ભારત સહિત મોટાભાગના દેશો ક્રિપ્ટોકરન્સી મુદ્દે નિર્ણય લઈ નથી શકતા?

| Updated: January 12, 2022 3:23 pm

ક્રિપ્ટોકરન્સીને લઈને ઘણાં સમયથી અસંમજસ પ્રવર્તી રહી છે કે તેને સંપત્તિ માનવી, કોમોડીટી માનવી કે કરન્સી? દુનિયાભરના દેશોના રેગ્યુલેટર્સે ક્રિપ્ટોની અલગ અલગ વ્યાખ્યાઓ કરી છે. પણ આ હજુ કોઈ સર્વસંમતિ નથી. ક્રિપ્ટોથી દેશોની આર્થિક સ્થિરતા જોખમાઈ શકે છે તથા ગેરકાયદે પ્રવૃત્તિને વેગ મળી શકે છે. કાયદાના નિષ્ણાંતોનું કહેવું છે કે મોટાભાગના દેશો ક્રિપ્ટો મુદ્દે નક્કર નિર્ણય લેવાનું ટાળી રહ્યા છે.

ક્રિપ્ટોની લોકપ્રિયતામાં વધારો થતા સરકારો સાવધ બની છે. અત્યાર સુધી અલ સાલ્વાડોર એકમાત્ર એવો દેશ છે જેણે ક્રિપ્ટો કરન્સીને માન્યતા આપી છે. ચીન સહિત એવા 9 દેશો છે જેણે ક્રિપ્ટો પર બૅન મુક્યો છે. જ્યારકે બાંગ્લાદેશ સહિતના 42 દેશો ક્રિપ્ટો પર અશંત: બૅન મુક્યો છે. એટલે કે સંપૂર્ણ બૅન નહીં પણ બેન્કોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ક્રિપ્ટો માટે ટ્રાન્ઝેક્શનની મનાઈ ફરમાવવામાં આવી છે.

યુએસ કોંગ્રેસની લૉ લાઇબ્રેરીના ગત નવેમ્બરમાં પ્રસિદ્ધ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ક્રિપ્ટોને એસેટ ગણવી કે કરન્સી ગણવી એ મુદ્દે ચાલી રહેલી અવઢવના કારણે ક્રિપ્ટો પર નિયંત્રણો મુકવામાં આવી રહ્યા નથી. મોટાભાગના લોકો સ્પેક્યુલેટીવ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ક્રિપ્ટોમાં રોકાણ કરે છે.

આ ક્ષેત્રના નિષ્ણાંતોનું કહેવું છે કે દુનિયાભરના દેશોની સરકારો ક્રિપ્ટોના ટેકનીકલ પાસાઓને સમજવામાં પડી રહેલી મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. મુશ્કેલી એ છે કે જો ક્રિપ્ટોને કોમોડિટિ ગણવામાં આવે તો તેને ગેરકાયદે માની શકાય નહીં અને આમ કરવાથી આર્થિક સ્થિરતા તથા કેપિટલ ફ્લોમાં અસ્થિરતા સર્જાઈ શકે છે.

અમેરિકામાં કેટલાક રાજ્યો ક્રિપ્ટોની તરફેણ કરી રહ્યા છે પણ કેન્દ્રીય સ્તરે કોઈ નિયંત્રણો નથી. ટેક્સેસન માટે 2014થી અહીં ક્રિપ્ટોને પ્રોપર્ટીની કેટેગરીમાં મુકવામાં આવે છે. ડેરીવીટીવ્સ રેગ્યુલેટર સીએફટીસી ક્રિપ્ટોને કોમોડિટી માને છે જ્યારે માર્કેટ વૉચડોગ એસઇસી ક્રિપ્ટોને આવી કોઈ શ્રેણીમાં મુકવા સામે અસંમત છે.

ભારત સરકારે પણ હજુ સુધી ક્રિપ્ટો મુદ્દે કોઈ નક્કર નિર્ણય કર્યો નથી. સંસદના ગત સત્રમાં ક્રિપ્ટોકરન્સી બિલ રજૂ કરવાની ચર્ચા હતી. આરબીઆઇએ ક્રિપ્ટોકરન્સી પર સંપૂર્ણ બૅન મુકવાની માગણી કરી હતી. આરબીઆઇનું માનવું છે કે ક્રિપ્ટો પર અંશત: બૅન મુકવાથી કોઈ પરિણામ મળશે નહીં.

સેબીના વડા અજય ત્યાગીએ મ્યુચ્યુઅલ ફંડ્સને ક્રિપ્ટોમાં રોકાણ નહીં કરવા જણાવ્યું હતું. જ્યાં સુધી સરકાર વર્ચ્યુઅલ કરન્સી મુદ્દે કોઈ નિર્ણય નહીં લે ત્યાં સુધી મ્યુચ્યુઅલ ફંડ્સ ક્રિપ્ટોમાં રોકાણ કરી શકશે નહીં.

ક્રિપ્ટોના કેસમાં ખાટલે મોટી ખોડ એ છે કે આ ટેકનોલોજી કોઈપણ નિયંત્રણોને બાયપાસ કરી શકે એમ છે. આપણી સમક્ષ મોટો દાખલો ચીન અને દક્ષિણ કોરિયાનો છે. જેમણે ક્રિપ્ટો પર પ્રતિબંધ મુક્યો હોવા છતાં તેનો અસરકારક અમલી કરાવી શક્યા નથી. કાયદા દ્વારા પ્રતિબંધો કે નિયંત્રણો લાગુ કરવા મુશ્કેલ હોવાથી સરકારો ક્રિપ્ટો પર નિયંત્રણ માટે અલગ રેગ્યુલેટરી ફ્રેમવર્ક ઉભું કરવાની વિચારણા કરી રહ્યા છે.

રસપ્રદ વાત એ છે કે આઇએમએફ અને ડબલ્યુઇએફ જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનોનું માનવું છે કે ક્રિપ્ટોની મદદથી દેશો વચ્ચેના આર્થિક વ્યવહારો સરળ બનશે અને તેના કારણે તમામ વર્ગોમાં આર્થિક સદ્ધરતા આવશે. ગત ઓક્ટોબરના આઇએમએફના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ક્રિપ્ટોના કારણે બેન્ક ડિપોઝીટ તથા ધિરાણને પણ અસર પહોંચી શકે એમ છે. 

Your email address will not be published.