મારી કવિતા મારા અવાજમાં : ચંદ્રેશ મકવાણા

| Updated: April 18, 2022 6:49 pm

મિત્રો આ વખતે હું આપ સમક્ષ રજૂ કરી રહ્યો છું એક એવું ગીત જે મેં કોલેજ કાળમાં લખ્યું હતું. જેનું શીર્ષક છે ‘ આમ ફાંફાં ન મારો વેરાનમાં’…તો લ્યો આપ સમક્ષ પ્રસ્તુત છે મારું આ ગીત

‘ આમ ફાંફાં ન મારો વેરાનમાં’

સમજી સમજીને તમે સમજી શકો તો પછી સમજાવી દઉ હું યે સાનમાં,
આમ ફાંફાં ન મારો વેરાનમાં…

ફૂલડાં વીણો તો ક્યાંક કાંટા વાગે ને વળી
ભમરા ડંખે એ વાત જુદી,
ઝરણાનાં લીલાછમ્મ જળને મુકીને કોઈ
રણને ઝંખે એ વાત જુદી,

જરા ઓરા આવો તો એક લાખેણી વાત જરા કહી દઉ હું ધીમેથી કાનમાં,
કે આમ ફાંફાં ન મારો વેરાનમાં…

સાગરમાં તરવાનો શોખ કદી જાગે
તો ડૂબવાની તૈયારી રાખવી
પ્રેમમાં પડયાનો કદી અવસર આવે તો
પ્રીત સહિયારી સહિયારી રાખવી

વાત એ પણ લખાઈ છે સીધીને સાફ વેદ, ગીતા કે બાઇબલ, કુરાનમાં,
આમ ફાંફાં ન મારો વેરાનમાં…

ચંદ્રેશ મકવાણા

Your email address will not be published.