મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારીઃ એક કાંકરે અનેક પક્ષી મારવાની યોજના

| Updated: July 5, 2021 11:54 pm

કેન્દ્રિય કેબિનેટમાં ગમે ત્યારે ફેરફાર થવાની અટકળો ચાલે છે, ત્યારે દિલ્હીની હિલચાલથી માહિતગાર સૂત્રોએ વાઇબ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે કેબિનેટ વિસ્તરણમાં એક કાંકરે અનેક પક્ષી મારવાની યોજના છે.

આ માટે તેમણે નીચેના કારણો ટાંક્યા છે: 

 • આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેબિનેટમાં ફેરફાર વખતે જ્ઞાતિ અને પ્રદેશોને સમાવવા પર ધ્યાન અપાશે.
 • નવા મંત્રીઓમાંથી ઓછામાં ઓછા છ મંત્રી ઓબીસી, દલિત અને બ્રાહ્મણ હશે. ઓછામાં ઓછા બે ક્ષત્રિયને પણ સમાવાશે.
 • યુપી અને ગુજરાતની આગામી ચૂંટણી પીએમ માટે વ્યક્તિગત રણમેદાન સાબિત થવાની છે. ચૂંટણીઓના મહત્ત્વને ધ્યાનમાં રાખીને તે મુજબ નિર્ણયો લેવાશે.
 • યુપી અને કર્ણાટકના નેતાઓને કેબિનેટમાં મોટા ભાગના સ્થાન મળશે. ગુજરાતમાંથી કોઈને આશ્ચર્યજનક સ્થાન અપાય તેવી શક્યતા છે. ગુજરાતમાં ભાજપમાં કોઈ અસંતોષ ન થાય તેને ધ્યાનમાં રાખી આશ્ચર્યજનક ફેરફાર થઈ શકે.
 •  ઓછામાં ઓછા ચાર નવા ચહેરાને સમાવાય તેવી શક્યતા છે, જેઓ એકદમ સ્વચ્છ અને પ્રામાણિક ઇમેજ ધરાવતા હોય તથા બધાને સ્વીકાર્ય હોય. કોવિડના મેનેજમેન્ટમાં સરકારની છબિને ફટકો પડ્યો હોવાથી આ ઇમેજ સુધારવા માટે આ ફેરફાર કરાશે. હાલના કમસે કમ બે મંત્રીઓને ‘નિવૃત્ત’ કરી દેવાશે અને તેમના રાજ્યમાં પાછા મોકલી દેવાશે. આ બંને નેતા ઉત્તર ભારતના હશે.

પીએમ મોદી 7 જુલાઈ અથવા 17 જુલાઈએ કેબિનેટમાં ફેરફાર કરે તેવી અટકળો હોવા છતાં, તેઓ બધાનું ટેન્શન વધારી દે તેવું પણ શક્ય છે. આ એક વૈજ્ઞાનિક અને ચતુરાઈભરી સ્માર્ટ સ્ટાઈલ છે. ગુજરાતમાં પણ તેઓ આવું કરતા હતા. તેમની નજીકના લોકો ‘બજાર’માં અમુક લોકોના નામ ફેલાવતા અને તેનો તરત ફીડબેક મળવા લાગતો હતો. ત્યાર પછી મુખ્યમંત્રી મોદી બધા પ્રતિસાદનો અભ્યાસ કરીને મંત્રીઓના વાસ્તવિક નામ જાહેર કરતા હતા. જાતિના રાજકારણને સમજવામાં મોદીની તોલે કોઈ આવી શકે તેમ નથી.

અગાઉ ઓછામાં ઓછા ચાર વખત આવી કવાયતના બહુ સારા પરિણામ મળ્યા છે. મોટા ભાગે એવું થાય છે કે જે નામની સૌથી વધુ ચર્ચા થતી હોય તેને કેબિનેટમાં સ્થાન મળતું નથી. મોદીએ ગુજરાતમાં કાર્યકાળ દરમિયાન આ સ્ટાઈલ વિકસાવી હતી.

તેથી અત્યારે બધી અટકળો જ છે. આપણે માત્ર એટલું જાણીએ છીએ કે સંસદનું સત્ર 19 જુલાઈએ શરૂ થાય છે અને 20 જુલાઈથી જૈનોના ચાતુર્માસ શરૂ થાય છે. તેથી સંસદમાં બધું વ્યવસ્થિત રીતે ચાલે તે માટે કેબિનેટમાં ફેરફાર 17 જુલાઈ અગાઉ થઈ જવા જોઈએ.

બદલાતા જતા પ્રાદેશિક સમીકરણો અને પ્રાદેશિક નેતાઓના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખતા મોદી માટે આ પણ એક મહત્ત્વનો મુદ્દો છે.

મહારાષ્ટ્રમાંથી આ વખતે સૌથી મહત્ત્વની હિલચાલ જોવા મળે તેવી શક્યતા છે. મમતા બેનરજી વ્યસ્ત રહે અને સરકારને પરેશાન ન કરે તે જોવું પણ એટલું જ જરૂરી છે. પરંતુ સૌથી વધુ મહત્ત્વ ઉત્તર પ્રદેશ અને આગામી ચૂંટણીઓનું રહેશે. પીએમ મોદીએ યુપી અને ગુજરાતની આગામી ચૂંટણી માટે ફીડબેક મેળવવા વધુ સમય માંગ્યો છે તેથી કેબિનેટમાં ફેરફાર કરવામાં વિલંબ થયો છે. આ બંને ચૂંટણીઓ મોદી માટે વ્યક્તિગત લડાઈ સાબિત થશે.

આગામી ફેરફારોથી મોદી શાસનનું સૌથી મોટું મંત્રીમંડળ રચાય તેવી શક્યતા છે. મોદી પાસે અત્યારે 28 નવા મંત્રીઓને સમાવવાની તક છે. મોદી આ સ્વતંત્રતાનો ઉપયોગ કરે છે કે પછી બહુ મોટી કેબિનેટ ન રાખવાની પોતાની નીતિને વળગી રહે છે તે જોવાનું રહેશે.

નિયમ પ્રમાણે મોદી પોતાની કેબિનેટમાં 81 મંત્રીઓને સમાવી શકે. હાલમાં તેમાં 53 કેબિનેટ મંત્રીઓ છે. વધારે નવા મંત્રીઓને સમાવાય તો તેનો અર્થ એવો થયો કે સ્થાનિક પ્રતિનિધિત્વ વધશે અને ભાજપનો વિરોધ કરી રહેલા પ્રાદેશિક પક્ષોને શાંત પાડી શકાશે.

પ્રતિનિધિત્વનું સ્તર સુધારવા માટે વડાપ્રધાન મોદી મહારાષ્ટ્ર, પ. બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યોમાંથી વધુ લોકોને સામેલ કરી શકે છે.

કોણ કોણ છે દાવેદાર

મંત્રી બનવા માંગતા ઉમેદવારો અને ભાજપના નેતાઓની યાદી ઘણી મોટી છે, પરંતુ અહીં જણાવેલા લોકોને સમાવવામાં આવે તેવી શક્યતા વધારે છેઃ

 • સરબાનંદા સોનોપાલ (આસામ)
 • અનુપ્રિયા પટેલ (ઉત્તર પ્રદેશ)
 • વરુણ ગાંધી (ઉત્તર પ્રદેશ)
 • રામક્રિષ્ન કથેરિયા (ઉત્તર પ્રદેશ)
 • અનિલ જૈન (ઉત્તર પ્રદેશ)
 • રીટા બહુગુણા જોશી (ઉત્તર પ્રદેશ)
 • ઝફર ઇસ્લામ (ઉત્તર પ્રદેશ)
 • પી સી ગડ્ડીગૌડર અથવા શિવકુમાર ઉદાસી: કર્ણાટક
 • શોભા કારનદલાજે અથવા પ્રતાપ સિંહા અથવા રાજીવ ચંદ્રશેખર : કર્ણાટક
 • નારાયણ સ્વામી અથવા ઉમેશ જાધવ: કર્ણાટક
 • બૈજયંત પાંડા (ઓડિશા)
 • અશ્વિની વૈષ્ણવ (ઓડિશા)
 • જ્યોતિરાદિત્ય સિંધિયા (મધ્ય પ્રદેશ)
 • ભુપેન્દ્ર યાદવ (રાજસ્થાન)
 • નારાયણ રાણે (મહારાષ્ટ્ર)
 • ડો. પ્રિતમ મુંડે (મહારાષ્ટ્ર)
 • પશુપતિ પારસ (બિહાર) (સાથી પક્ષ: એલજેપી)
 • રાજીવ રંજન (બિહાર) (સાથી પક્ષ: જનતાદળ યુનાઈટેડ)
 • આરસીપી સિંઘ (બિહાર) (જનતાદળ યુનાઈટેડ)
 • સુનિતા દુગ્ગલ (હરિયાણા)
 • સી. આર. પાટિલ (ગુજરાત)
 • ડો. કિરીટ સોલંકી (ગુજરાત)

પશ્ચિમ બંગાળમાંથી કોને લેવાશે તે વિશે અમારી પાસે માહિતી નથી. વાઈબ્સ ઓફ ઇન્ડિયાને પ. બંગાળમાંથી માત્ર દિનેશ ત્રિવેદીનું નામ મળ્યું છે, પરંતુ દિલ્હીના સૂત્રોએ કહ્યું કે તેમને સ્થાન મળશે કે નહીં તે નક્કી નથી.

ચર્ચામાં રહેલા કેટલાક રસપ્રદ નામો આ મુજબ છેઃ

 • સ્વાતંત્ર્ય દેવ સિંહ (ઉત્તર પ્રદેશ) યુપી ભાજપના પ્રમુખ
 • ભુપેન્દ્ર યાદવ (રાજસ્થાન ) ભાજપ પ્રભારી, ગુજરાત
 • સુશીલ મોદી (બિહાર) ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી, બિહાર.

સૂત્રોએ કહ્યું કે, “પ્રામાણિકતા અને અનુભવ કરતા જાતિ અને રાજકીય પ્રભાવને વધારે વજન અપાય તેવી શક્યતા છે.” તેમણે દાવો કર્યો કે પીએમ મોદી દરેક ચીજ પર બારીક નજર રાખે છે અને કેબિનેટના ફેરફારમાં તેની અસર જોવા મળશે. હાલની કેબિનેટમાંથી બે કેન્દ્રિય મંત્રીઓને તેમના નબળા દેખાવના કારણે પડતા મુકાય તેવી પણ શક્યતા છે. તેમાં ગુજરાતના એક મંત્રી સામેલ છે. આ ઉપરાંત ઉત્તર ભારતના એક રાજ્યમાં ગવર્નરને પણ બદલવામાં આવી શકે છે.

Your email address will not be published.