અમે લોકોએ પાર્ટીને આપ્યું છે, પાર્ટી પાસેથી કઈ લીધું નથી : “નારાજ” હાર્દિક

| Updated: May 16, 2022 2:10 pm

ખોડલધામમાં નરેશ પટેલે બંધ બારણે બેઠક યોજી હતી. આ બેઠકમાં હાર્દિક પટેલ, પાસ આગેવાન અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા હાજર રહ્યા હતા. બેઠક પૂર્ણ થતા હાર્કિદ પટેલે ફરી એકવાર કોંગ્રેસ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જેમાં તેણે જણાવ્યું કે, હું કોંગ્રેસથી નારાજ છું જ, કોણ ના પાડે છે, આ વાત જગજાહેર છે. કોઈ પણ પાર્ટીની અંદર કોઈ પણ નેતા હોય તેની જવાબદારી નક્કી હોય છે. આજે હું ગુજરાતનો કાર્યકારી પ્રમુખ છે તો મારી જવાબદારી નક્કી હોય ને. નરેશભાઈ કોંગ્રેસમાં આવશે તો મારી નારાજગી દૂર થશે, પછી તો મારે તેની સાથે જ ચર્ચા કરવાની થશે. કરણીસેનાની એકતા યાત્રા પણ ખોડલધામ પહોંચી હતી. જેનું સ્વાગત નરેશ પટેલે કર્યું હતું.

સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી

આ બેઠકમાં ચર્ચા કર્યા બાદ હાર્દિકે જણાવ્યું કે, આજે હું, અલ્પેશભાઈ અને દિનેશભાઈ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે બેઠક કરી હતી. જેમાં સામાજિક, રાજકીય અને પારિવારિક સહિત અનેક મુદ્દાઓ પર ખુલ્લીને ચર્ચા કરી છે. નરેશભાઇ કોઈ પણ રાજકીય નિર્ણય લે તેને અમે માનીશું. નરેશભાઈએ પાટીદારો પર થયેલા કેસો પાછા ખેચવા મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. જે બાદ 22થી 25 કેસ પાછા ખેચાયા હોવાથી તેમનો આભાર માનવા પણ આવ્યા હતા. હજી 244 જેટલા કેસોની પ્રોસેસ ઝડપી બને તે માટેની રજુઆત પણ કરી છે. સાથોસાથ તેમનો કોઈ પણ રાજકીય નિર્ણય હોય તેમાં અમે સૌ સહમત છીએ.

ઉદયપુર જવા પર હાર્દિકનો ઈનકાર

મીડિયા સાથે વાતચીતમાં ઉદયપુરને લઈ હાર્દિકે જણાવ્યું કે, જો હું ઉદયપુર ગયો હોત તો મારા સમાજના સર્વમાન્ય નેતાને મળી શક્યો ન હોત. ગઇકાલે ઉદયપુર ગયો હતો તો સુરેન્દ્રનગરના એક કાર્યકરના કાર્યક્રમમાં ન જઈ શક્યો હતો. જ્યા સુધી મુદ્દાનું નિરાકરણ ન આવી શકે ત્યાં સુધી હું ત્યાં જઈને શું ચર્ચા કરી શકીશ. અમારો તમામનો હેતુ સામાજિક પરિબળોને હાવિ બનાવવાનો નહીં, પરંતુ ગુજરાતના સાડા છ કરોડ લોકોને સારું નેતૃત્વ મળે, સારી વ્યવસ્થા મળે, લોકોનું કામ થાય, લોકો સમૃદ્ધ થાય તે માટેનો અમારો હંમેશા પ્રયાસ રહ્યો છે.

અમે લોકોએ પાર્ટીને આપ્યું છે, પાર્ટી પાસેથી કઈ લીધું નથી: હાર્દિક

કોંગ્રેસને લઈ ચર્ચા કરવામાં આવતા હાર્દિકે જણાવ્યું કે, અમે લોકોએ પાર્ટીને આપ્યું છે, પાર્ટી પાસેથી કઈ લીધું નથી આજસુધી. 2015 હોય, 2017 હોય અમે અમારા 100 ટકા આપ્યા છે. ગુજરાતની અંદર જાગૃતિ લાવીને કોંગ્રેસ સાથે જોડવાનું કામ કર્યું છે. અમે કામ માગીએ છીએ, અમે થોડા પદ માગીએ છીએ. નરેશભાઈને કોંગ્રેસના હાઈકમાન્ડ સાથે ડાયરેક્ટ ચર્ચા થઈ છે. આથી લોકલ નેતાઓ સાથે શું ઇસ્યુ છે તેનો મને વધારે ખ્યાલ નથી. નરેશભાઈ સોનિયાજી અને રાહુલજી સાથે ચર્ચા કરે છે તો આશા રાખું છું કે, ટૂંક સમયમાં ત્યાંથી જ નિર્ણય આવી જશે. નરેશભાઈએ રાજકારણમાં જોડાવું જોઈએ. સમાજહિતનું કામ રાજકારણમાં આવીને સારી રીતે કરી શકે. નરેશભાઈના આવવાથી ગુજરાતના લોકોને મોટો ફાયદો થશે. નરેશભાઈ કોગ્રેસમાં આવશે તો મારે બીજા કોઈને પૂછવાની જરૂર જ નહીં રહે.

નરેશ પટેલ ટૂંક સમયમાં નિર્ણય જાહેર કરશે

ખોડલધામમાં આજે યોજાયેલ બેઠક બાદ નરેશ પટેલે રાજકારણમાં જોડાવવા બાબતે પોતાનો જવાબ આપતા જણાવ્યું હતુ કે, પાટીદાર યુવાનો પર કેસ છે તે પાછા ખેચાવાની ધીમી ગતિ છે. સરકારને વિનંતી કરીએ છીએ કે તેમાં થોડી ઝડપ રાખે. બધા કેસો પાછા ખેચાય તેવી સરકારને વિનંતી છે. મારા રાજકારણમાં પ્રવેશ અંગે પણ ચર્ચા થઈ હતી. હજી પાંચથી સાત દિવસની અંદર અમારી બીજી બેઠક થશે તેમાં કદાચ આગેવાનો વધશે. ત્યારબાદ મારો નિર્ણય તમારા સમક્ષ મુકીશ.

Your email address will not be published.