ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેનો કારોબાર 2030 સુધીમાં 100 અબજ ડોલર કરવાનું લક્ષ્યઃ ગોયલ

| Updated: April 6, 2022 3:27 pm

મેલબોર્નઃ ભારતના વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન પીયુષ ગોયલે બુધવારે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેનો વેપાર 2030 સુધીમાં 100 અબજ ડોલર કરવાનું લક્ષ્ય છે. આ કારોબાર હાલમાં 27.5 અબજ ડોલરનો છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલા ગોયલે જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રમાં વ્યાપક સહયોગ માટે બંને દેશો કરાર કરવાની દિશામાં નોંધપાત્ર પ્રમાણમાં આગળ વધ્યા છે.

ભારત અને ઓસ્ટ્રેલિયાએ બીજી એપ્રિલના રોજ ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (ઇન્ડસઓસ ઇસીટીએ) પર કરાર કર્યા હતા. આ કરાર હેઠળ બંને દેશો તેમની માલસામગ્રીને મોટાપાયે જકાતમુક્ત એક્સેસ પૂરુ પાડશે અને સર્વિસિસમાં ટ્રેડને પ્રમોટ કરવા તેના નિયમો હળવા બનાવવામાં આવનારા છે.

ગોયલે બુધવારે જણાવ્યું હતું કે મેં મારી ટીમને સૂચવ્યું છે કે દરેક સેક્ટર દીઠ કેટલો સહયોગ સાધી શકાય અને આપણા સંબંધો વિકસાવી શકાય તે સુનિશ્ચિત કરો. આ ઉપરાંત વધારે મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરતાં બંને દેશો વચ્ચેનો કારોબાર 2030 સુધીમાં 100 અબજ ડોલરે લઈ જઈએ. આમ અમે વર્તમાન સંબંધોમાં ચાર ગણો વધારો કરવાનો ઇરાદો ધરાવીએ છીએ.

ગોયલે જણાવ્યું હતું કે બંને દેશો શિક્ષણ, રિસર્ચ, સ્ટાર્ટઅપ્સ અને એગ્રી ટેકમાં સહયોગ આગળ લઈ જવાનો ઇરાદો ધરાવે છે. તેમણે આ સિવાય ઓસ્ટ્રેલિયા તરફથી ઇન્ફ્રાસ્ટ્રકચર સેક્ટરમાં રોકાણ થાય તે સંભાવનાઓ પણ ચકાસી હતી. અમારી પાસે જબરજસ્ત મોટું બજાર અને લોકો સારી જીવનશૈલી માણવાનો ઇરાદો ધરાવે છે. આ બાબત ભારતમાં રોકાણ કરનારને જંગી તક આપે છે. ઓસ્ટ્રેલિયા પાસે રોકાણની જંગી અનામતો છે અને તેને ભારતમાં રોકાણ પર સારું વળતર મળી શકે છે.

ગોયલે આ ઉપરાંત એર અને શિપિંગ કનેક્ટિવિટી મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. ગોયલ સાથે ગયેલા પ્રતિનિધિમંડળના હિસ્સા એવા નિકાસકારોના સંગઠન ફિયેઓના પ્રમુખ એ સક્તિવેલે જણાવ્યું હતું કે આ કરારના લીધે બંને દેશો વચ્ચેના વેપારની વૃદ્ધિ કરવામાં મદદ મળશે. લેધર એક્સ્પોર્ટ કાઉન્સિલના વાઇસ ચેરમેન રાજેન્દ્રકુમાર જાલને જણાવ્યું હતું કે લેધર આ કરારનો હિસ્સો છે અને તેના લીધે ઓસ્ટ્રેલિયામાં વેપારને વેગ મળશે.

ઓસ્ટ્રેલિયા ભારતનું સૌથી મોટું 17મું ટ્રેડિંગ પાર્ટનર છે તો ઓસ્ટ્રેલિયા માટે ભારત નવમા નંબરનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. ભારતની નિકાસ 6.9 અબજ ડોલર હતી અને આયાત 15.1 અબજ ડોલર હતી.

Your email address will not be published.