માઇક્રોવેવ ઓવનના કદનો એક સેટેલાઇટ સોમવારે પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી નીકળીને ચંદ્ર તરફ આગળ વધ્યો હતો. ચંદ્ર પર અવકાશયાત્રીઓને ફરીથી મોકલવાનાં નાસાનાં અભિયાનનાં ભાગરુપે આ સેટેલાઇટ મિશન હાથ ધરાયું છે.
કેપસ્ટોન સેટેલાઇટને છ દિવસ પહેલા ન્યુઝીલેન્ડના મહિયા દ્વીપકલ્પથી રોકેટ લેબ દ્વારા એક નાના ઇલેક્ટ્રોન રોકેટમાં લોન્ચ કરાયો હતો. સેટેલાઇટને ચંદ્ર સુધી પહોંચવામાં હજુ ચાર મહિનાનો સમય લાગશે, કારણ કે તે ઓછામાં ઓછી ઊર્જાનો ઉપયોગ કરીને આગળ વધી રહ્યો છે.
રોકેટ લેબના સ્થાપક પીટર બેકએ જણાવ્યું હતું કે તેઓ તેમના એકસાઇટમેન્ટને શબ્દોમાં વર્ણવી શકે તેમ નથી. આ પ્રોજેક્ટ પાછળ અઢી વર્ષ લાગ્યા છે અને તેને અમલમાં મુકવો અત્યંત મુશ્કેલ હતો. બેકે જણાવ્યું હતું કે આ મિશન પાછળ પ્રમાણમાં ઓછો અને નાસાનાં જણાવ્યા પ્રમાણે 32.7 મિલિયન ડોલરનો ખર્ચ થયો છે. જે અવકાશ સંશોધન માટેના નવા યુગની શરૂઆત છે.
બેકે જણાવ્યું હતું કે, થોડા મિલિયન ડોલરમાં, હવે એક રોકેટ અને એક સ્પેસક્રાફ્ટ છે જે તમને ચંદ્ર , લઘુગ્રહો, શુક્ર અને મંગળ પર લઈ જઈ શકે છે.પહેલા ક્યારેય જેનું પહેલાં અસ્તિત્વ ન હતું તેવી આ અદ્ભુત ક્ષમતા છે.બાકીનું મિશન સફળ થાય તો કેપસ્ટોન મહિનાઓ સુધી મહત્વપૂર્ણ માહિતી પાછી મોકલશે કારણ કે તે પહેલીવાર ચંદ્રની નવી ભ્રમણકક્ષામાં ભ્રમણ કરશે. આ ભ્રમણકક્ષા રેક્ટિશિયર હેલો ઓર્બિટ તરીકે ઓળખાય છે તે એક ખેંચાયેલા ઇંડાનાં આકારની છે. ભ્રમણકક્ષાનો એક છેડો ચંદ્રની નજીકથી પસાર થાય છે અને બીજો છેડો તેનાથી ખૂબ દૂરથી પસાર થાય છે.
નાસાએ ગેટવે નામનું સ્પેસ સ્ટેશન ભ્રમણકક્ષાના માર્ગમાં મૂકવાની યોજના બનાવી છે, જ્યાંથી અવકાશયાત્રીઓ આર્ટેમિસ પ્રોગ્રામ હેઠળ ચંદ્રની સપાટી પર ઉતરી શકે છે. બેકએ જણાવ્યું હતું કે નવી ભ્રમણકક્ષાનો ફાયદો એ છે કે તેમાં ઓછું બળતણ વપરાય છે અને સેટેલાઇટ અથવા સ્પેસ સ્ટેશન પૃથ્વી સાથે સતત સંપર્કમાં રહી શકે છે.
ન્યુઝીલેન્ડથી 28 જૂનના રોજ છોડવામાં આવેલા ઇલેક્ટ્રોન રોકેટમાં ફોટોન નામનું બીજું સ્પેસક્રાફ્ટ હતું, જે નવ મિનિટ પછી અલગ થઇ ગયું હતું. આ સેટેલાઇટને ફોટોનમાં છ દિવસ સુધી લઈ જવામાં આવ્યો હતો, સ્પેસક્રાફ્ટ એન્જિન તેની ભ્રમણકક્ષાને પૃથ્વીથી દૂર અને વધુ ઊંચાઈએ લઈ જવા માટે ફાયરિંગ કરતા હતા.
સોમવારે ફોટોને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ખેંચાણથી મુક્ત કરીને સેટેલાઇટને તેના માર્ગ પર આગળ ધકેલ્યો હતો. હવે 25 કિલોગ્રામ (55 પાઉન્ડ)નો સેટેલાઇટ 13 નવેમ્બરના રોજ ચંદ્રની નવી ભ્રમણકક્ષામાં પાછા ફરતા પહેલા ચંદ્રની ઉપરથી બહાર નીકળી જશે.
બેકએ જણાવ્યું હતું કે હવે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે કે ફોટોનનું શું કરવું, જેણે તેની કામગીરી પુરી કર્યા પછી પણ તેની ટેન્કમાં થોડું બળતણ બાકી છે.
આ મિશન માટે નાસાએ બે કોમર્શિયલ કંપનીઓ, કેલિફોર્નિયા સ્થિત રોકેટ લેબ અને કેપસ્ટોન સેટેલાઇટની માલિકી ધરાવતી કોલોરાડો સ્થિત એડવાન્સ સ્પેસ સાથે હાથ મિલાવ્યા છે.