આગામી 8 વર્ષમાં આ ક્ષેત્રમાં રહેશે તેજી, 10 લાખથી વધુ રોજગારી મળે તેવી શક્યતા

| Updated: January 28, 2022 3:10 pm

ક્લાઇમેટ ચેન્જ પર નિયંત્રણ માટે દુનિયાભરના દેશોને રીન્યુએબલ એનર્જી (પુન:પ્રાપ્ય ઊર્જા)ના ક્ષેત્ર પર ફોકસ વધારવાની ફરજ પડી છે. ભારત સહિતના દેશો સોલર એનર્જીનો વપરાશ વધારવા અને પેટ્રોલ-ડિઝલના બદલે બેટરીથી ચાલતા ઇલેક્ટ્રીક વાહનોનો વપરાશ વધારવા માટેની નીતિ જાહેર કરી રહ્યા છે ત્યારે નિષ્ણાંતોના મતે આગામી એક દસકામાં રીન્યુએબલ એનર્જીનું ક્ષેત્ર તેજીમાં રહેવાની પૂરેપૂરી શક્યતા છે. 

આ ક્ષેત્ર વર્ષ 2030 સુધીમાં 10 લાખ લોકોને રોજગાર આપશે એવી આગાહી કરવામાં આવી છે. અભ્યાસ મુજબ આ સેક્ટરમાં સૌથી વધુ નોકરીઓ મધ્યમ કક્ષાના રીન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટમાં ઊભી થશે. કાઉન્સિલ ઓન એનર્જી, ઇન્વાર્યમેન્ટ એન્ડ વોટર (CEEW), નેચરલ રિસોર્સિસ ડિફેન્સ કાઉન્સિલ (NRDC) તથા સ્કિલ કાઉન્સિલ ફોર ગ્રીન જોબ્સ (SCGJ) દ્વારા જાહેર સ્વતંત્ર અધ્યયનમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે.

રિપોર્ટ મુજબ, ભારતનું રિન્યૂએબલ એનર્જી સેક્ટર સંભવિત રીતે 2030 સુધી લગભગ 10 લાખ રોજગાર આપી શકે છે. આ ક્ષેત્ર દ્વારા પહેલા કરવામાં આવેલા 1.1 લાખના અનુમાનથી દસ ગણું વધારે છે. 

વિશ્લેષણમાં રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં રોજગાર પર મહામારીની પ્રતિકૂળ અસરનો પણ ઉલ્લેખ કર્યો છે. આ સેક્ટરમાં નાણાકીય વર્ષ 2018-19માં 12400 નવા કર્મચારીઓને રોજગાર મળ્યો હતો જેની તુલનામાં 2019-20માં માત્ર 5200 અને 2020-21માં 6400 નવા કર્મચારીઓને રોજગાર મળ્યો. 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2020-21માં મોટાભાગના કર્મચારી છત પર લગાવવામાં આવતી સોલર શ્રેણીમાં કામ કરી રહ્યા હતા. નાણાકીય વર્ષ 2019-20ની તુલનામાં આ ક્ષેત્રની ક્ષમતા વાર્ષિક આધારે 9 ટકા વધી છે. અધ્યયનમાં એવું પણ સામે આવ્યું છે કે ભારતે ક્લીન એનર્જી પ્રોજેક્ટ માટે કુશળ શ્રમિકોની ઉપલબ્ધતા વધારવા માટે 2015-2017 દરમિયાન મિત્ર ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ 78000 લોકોને તાલિમ આપવામાં આવી છે.

CEEWના સીઇઓ ડૉ. અરૂણભા ઘોષે જણાવ્યું કે, આગામી યૂનિયન બજેટમાં નિશ્ચિતપણે રૂફટોપ સોલર, મિનિ અને માઇક્રો ગ્રીડ સિસ્ટમ અને ડોમેસ્ટિક સોલર ઉત્પાદન પર ભાર મૂકી સેક્ટરમાં રોજગારનું વધુ નિર્માણ થાય તેના પર ધ્યાન આપવું જોઈએ.

Your email address will not be published.