નલિન પંડ્યા ઓસ્કાર કમિટીમાં સામેલ થનારા પ્રથમ ગુજરાતી બન્યા

| Updated: June 30, 2022 11:09 am

ભારતીય મૂળના ફિલ્મ મેકર નલિન કુમાર પંડ્યા (પાન નલિન)ને એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સીસ દ્વારા વર્ષ 2022  માટે ઓસ્કાર કમિટીમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે. એકેડેમીમાં સામેલ થનારા તેઓ પ્રથમ ગુજરાતી બન્યા છે. એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસ દર વર્ષે ઓસ્કારનું આયોજન કરે છે.

નલિન પંડયાએ જણાવ્યું હતું કે, મારા માટે આ મોટું સન્માન છે. ઘણા વર્ષો પહેલા મેં એક રસ્તો પસંદ કર્યો હતો જે મુશ્કેલ હતો. આજનો દિવસ મહત્વનો છે. મારા સિનેમામાં વિશ્વાસ કરવા અને મને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવા બદલ હું એકેડેમીનો આભારી છું. આજથી એક નવી સફર શરૂ થઈ રહી છે.

 તેઓ કહે છે કે એકેડેમીની પસંદગી મારા માટે એક મોટી માન્યતા છે. હું બાકીના ભારત માટે અજાણ્યો હતો, પરંતુ દુનિયા મને જાણતી હતી. આખરે હું એકલા 17 વર્ષથી જે કરી રહ્યો છું, તેનો કયાંક ને ક્યાંક મોટા દિગ્દર્શકોએ પણ પડઘો પાડ્યો છે.

ઓસ્કરની વેબસાઇટ અનુસાર, પંડ્યાની પસંદગી તેમણે નિર્દેશિત કરેલી બે ફિલ્મો, “સમસારા” (2001) અને તેમની તાજેતરની ગુજરાતી ફિલ્મ, છેલ્લો શો (ધ લાસ્ટ ફિલ્મ શો) (2021) ના આધારે કરવામાં આવી છે.જેણે જાદુઇ અસર છોડી છે.

તેમની ફિલ્મ ‘ધ લાસ્ટ ફિલ્મ શો’ જે સપ્ટેમ્બર પછી ભારતમાં રિલીઝ થવાની છે, તે અમેરિકન સ્ટુડિયો સેમ્યુઅલ ગોલ્ડવિન ફિલ્મ્સ દ્વારા હસ્તગત કરવામાં આવેલી પ્રથમ ભારતીય ફિલ્મ બની હતી.

પાન નલિન કહે છે કે, હું ખૂબ જ ખુશ છું કે મારી ફિલ્મો વિશ્વભરમાં જોવા મળે છે. જોકે દુ:ખી પણ છું કે ભારતમાં કોઈ પણ મારી મૂવીઝની પરવા કરતું નથી. અહીં તેને રિલીઝ કરવી પણ ખૂબ જ મુશ્કેલ છે. અમે મનોરંજન સંચાલિત, સ્ટાર સંચાલિત, ઉદ્યોગ આધારિત, એક પ્રકારનું સિનેમા છીએ. મારો કહેવાનો અર્થ એ નથી કે તે કોઈ આર્ટ હાઉસ અથવા ફેસ્ટિવલ જેવું છે.

પંડ્યાએ ઉમેર્યું હતું કે, “સૌથી દુ:ખદ વાત, મારી છેલ્લી ફિલ્મ, છેલ્લો શો માટે, અમારી પાસે સૌથી મોટા હોલીવુડ ડિસ્ટ્રિબ્યુટર્સ હતા. અમારી પાસે તાઇવાન અને સિંગાપોર જેવા નાના દેશો સહિત 40 થી વધુ દેશો હતા, પણ, પરંતુ ભારતમાં અમારી પાસે (ફિલ્મ માટે) કોઈ ડિસ્ટ્રિબ્યુટર નથી.

ઓસ્કારની સત્તાવાર વેબસાઇટ અનુસાર, “ધ એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસ 397 કલાકારો અને એક્ઝિક્યુટિવ્સને જોડાવા માટે આમંત્રણ આપી રહી છે, જેમણે થિયેટર મોશન પિક્ચર્સમાં વિશિષ્ઠ યોગદાન આપ્યું છે.

નલિન પંડ્યાની સાથે તમિલ સ્ટાર સૂર્યા, બોલિવૂડ અભિનેત્રી કાજોલ, ઓસ્કાર દ્વારા નામાંકિત ડોક્યુમેન્ટરી મેકર્સ સુસ્મિત ઘોષ અને રિન્ટ થોમસ, અને ઇન્ડિયન અમેરિકન ‘ડેડપૂલ’ અને ‘મર્ડર ઓન ધ ઓરિએન્ટ એક્સપ્રેસ’ના નિર્માતા અડિયા સૂદને આ વર્ષ માટે નવા સભ્યો તરીકે એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસમાં સામેલ કરવામાં આવ્યા છે.

Your email address will not be published.