વડોદરાના માતા-પુત્રીના રહસ્યમય મોત કેસ : પતિએ જ પત્ની અને પુત્રીની ઝેર આપી કરી હત્યા

| Updated: October 13, 2021 5:25 pm

સંસ્કારી નગરી વડોદરામાં હત્યાની ઘટનાઓ જાણે કે સામાન્ય થઈ ગઈ છે. છેલ્લા પાંચ દિવસમાં 4 થી વધારે હત્યાઓ થઈ ચૂકી છે અને માસુમ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે વડોદરામાં પત્ની અને માસુમ પુત્રીના રહસ્યમય રીતે મોત થયા હતા જોકે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં પતિએ જ પત્ની અને પુત્રીને આઈસ્ક્રીમમાં ઝેર ભેળવી મોતને ઘાટ ઉતાર્યા છે. જેમાં આરોપીએ પહેલા યુટ્યુબ પર ઝેર વિશે જાણકારી મેળવી હતી અને તેના પરથી જ કયું ઝેર ખાવાથી મોત થઈ શકે તે જોઈને તેણે હત્યા કરી હતી. હાલ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે અને તેનો ફોન કબ્જે લીધા બાદ ફોનની તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને તેના ફોનમાંથી હત્યા કરવા માટે જુદા જુદા વિડીયો જોયા હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ મળેલી પટેલ પરિવાર પંચમહાલના નાંદરવાનો છે, જ્યારે તેજસનું વતન ત્યાંથી 15 કિલોમીટરના અંતરે આવેલું એરંડી ગામ છે. લગ્ન બાદ તેજસ શોભનાના ઘરે ઘર જમાઇ તરીકે રહેતો હતો. તેજસને નોકરી શોભનાના ભાઇએ અપાવી હતી. તેજસને ઘર જમાઇ તરીકે રહેવું ગમતું ન હતું. પરંતુ, પત્ની શોભનાની જીદના કારણે તેને મજબૂરીથી રહેવું પડતું હતું. પત્નીની અજુગતી માંગણીઓ વધુ પડતા ખર્ચા કરાવતી હોવાથી બંને વચ્ચે અવાર-નવાર ઝઘડાઓ થતાં હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી પણ વિગત બહાર આવી છે કે, તેજસને અન્ય મહિલા સાથે આડાસબંધ હોવાની જાણ થતાં ઝઘડાઓ શરૂ થયા હતા.

ન્યૂ સમા રોડની ચંદનપાર્ક સોસાયટીમાં માતા-પુત્રીનાં શંકાસ્પદ મોતના બનાવમાં પોલીસ હત્યાની થિયરી પર તપાસ કરી રહી છે. પોલીસની ટીમોએ મંગળવારની મોડી રાત સુધી મહિલાનાં પતિ અને પરિવારજનોની ઝીણવટભરી પૂછપરછ કરી હતી. જેમાં તેજસ પટેલ ભાંગી પડ્યો હતો. અને પત્ની શોભના તથા પુત્રી કાવ્યાની ગળુ દબાવી હત્યા કર્યા બાદ ઉંદર મારવાની દવા આઈસ્ક્રીમમાં નાખી દીધી હોવાની કબુલાત કરી લીધી હતી.

પોલીસ દ્વારા માતા-પુત્રીના રહસ્યમય મોતના બનાવમાં મહિલાના ગળામાં ઇજાના નિશાન હોવાથી આ રહસ્યમય મોતનો ભેદ ઉકેલવા માટે પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું અને વિસેરા પણ લેવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ અને વિસેરા રિપોર્ટમાં પતિ તેજસ પટેલ દ્વારા પત્ની શોભના અને પુત્રી કાવ્યાનું ગળું દબાવ્યા બાદ ઝેર પીવડાવી દીધું હોવાની વિગતો બહાર આવી હતી. દરમિયાન પોલીસે પત્ની અને પુત્રીની હત્યા કરનાર પતિ તેજસ પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Your email address will not be published. Required fields are marked *