તંજાવુરઃ તમિલનાડુના તંજાવુર જિલ્લામાં એક મંદિરમાં ઉત્સવ દરમિયાન બનેલી દુર્ઘટનામાં 11થી પણ વધુ શ્રદ્ધાળુઓના મોત વીજ કરંટથી થતા હાહાકાર મચી ગયો છે. મંદિરના ઉત્સવ દરમિયાન હંકારવામાં આવતો રથ લાઇવ વાયરને અડી ગયો હતો, તેના લીાધે આંખના પલકારમાં અગિયારથી વધુ લોકોના મોત થયા હતા. મૃત્યુ પામેલાઓમાં બાળકોનો પણ સમાવેશ થાય છે, તેના લીધે વાતાવરણ ગમગીન બની ગયુ હતુ. આ દુર્ઘટના વહેલી સવારે થઈ હતી.
સમાચાર મળવાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ મંદિરની પાલખીને પાછી વાળતી વખતે તે લાઇવ વાયરને અડી ગઈ હતી. તેના લીધે આ દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં બે બાળકો મૃત્યુ પામ્યા હોવાનું કહેવાય છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે તંજાવુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
તિરુચિરાપલ્લી સેન્ટ્રલ ઝોનના મહાનિરીક્ષક વી બાલકૃષ્ણએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાનાનો વિડીયો પણ સામે આવ્યો છે, તેમા આ દુર્ઘટનાના લીધે રથ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હોવાનું સ્પષ્ટ દેખાય છે. રથ જીવંત વાયરને અડતા આ અકસ્માત સર્જાયો હતો અને આ દુર્ઘટના થઈ હતી. તેના લીધે રથ પણ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો
આ દુર્ઘટનાના લીધે તમિલનાડુમાં દર વર્ષે થતા મોટા ધાર્મિક આયોજન અને તેમા લોકોની સલામતીને લઈને સવાલ ઉઠ્યા છે. તહેવારોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે અને હવે આ પ્રકારની ઘટના બનવાના પગલે લોકોની સુરક્ષાને લઈને મોટા સવાલ સર્જાવવા માંડ્યા છે.
કેટલાય લોકોની માંગ છે કે ધાર્મિક આયોજન શરૂ થતા પહેલા આ પ્રકારની સલામતી સુનિશ્ચિત કરી લેવામાં આવે અને તેની સાથે ફક્ત પોલીસ જ નહી દરેક પ્રકારના પાસા પર ધ્યાન આપવામાં આવે. ઉદાહરણ તરીકે જે વિસ્તારમાં પણ મોટાપાયા પર ધાર્મિક આયોજન થતું હોય ત્યાં વીજળીના વાયરોની સ્થિતિ ચકાસી લેવામાં આવે, ક્યાંય વાયર તૂટી ગયો નથી અથવા તો ધાર્મિક આયોજન માટે વીજ વિતરણની અલગ જ વ્યવસ્થા ઊભી કરવામાં આવે જેથી આ પ્રકારના અકસ્માતો ટાળી શકાય. કમસેકમ ધાર્મિક આયોજનના રૂટમાં તો લાઇવ વાયર ન હોય અને હોય તો દૂર કરવામાં આવે તેના અંગે વિચારી શકાય. તેથી ધાર્મિક આયોજનમાં લોકોની સલામતીને લઈને સર્વગ્રાહી આયોજનની માંગ ઉઠી છે.