પ્રિન્સ વિલિયમની વિનંતી છતાં નેટફ્લિક્સ ડાયના-બશીરનો ઇન્ટરવ્યુ, “ધ ક્રાઉન” માં દર્શાવશે

| Updated: October 28, 2021 5:18 pm

માર્ટિન બશીરે 1995માં લીધેલા પ્રિન્સેસ ડાયનાના ઇન્ટરવ્યુનું નાટ્યાત્મક સંસ્કરણ અત્યંત સફળ નેટફ્લિક્સ વેબ સિરીઝ “ધ ક્રાઉન” ના આવનારા એપિસોડ માં પ્રસારિત થવાના અહેવાલોથી ડ્યુક ઓફ કેમ્બ્રિજ પ્રિન્સ વિલિયમ ભારે હતાશ હોવાનું કહેવાય છે.

ઇંગ્લેન્ડની ગાદી માટે બીજા ક્રમના વારસદાર, પ્રિન્સ વિલિયમે તપોતાની સ્વર્ગસ્થ માતાના જીવન વિષે ” સત્યથી વેગળા વર્ણન” અને “વ્યાપારીકરણ” પર અણગમો વ્યક્ત કર્યો છે.

અત્રે યાદ કરવું પડશે કે વિલિયમ અને તેના ભાઈ પ્રિન્સ હેરીએ ગયા મે મહિનામાં, 1995માં 20 મિલિયનથી વધુ લોકોએ નિહાળેલ બીબીસી પેનોરમાના ઇન્ટરવ્યુ અંગે નિવેદન બહાર પાડ્યા હતા. સનસનાટીભર્યા ઇન્ટરવ્યુએ એટલો મોટો વિવાદ ઉભો કર્યો હતો કે એના થોડા જ સમય પછી, રાણીએ પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સેસ ડાયનાને પત્ર લખીને છૂટાછેડા લઇ લેવા જણાવ્યું હતું.

આ ઇન્ટરવ્યુ બીબીસી માટે એક વિશાળ સ્કૂપ હતો કારણ કે ડાયના જેવું કરિશ્માઈ વ્યક્તિત્વ ધરાવતી શાહી પરિવારની સ્ત્રી તેના અંગત જીવન વિશે આટલા નિખાલસ શબ્દોમાં વાત કરી હતી. પરંપરાગત બ્રિટિશ સમાજ માટે તે અભૂતપૂર્વ અને હચમચાવી દેનાર હતું . ડાયનાએ આ ઇન્ટરવ્યુમાં પોતાનું પ્રેમ પ્રકરણ હોવાનું સ્વીકાર્યું હતું અને પ્રિન્સ ચાર્લ્સના કેમિલા પાર્કર બાઉલ્સ સાથે લગ્નબાહ્ય સંબંધ હોવાની પુષ્ટિ કરી હતી.

જ્યારે માર્ટિન બશીરે પૂછ્યું: શું તમને લાગે છે કે શ્રીમતી પાર્કર-બાઉલ્સ તમારા લગ્ન તૂટવાનું કારણ હતું? તેમણે જવાબ આપ્યો હતો કે “વેલ, આ લગ્નમાં અમે ત્રણ જણ હતા,તેથી થોડી ભીડભાડ લાગતી હતી .

ડાયનાએ માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓનો પણ ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે તેમના પતિના લગ્નેતર સંબંધોને કારણે તેને ઉપેક્ષિતા હોવાનો અનુભવ થતો હતો.ડાયનાએ કબૂલ્યું હતું કે તેમને અકારણ ખાવાની વિકૃતિ બુલીમીયાનો રોગ છે. ડાયનાએ સ્વયં ને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ જણાવ્યું હતું.

આ ઇન્ટરવ્યુ કરવા માટે બશીર દ્વારા ઉપયોગમાં લેવાતા “છેતરપિંડીભર્યા વર્તન”ને બીબીસીએ છાવર્યા હોવાના અહેવાલને પગલે આ ઇન્ટરવ્યુ આ વર્ષે ફરી એકવાર ચર્ચામાં આવ્યો હતો.

પ્રિન્સ વિલિયમે એપિસોડને ફરી ક્યારેય પ્રસારિત ન કરવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું કે “તે જાણીને અવર્ણનીય ઉદાસી થઇ આવે છે કે બીબીસીની નિષ્ફળતાઓના કારણે (ડાયના)ના ડર, પેરાનોઇયા અને એકલતામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે જે મને તેણી સાથેના અંતિમ વર્ષોથી યાદ છે.”

પ્રિન્સ વિલિયમે જણાવ્યું હતું કે ડાયના “ફક્ત એક અપ્રમાણિક પત્રકાર દ્વારા જ નહીં, પરંતુ બીબીસીના સંચાલકો દ્વારા દગાબાજી કરાઈ હતી જેમણે આ પત્રકારને મુશ્કેલ સવાલો પૂછવાને બદલે આડું જોઈ લીધું હતું.”. વિલિયમે કહ્યું કે આ ઇન્ટરવ્યુએ “મારા માતા-પિતાના સંબંધોને વધુ ખરાબ કરવામાં મોટો ફાળો આપ્યો હતો”. પ્રિન્સ હેરીએ જણાવ્યું હતું કે “શોષણ અને અનૈતિક પ્રથાઓની સંસ્કૃતિની આનુસંગિક અસર ” આખરે તેની માતાનો ભોગ લઈને જ જંપી.

જો કે, 1947માં રાણીના લગ્નના કાળખંડથી બ્રિટિશ રોયલ ફેમિલીને નાટ્યાત્મક ઢબે રજૂ કરતી ખર્ચાળ નેટફ્લિક્સ શ્રેણી, જેમાં વિવિધ કલાકારો શાહી પરિવારના સભ્યોની વય વૃદ્ધિ અનુસાર ભૂમિકા ભજવે છે, આ ઇન્ટરવ્યુ નું પ્રસારણ કરવા મક્કમ છે. કુખ્યાત બીબીસી પેનોરમા ઇન્ટરવ્યુ ” ધ ક્રાઉન “શ્રેણીના પાંચમાં ભાગમાં ” મહત્વના પ્રસંગ ” તરીકે નવેમ્બર 2022 માં પ્રસારિત થવા માટે તૈયાર છે.

અત્યાર સુધી, એમ્મા કોરીન દ્વારા રજૂ કરાયેલ ડાયનાના કિરદાર સાથે ચાર સિઝન પ્રસારિત કરવામાં આવી છે. આગામી સિઝનમાં, એલિઝાબેથ ડેબીકી ડાયનાનું પાત્ર ભજવશે. સુંદર ક્લેર ફોય અને ઓસ્કાર વિજેતા ઓલિવિયા કોલમેને અત્યાર સુધી શ્રેણી માટે રાણીની ભૂમિકા ભજવી છે. હવે ઇમેલ્ડા સ્ટૉન્ટન ધૂરા સંભાળશે.

માર્ટિન બશીર- લેડી ડાયનાના ઇન્ટરવ્યુ પર પાછા ફરીએ તો , 2021ની શરૂઆતમાં, ભૂતપૂર્વ વરિષ્ઠ ન્યાયાધીશ લોર્ડ ડાયસન દ્વારા કરવામાં આવેલી સ્વતંત્ર તપાસમાં તારણ આવ્યું હતું કે પત્રકાર માર્ટિન બશીરે ઇન્ટરવ્યુ પામવા માટે છેતરપિંડીનો ઉપયોગ કર્યો હતો અને બીબીસીની નિર્માતા માર્ગદર્શિકાની “ગંભીર અવહેલના ” કરી હતી. બશીરે ઈન્ટરવ્યુ માટે પ્રિન્સેસનો સંપર્ક કરવા માટે બનાવટી બેંક સ્ટેટમેન્ટ બનાવ્યા અને તે ડાયનાના ભાઈ અર્લ સ્પેન્સરને બતાવ્યા.

BBC એ 1995 માં પ્રિન્સેસ ઓફ વેલ્સ ડાયનાનો ઇન્ટરવ્યુ પ્રાપ્ત કરવાના તરીકા માટે શાહી પરિવારની “બિનશરતી માફી” માંગી લીધી છે.

Your email address will not be published.