અમદાવાદઃ હાલમાં રાજ્યમાં રીતસરનો અગનગોળો તપી રહ્યો છે તેની વચ્ચે ભારતીય હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. આ સમાચાર એ છે કે આ વખતે ગુજરાતમાં ચોમાસુ વહેલુ બેસુ શકે છે. ફક્ત ગુજરાત જ નહી કેરળમાં પણ ચોમાસાનું વહેલા આગમન થઈ શકે છે.
હાલમાં આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસાની હલચલ શરૂ થઈ ચૂકી છે. આમ આંદામાન નિકોબારમાં હલચલ અત્યારથી જ શરૂ થતાં કેરળમાં પણ ચોમાસુ વહેલું બેસે તેમ માનવામાં આવે છે. કેરળમાં પહેલી જુનથી ચોમાસાનો પ્રારંભ થાય છે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનથી ચોમાસુ શરૂ થાય છે. પણ આ વખતે વહેલુ ચોમાસુ શરૂ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આમ ગુજરાતમાં ચોમાસુ પંદર જૂનના બદલે અઠવાડિયું વહેલું શરૂ થાય તેવી પ્રબળ સંભાવના વર્તાઈ રહી છે.
ચોમાસાના વહેલા આગમને ખેડૂતોમાં ખુશીની લહેર દોડાવી દીધી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આ વર્ષે ચોમાસુ વહેલુ શરૂ થશે. તેના લીધે ફક્ત ગુજરાત જ નહીં દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ અને બંગાળ સહિત કેટલાય રાજ્યોમાં લોકોને ગરમીમાંથી રાહત મળશે. હાલમાં તો રીતસરનો સૂરજ આગ ઓકી રહ્યો છે અને ધરતી જાણે અગનગોળો બની ગઈ હોય તેવી સ્થિતિ છે. આ સંજોગોમાં વહેલા વરસાદના આગાહી પણ ઠંડક આપે તેવી લાગે છે.
હવામાન વિભાગની પુના સ્થિત મુખ્ય લેબોરેટરી દ્વારા લાંબા સમયની નોંધ પરથી તૈયાર કરાયેલા મલ્ટી મોડેલ, એક્સ્ટેન્ડેડ રેન્જ, પ્રિડિકશન સિસ્ટમનો ઉપયોગ કરીને આ અનુમાન આપવામાં આવ્યું છે.