નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુરોપના ત્રણ દિવસના પ્રવાસે જર્મની પહોંચી ગયા છે. તેઓ આજે ત્યાં જર્મન ચાન્સેલર સ્કોલ્ઝને મળશે. મોદીની આ મુલાકાતને યુક્રેન-રશિયા યુદ્ધના સંદર્ભમાં ઘણી મહત્વની મુલાકાત તરીકે જોવામાં આવી રહી છે.
પીએમઓ તરફથી જણાવાયું હતું કે આ મોદી અને સ્કોલ્ઝની બેઠકમાં બંને દેશોના ટોચના પ્રધાનો અને અધિકારીઓ પણ ભાગ લેશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં સત્તા પર આવેલા સ્કોલ્ઝ અને મોદી વચ્ચે આ પ્રથમ મુલાકાત હશે. બંને નેતાઓ ભારત-જર્મની આંતર સરકારી સલાહકાર બેઠકની સહઅધ્યક્ષતા પણ કરશે. તેનો પ્રારંભ 2011માં થયો હતો. આ દ્વિવાર્ષિક ફોર્મેટ છે અને ભારત તથા જર્મની તેનું આયોજન કરે છે.
વડાપ્રધાન મોદીના જર્મની પ્રવાસમાં કેટલાક પ્રધાનો પણ તેમની સાથે ગયા છે. તેઓ તેમના સમકક્ષ જર્મન પ્રધાનો સાથે ચર્ચા કરશે. તેના પછી વડાપ્રધાન એક બિઝનેસ સમિટમાં હાજરી આપશે. આ સિવાય સામાજિક કાર્યક્રમમાં પણ ભાગ લેશે. મોદીની વડાપ્રધાન તરીકે જર્મનીની પાંચમી મુલાકાત છે. આ પહેલા તે 2015, 2017 અને 2018માં જર્મીનો પ્રવાસ કરી ચૂક્યા છે. 2017માં તેમણે બે વખત જર્મનીનો પ્રવાસ કર્યો હતો.
જર્મનીના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી અને ચાન્સેલર સ્કોલ્ઝ સંયુક્ત રીતે બિઝનેસ સમિટને પણ સંબોધિત કરશે. મોદી જર્મનીમાં ભારતીય સમુદાય સાથે વાતચીત પણ કરશે. અહીં ભારતીય સમુદાય દ્વારા મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
જર્મનીના ચાન્સેલર સ્કોલ્ઝ સાથેની મુલાકાત અંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે મારી બર્લિનની મુલાકાત ચાન્સેલર ઓલફ સ્કોલ્ઝ સાથે મુલાકાત કરવાની તક પૂરી પાડશે. તેમને હું ગયા વર્ષે જી-20માં મળ્યો હતો. તે વખતે તેઓ ડેપ્યુટી ચાન્સેલર અને નાણાપ્રધાન હતા.
તેમણે જણાવ્યું હતું કે ઘણા ભારતીય મંત્રીઓ પણ જર્મનીની મુલાકાત લેશે અને જર્મન સમકક્ષો સાથે ચર્ચા કરશે. હું આ આઇજીસી મીટિંગને જર્મનીમાં નવી સરકારની રચનાના છ મહિનાના પ્રારંભિક સંવાદ તરીકે જોઉં છું. આ સંવાદ દ્વારા અમારી મધ્યમ અને લાંબા ગાળાઓની પ્રાથમિકતાઓને ઓળખવામાં મદદ મળશે.