નરેશ પટેલ ગુજરાત સ્થાપના દિને રાજકારણમાં સક્રિય થઈ શકે

| Updated: April 23, 2022 11:17 am

અમદાવાદઃ સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગપતિ અને પાટીદાર આગેવાન નરેશ પટેલના રાજકારણમાં જોડાવવાની ઘડીઓ ગણાઈ રહી છે. અજાણ્યા સૂત્રોનો દાવો છે કે પાટીદાર આગેવાન નરેશ પટેલ મે મહિનામાં અને મોટાભાગે ગુજરાત સ્થાપના દિને જ રાજકારણમાં એન્ટ્રી મારી શકે છે. આ સૂત્રનો દાવો છે કે જો હૈયે ગુજરાતના હિત સાથે કોઈ મોટાગજાના માથાએ રાજકારણમાં ઝંપલાવવું હોય તો ગુજરાત સ્થાપના દિનથી વધારે સારો દિવસ કયો હોઈ શકે.

નરેશ પટેલ માટે ગુજરાતમાં રાજકારણમાં પ્રવેશવાના ત્રણ દરવાજા છે એક દરવાજો ભાજપનો છે, બીજો કોંગ્રેસનો છે અને ત્રીજો આપનો છે. હવે નરેશ પટેલ આમાથી કયા દરવાજામાંથી પ્રવેશે છે.

તેથી જ આજે ગુજરાતના રાજકારણમાં હવે જો હાર્દિક પટેલ પછી હવે જો કોઈ સૌથી વધુ ચર્ચાતુ નામ હોય તો તે નરેશ પટેલનું છે. નરેશ પટેલ રાજકારણમાં જવા માટે આતુર છે, પણ તે આ પહેલા તે દરેક રાજકીય પક્ષને નાણી જોવા માંગે છે. આ માટે તે ત્રણેય રાજકીય પક્ષના વડાને મળી ચૂક્યા છે.

કોંગ્રેસ મોવડીમંડળને મળી ચૂક્યા છે. ભાજપને પણ મળી ચૂક્યા છે તથા આપની મુલાકાત પણ લઈ ચૂક્યા છે. આના પરથી દેખાય છે કે નરેશ પટેલ રાજકારણમાં ઝંપલાવવા માટે તો આતુર છે, પણ તેમને કયા પ્રકારની ઓફર થાય છે તેના પર બધો આધાર છે.

ગુજરાતમાં કોંગ્રેસ હાઇકમાન્ડ અને તેમની વચ્ચે સતત બેઠકો થઈ રહી છે શનિવારે પણ તેમણે કોંગ્રેસ સાથે બેઠક કરી અને રાજકોટ પરત આવ્યા હતા. હવે આ બેઠકોનું નિરાકરણ આગામી સમયમાં જ ખબર પડી શકે તેમ છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યકારી વડા હાર્દિક પટેલે કોંગ્રેસની ટીકા કરતા જણાવ્યું હતું કે પક્ષ પાટીદાર નેતાઓ અને તેમા પણ ખાસ કરીને નરેશનું અપમાન કરી રહ્યો છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે પાટીદારોએ 2017માં કોંગ્રેસને ખાસ્સી બેઠકો જીતાડવામાં મદદ કરી હતી અને એક સમયે કોંગ્રેસ વિજયની નજીક પહોંચી ગઈ હતી. હવે આ જ કોંગ્રેસ પાટીદારોને તેમનો જોઈએ તે અધિકાર આપી રહી નથી.

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં છેલ્લા બે વર્ષથી નરેશ પટેલના રાજકારણમાં જોડાવવા અંગે સાંભળી રહ્યો છું, પરંતુ કોંગ્રેસ હજી સુધી કોઈ નિર્ણય કરી શકી નથી. એકબાજુએ ભાજપ ધડાધડ નિર્ણયો લે છે ત્યારે કોંગ્રેસને એક પાટીદાર આગેવાનને સમાવવામાં આટલો બધો સમય કેમ લાગે છે. હાર્દિકના નિવેદન પછી પક્ષના નેતાઓ અકળાયા હતા અને તેની સાથે મુલાકાત કરીને પક્ષનો વિવાદ પક્ષની અંદર રહીને ઉકેલવા તથા મીડિયામાં ન જવા કહ્યું હતું.

Your email address will not be published.