સુરતમાં વધુ એક 5 વર્ષની બાળકી પીંખાઇ, દુષ્કર્મ બાદ બાળકીની હત્યા કરાઈ હોવાની આશંકા

| Updated: April 13, 2022 2:15 pm

સુરતમાં માસૂમ બાળાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સતત બનતી આવી છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી હતી જેમાં સુરતના પુણા વિસ્તારમાં વહેલી સવારે પાર્કિંગમાંથી એક પાંચ વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તપાસમાં પાંચ વર્ષીય બાળકી શ્રમજીવી પરિવારની હોવાનું બહાર આવ્યું છે. અપહરણ બાદ તેની સાથે દુષ્કર્મ થયું હોવાની વિગતો સામે આવતાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, સુરતના પુણા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની બાળકીનું બે ઈસમ દ્વારા મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી. જોકે આ બાળકીની હત્યા કરાયેલી લાશ ભૈયાનગરના પાર્કિંગ પ્લોટમાંથી મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણકારી મળતાં સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.

માસૂમ બાળકી પરિવાર સાથે સૂતી હતી ત્યારે અપહરણ થયું

માસૂમ બાળકી પરિવાર સાથે સૂતેલી હતી તે દરમિયાન જ તેનું બે ઈસમ દ્વારા અપહરણ કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જોકે પોલીસે ગણતરીની કલાકોમાં એક આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરી હતી. ત્યારે બીજા આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટના સામે આવતાં સ્થાનિક લોકોનો પોલીસ સામે રોષ ભભૂકી ઊઠયો હતો. આરોપી લલનસિંહ મધ્યપ્રદેશનો વતની અને મજૂરીકામ કરતો હોવાનું સામે આવ્યું છે.

પોલીસનું કહેવું છે કે બાળકીને ઉઠાવી જવાઈ હોવાની જાણ શ્રમિક પરિવારે પોલીસને કરી હતી. જેથી બાળકીને શોધવા માટે પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી હતી. એમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને હાલ પીએમ માટે મોકલી અપાયો છે. પોલીસે આરોપી લલનસિંહ, જે મધ્યપ્રદેશનો રહેવાસી છે તેને ઝડપી લીધો છે. હાલ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ બાળકી સાથે દુષ્કર્મ થયું છે કે નહિ તે દિશામાં એફ એસ એલની ટીમની મદદ લેવાઇ છે જોકે રિપોર્ટ આવ્યા બાદ જ હકીકત જાણવા મળશે.

અપહરણ બાદ દુષ્કર્મની આશંકા

મૂળ મધ્યપ્રદેશનો વતની અને પુણાના ભૈયાનગરમાં મજૂરીકામ કરતા લલનસિંહ નામના આરોપીએ સૂતેલી બાળકીને ઉઠાવી જઈ અપહરણ કર્યું હતું. બાદમાં હત્યા કરી હોવાની પોલીસની પૂછપરછમાં કબૂલાત કરી હતી. હાલ પોલીસે લલનસિંહ સાથે અન્ય કોણ આરોપી છે તેમજ બાળકીને શા માટે અપહરણ કરી હત્યા કરી તથા દુષ્કર્મ કર્યું છે કે કેમ એ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

( સુરત: મયુર મિસ્ત્રી, સુરત )

Your email address will not be published.