નવસારીમાં મોદીની જંગી સભાઃ પાંચ લાખથી પણ વધુ જંગી જનમેદની ઉમટશે

| Updated: June 9, 2022 12:57 pm

નવસારીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ વડાપ્રધાન મોદીની ગુજરાતની મુલાકાત વધતી જાય છે. તેઓ શુક્રવારે ગુજરાતની એકદિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આ પહેલા વહીવટીતંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. વડાપ્રધાન મોદી દસમી તારીખે ચીખલી તાલુકાના ભડવેલ ગામમાં આવવાના છે. તેઓ 2000 કરોડથી વધુ રકમની યોજનાઓનું ખાતમૂહુર્ત કરશે.

વડાપ્રધાનના આ કાર્યક્રમમાં ચાર લાખથી પણ વધુ જનમેદની હાજર રહેશે. વડાપ્રધાનની સુરક્ષા માટે તેમની સ્પેશ્યલ પ્રોટેકશન ગ્રુપ એક્ટિવ થઈ ગયું છે. આ ઉપરાંત ચેતક કમાન્ડો પણ હાજર રહેશે. આ કાર્યક્રમમાં સુરત, નવસારી, ડાંગ અને વલસાડના ચાર લાખથી પણ વધુ લોકો એક સભા સ્થળે નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ માણશે.

ગુજરાત ગૌરવ અભિયાન હેઠળ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડ અને નવસારીની મુલાકાતે આવવાના છે. વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત અને તાજેતરમાં અલ કાયદાએ આપેલી ધમકીને લઈને સમગ્ર સુરક્ષા તંત્ર કામે લાગી ગયું છે. જંગી જનમેદની હાજર રહેવાની હોઈને સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહી જાય તેને ધ્યાનમાં રાખીને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીની સુરક્ષા વ્યવસ્થામાં 16 આઇપીએસ અધિકારીઓ, 32 ડીવાયએસપી અધિકારીઓ, 32 પીઆઇ અને 191 પીએસઆઇ કક્ષાના અધિકારીઓ સુરક્ષામાં જોડાવવાના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાના 150 કરોડના જનહિતના કામોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે. જિલ્લાના બે કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના હોઈ ચપટી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા 70 જેટલા વાહનો પેટ્રોલિંગમાં ગોઠવવામાં આવ્યા છે. તેની સાથે એનએસજી અને ચેતક કમાન્ડો પણ ઘોડેસવારોને લઈને સુરક્ષા વ્યવસ્થામાં કામે લાગી ગયા છે. વડાપ્રધાન મોદી નવસારી જિલ્લાના ચીખલીના ખુડવેલ ગામે જાહેર સભાને સંબોધશે. નવસારી નેશનલ હાઇવે નંબર 48 પાસે આવેલી નિરાલી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદઘાટન પણ કરશે.

વડાપ્રધાન મોદી દસમી જુન ઉપરાંત 18મી જુને પણ ગુજરાતમાં આવવાના છે. તે દિવસે પણ તેમના અનેક કાર્યક્રમો છે, પણ તેની જાહેરાત આગામી સમયમાં કરવામાં આવશે. ચૂંટણી નજીક હોઈને તંત્ર દ્વારા અનેક યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય થાય તે માટે કોઈ કસર છોડવા માંગતા નથી.

Your email address will not be published.