નડિયાદના હઠીપુરા ગામમાં ઉધાર લીધેલા રુ.100 પરત ન આપતા મિત્રએ કરી હત્યા

| Updated: June 21, 2022 8:30 pm

ખેડાના નડિયાદ તાલુકાના હઠીપુરા ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી બે દિવસ અગાઉ ગામના જ યુવકની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગે નડિયાદ રૂરલ પોલીસે હત્યાનો ગુનો નોધ્યો હતો. મૃતકે લીધેલા રુપિયા 100 પરત ન આપતા તેના મિત્રએ જ તેની હત્યા કરી નાખી હતી. મિત્રએ લાકડાનો ખુણો વારંવાર છાતીમાં માર્યો હતો. જેના કારણે શરીરના અંદરના ભાગે બ્લડિંગ થયું હોવાનું પીએમ રિપોર્ટમાં બહાર આવ્યું હતુ. આ અંગે નડિયાદ રુરલ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આ પરથી સ્પષ્ટ થાય છે કે દેશમાં કેટલી મોઘવારી છે અને સામાન્ય 50 રુપિયા માટે લોકો હત્યા જેવી ઘટનાને અંજામ આપી રહ્યા છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, નડિયાદ તાલુકાના સલુણ ખાતે આવેલા હઠીપુરા ગામની સીમમાં આવેલી નાની કેનાલ પાસેના એક ખેતરમાંથી ગત રવિવારે વહેલી સવારે એક યુવકની લાશ મળી હતી. લાશ ગામમાં જ રહેતાં 25 વર્ષીય રાજુ રઈજીભાઈ ગોહેલની હતી. તે અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવતા હત્યાની શંકા આધારે પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળ પરથી એક લાકડાનો દંડો પોલીસને મળી આવ્યો હતો. પોલીસે તેના મિત્રો અને સબંધીઓની પુછપરછ કરી હતી.

તપાસમાં બહાર આવ્યું હતુ કે, મૃતક રાજુ ગોહેલ અને તેના મિત્રો સાથે નિત્યક્રમ મુજબ શનિવારની રાત્રીના સમયે જમી-પરવારીને ઘર ગરનાળે બેસવા ગયો હતો. ગામમાં રહેતા ગુણવંત ઉર્ફે ભુરીયો કાંતિભાઈ પરમાર બાઈક પર તેને લઈને ત્યાં ગયો હતો અને બીજા દિવસે સવારે રાજુ ગોહેલની લાશ મળી હતી. ગૃણવંત ઉર્ફે ભુરિયા પર શંકા હોવાના કારણે પોલીસે તેની પુછપરછ કરી હતી. ઉંડાણપૂર્વક પુછપરછ કરતા આખરે ગુણવંત તુટી ગયો હતો અને તેણે હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, મૃતક રાજુએ 50 રુપિયા અને બાદમાં ફરી 50 રુપિયા ગુણવંત પાસે ઉધાર લીધા હતા. જેથી ગુણવંતે પૈસા પરત માંગ્યા હતા પરંતુ રાજુએ પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી ગાળો બોલવા લાગ્યો હતો. એટલે ઉશ્કેરાઇ જઇ ગુણવંતે લાકડાનો ખુણાનો ભાગ રાજુની છાતીમાં વારંવાર માર્યો હતો. જેમાં રાજુ ઢળી પડ્યો હતો. બાદમાં લાશને ખસેડી તે ભાગી ગયો હતો.

આ અંગે ખેડા એસપી રાજેશ ગઢીયાએ વાઇબ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે, નડિયાના એક ગામમાં મિત્રએ મિત્રની ઉક્ત 100 રુપિયા માટે હત્યા કરી હતી. લાકડાનો ખુણો વારંવાર છાતીમાં મારતા તેને ઇન્ટરનલ ઇજા થઇ હતી અને બ્લડીંગ થયું હતું જેથી તેનું મોત નિપજ્યું હોવાનું પીએમ રિપોર્ટમાં બહાર આવ્યું છે.

Your email address will not be published.