103 અબજ ડોલરની સંપત્તિ સાથે, આ છે એશિયાનાં સૌથી શ્રીમંત માણસ

| Updated: March 18, 2022 8:56 pm

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી 103 અબજ ડોલરની સંપત્તિ સાથે એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ છે.તેમની સંપત્તિમાં એક વર્ષમાં 24 ટકા વધારો થયો છે.જ્યારે નાયકા (Nykaa)ના ફાઉન્ડર ફાલ્ગુની નાયર ભારતમાં અબજોપતિઓનાં લિસ્ટમાં સૌથી નવા છે, તેમ રિસર્ચ પ્લેટફોર્મ હુરુનનો ગ્લોબલ રિચ લિસ્ટ રિપોર્ટ કહે છે.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ભારતના બીજા નંબરનાં સૌથી શ્રીમંત વ્યક્તિ છે. એક વર્ષમાં તેમની સંપત્તિમાં સૌથી વધુ ઉમેરો થયો છે. એક વર્ષમાં અદાણીની સંપત્તિ 49 અબજ ડોલર વધી છે અને તેમની નેટવર્થ 81 અબજ ડોલરે પહોંચી છે. છેલ્લા વર્ષ કરતાં અદાણીની સંપત્તિમાં દર અઠવાડિયે લગભગ રુપિયા 6,000 કરોડનો વધારો થયો છે. રિસર્ચ પ્લેટફોર્મ હુરુને રિયલ એસ્ટેટ ફર્મ એમથ્રીએમ (M3M) સાથે મળીને ધનિકોની યાદી તૈયાર કરી છે. 2022 એમથ્રીએમ હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ નામના રિપોર્ટમાં 2557 કંપનીઓ અને 69 દેશોના 3381 અબજોપતિઓને સ્થાન આપવામાં આવ્યું છે. કુલ 3381 અબજોપતિઓમાંથી 2071 અબજોપતિઓની સંપત્તિમાં છેલ્લા એક વર્ષમાં વધારો થયો છે, જ્યારે 942 અબજોપતિઓની સંપત્તિ ઘટી છે. એક વર્ષમાં દરમિયાન બિલિયોનર ક્લબમાં 490 નવા અબજોપતિઓનો ઉમેરાયા છે. 58 નવા ચહેરા સહિત 215 અબજોપતિઓ સાથે સૌથી વધુ અબજોપતિઓ ધરાવતાં દેશોમાં ભારતનો નંબર ત્રીજો છે. ભારત બહારનાં ભારતીય મૂળના અબજોપતિઓને તેમાં ઉમેરવામાં આવે તો આ આંકડો 249 પર પહોંચે છે.

ચીનમાં ભારત કરતાં લગભગ 5 ગણા વધુ 1133 અબજોપતિ છે. છેલ્લા 10 વર્ષોમાં ભારતીય અબજોપતિઓએ તેમની કુલ સંપત્તિમાં 700 બિલિયન ડોલર ઉમેર્યા છે. જે સ્વિત્ઝર્લેન્ડની જીડીપીની બરોબર અને સંયુક્ત આરબ અમીરાતની જીડીપીથી બે ગણા છે. મુંબઈમાં 72 અબજોપતિઓ રહે છે. ત્યારબાદ નવી દિલ્હીમાં 51 અને બેંગલુરુમાં 28 અબજોપતિઓ છે. ભારતની વસ્તી વિશ્વની વસ્તીના 18 ટકા છે અને ભારતમાં વિશ્વના વિખ્યાત અબજોપતિઓના 8 ટકા છે, જે ગયા વર્ષની સરખામણીમાં 50 ટકાથી વધુ છે. 34 અબજોપતિઓ ભારતની બહાર અને મુખ્યત્વે અમેરિકા, યુએઈ અને બ્રિટનમાં રહે છે તેમ ચીફ રિસર્ચર અને એમડી અનસ રહેમાન જુનૈદે એક યાદીમાં જણાવ્યું હતું. અબજોપતિઓની સંખ્યા સૌથી વધુ ઝડપે વધી રહી છે તેવા વિશ્વનાં ટોચના ત્રણ શહેરોમાં મુંબઈ અને નવી દિલ્હીનો સમાવેશ થાય છે. 2022 એમથ્રીએમ હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ મુજબ 215 ભારતીય અબજોપતિઓ દેશનાં 21 શહેરોમાંથી આવે છે.
ભારત સાથે સરખામણી કરવામાં આવે તો અમેરિકા.,ચીન અને જર્મનીના અબજોપતિઓ અનુક્રમે 240, 135 અને 68 શહેરોમાંથી આવે છે.સરકારના સ્માર્ટ સિટી, ડિજિટલ ઈન્ડિયા અને ઝડપી શહેરીકરણ દેશબરમાં સંપત્તિના વિતરણને ગતિ આપી શકે છે તેમ પણ અહેવાલમાં જણાવાયું છે.

રસપ્રદ બાબત એ છે કે, દેશના 59 ટકા અબજોપતિઓ પોતાની મેળે એબજોપતિ બન્યા છે.જે દર્શાવે છે કે નવી પેઢીના ઉદ્યોગ સાહસિકો નાણાકીય રીતે સમજદાર, સમૃદ્ધ અને રોકાણની બાબતમાં વાઇબ્રન્ટ છે. ઉપરાંત, લિંગ સમાવિષ્ટતા અને સમાનતા એ નોંધપાત્ર બાબત છે જેમાં ઉદ્યોગોમાં મહિલાઓ પુરૂષોને પાછળ છોડી દે છે તેમ એમથ્રીએમ ઇન્ડિયાના ડિરેક્ટર પંકજ બંસલે જણાવ્યું હતું. આ વર્ષ ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે મહત્વનું હતું. જેમાં હુરુન ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સની ચાર કંપનીઓ સહિત મોટા સ્ટાર્ટઅપનાં આઇપીઓ જોવા મળ્યા હતા. 2021માં આઈપીઓની શરુઆત ધમાકાભેર થઇ હતી જોકે આ પરપોટો ફુટી જશે તેવી ચિંતાને કારણે તેમાં ઓટ આવી હતી. 2021માં 10 ટેક કંપનીઓએ લિસ્ટિંગ બાદ કુલ 23 અબજ ડોલર એટલે કે રુપિયા 1,72,000 કરોડનું નુકસાન કર્યું હતું, જેના પરિણામે ટેક કંપનીઓનાં આઇપીઓમાં થોડો સમય બ્રેક વાગી ગઇ હતી.

Your email address will not be published.