રાજ્યના છ સ્થળોએ હેલિપોર્ટ બનાવવાનું આયોજન છે. હેલિપોર્ટ માટેના નિયમો ઇન્ડિયન એરક્રાફ્ટ એક્ટ એન્ડ રુલ્સ મુજબના જ હશે. એક હેલિપેડ બનાવવાનો ખર્ચ ત્રણથી ચાર કરોડ રૂપિયા આવે છે. તેમા પ્રથમ તબક્કામાં એક અમદાવાદ અને બીજું વડનગર ખાતે બનાવવામાં આવશે. આ માટે ટેન્ડરો જારી કરી દેવાયા છે. આ સમયે પ્રથમ તબક્કામાં અમદાવાદ અને વડનગરના એક-એક સ્થળનો સમાવેશ કરાશે.

અમદાવાદમાં હાંસોલમાં તે એરપોર્ટની નજીક અને વડનગરમાં ગુંજા ખાતે તેને બનાવાશે. નોન-શેડ્યુલ ઓપરેટરને તેનો ઉપયોગ કરવાની મંજૂરી અપાશે. જ્યારે હેલિપોર્ટનો ઉપયોગ ચાર્ટર્ડ અને હેલિકોપ્ટર પાર્કિંગ પ્લોટ તરીકે કરવામાં આવશે. સિવિલ એવિયેશનના ડિરેક્ટર કેપ્ટન અજય ચૌહાણે જણાવ્યું હતું. તેનાથી રાજ્યને આવક પણ થશે. ગુજરાતના નાગરિક ઉડ્ડયનના ડિરેક્ટર અજય ચૌહાણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ગુજરાતમાં હેલિપોર્ટ બાંધવા અંગે નિયમ મુજબ મંજૂરી આપી છે.

Your email address will not be published.