નરેશ પટેલનો કોંગ્રેસ પ્રવેશ નિશ્ચિતઃ ફક્ત હોદ્દાને લઈને મથામણ

| Updated: April 23, 2022 2:38 pm

અમદાવાદ-દિલ્હીઃ સૌરાષ્ટ્રના જાણીતા આગેવાન નરેશ પટેલનો કોંગ્રેસ પ્રવેશ મહદ અંશે નિશ્ચિત થઈ ગયો છે. હવે જે ફક્ત પ્રશ્ન બાકી છે તે ફક્ત હોદ્દાને લઈને છે. સ્વાભાવિક રીતે ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ સમાજમાં આટલું વર્ચસ્વ ધરાવે છે અને કોંગ્રેસને એક જ ખોબે સીધી 48 બેઠકો મળી શકવાની સંભાવના છે ત્યારે પ્રાદેશિક સ્તરે બહુ મોટા હોદ્દા વગર કોંગ્રેસમાં બેસે તેવી જરા પણ સંભાવના નથી.

ફક્ત નરેશ પટેલ જ નહી તેમના સમાજના આગેવાનો પણ આશા રાખતા હોય કે નરેશ પટેલ જે પણ પક્ષમાં જાય તેમને ત્યાં મોભાદાર સ્થાન મળે. નરેશ પટેલ પોતે પણ જો ઓછા કે થોડા ઉતરતા હોદ્દા પર જાય તો તેમની પ્રતિષ્ઠાને તો આંચ આવે પણ તેમનો મોભો સમાજમાં પણ ઘટે. આ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પણ વિચારી રહી છે કે આવી મોભાદાર વ્યક્તિને પક્ષમાં કયા પ્રકારનું સ્થાન આપવું જેથી પક્ષમાં પણ અસંતોષ ઊભો ન થાય અને તેમનો મોભો સચવાઈ રહે.

રાજકોટ સ્થિત કોંગ્રેસના જાણીતા આગેવાન ડો. હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવવાનું નક્કી જ કરી ચૂક્યા છે, ફક્ત હવે તે નિર્ણય ક્યારે જાહેર કરવો તે સવાલ છે. પક્ષના આંતરિક વર્તુળોનો દાવો છે કે નરેશ પટેલની રાહુલ ગાંધી સાથે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બેઠક પણ થઈ ચૂકી છે.

નરેશ પટેલે જયપુરમાં કોંગ્રેસના મુખ્યપ્રધાન અશોક ગેહલોતની હાજરીમાં પ્રશાંત કિશોર સાથે પણ બેઠક યોજી હતી. વસાવડાએ તો ત્યાં સુધી જણાવી દીધું હતું કે નરેશ પટેલને કોંગ્રેસની કેમ્પેઇન કમિટીના ચેરમેન બનાવી શકાય. જો કે આ નિવેદન કોંગ્રેસના સ્થાનિક આગેવાનનું છે. તેઓનો નરેશ પટેલ અંગેનો ઉત્સાહ સમજી શકાય છે, કારણ કે ગુજરાતમાં 27 વર્ષથી સત્તાવિહીન રહેલી કોંગ્રેસ નરેશ પટેલના સથવારે સત્તા પર વાપસીના સપના જુએ છે.

આ સંજોગોમાં નરેશ પટેલ પણ કોઈ મોટી ઓફર વગર કોંગ્રેસમાં પ્રવેશની જાહેરાત કરવાની તૈયારીમાં નથી. હવે આ મોટી ઓફર સીએમ પદથી તો વિશેષ ન હોઈ શકે. કોંગ્રેસ હાઇકમાન્ડ હવે આ દિશામાં શું પગલાં લે છે તેના પર બધાની નજર મંડાયેલી છે. જો કે નરેશ પટેલને આવકારવા માટે ફક્ત કોંગ્રેસ જ બેઠી છે તેવું નથી, પણ ભાજપ અને આપની નજર પણ તેમના પર છે.

Your email address will not be published.