સુરતમાં બુટલેગરોનો નવો કીમિયોઃ મમરાની થેલીની આડમાં દારૂની હેરાફેરી

| Updated: August 1, 2022 3:46 pm

દારૂની પોટલી દૂધના પાઉચમાં મળે છે તેની તો ખબર છે. પણ સુરતના બુટલેગરોએ (Bootlegger)દારૂની હેરાફેરીમાં નવો કીમિયા અપનાવ્યો છે. તેમણે મમરાની થેલીમાં દારૂની હેરાફેરી શરૂ કરી છે. બોટાદ લઠ્ઠાકાંડ પછા દારૂની ભઠ્ઠીવાળાથી લઈને દારૂનો પુરવઠો પૂરો પાડનાર પર ધોંસ વધતા બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે આ નવી મોડેસ ઓપરેન્ડી અજમાવી છે.

સુરતની કામરેજ પોલીસે મમરાની થેલીમાં સંતાડીને લઈ જવાતા દારૂના જથ્થાને પકડી પાડ્યો છે. પોલીસે એક લાખ રૂપિયાના વિદેશી દારૂ સાથે લગભગ છ લાખની કિંમતના મુદ્દામાલ સહિત વિદેશી દારૂની ખેપ મારતા બે જણાને પકડ્યા છે.

કામરેજ પોલીસ સ્ટેશન(Kamrej Police station)ના પોલીસ ઇન્સ્પેક્ટર આર બી ભટોળેએ જણાવ્યું હતું કે કામરેજ તાલુકાના વાવ ગામથી પાસોદરા જતાં રોડ પર ટાટા ટેમ્પોમાં મમરાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી મળી હતી. પોલીસે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને તપાસ કરતા ટેમ્પોમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો તો. પોલીસે તેની સાથે હેરાફેરી કરનારા બે આરોપીઓને પણ ઝડપ્યા હતા.

આ પણ વાંચોઃ દારૂબંધી કાયદોઃ દોઢ વર્ષમાં અઢી લાખ પકડ્યાનો દાવો કરતી ગુજરાત પોલીસ

પોલીસ દ્વારા ટેમ્પામાં મમરાની બેગની આડમાં સંતાડેલી બીયર તેમજ વ્હીસ્કીની બોટલ મળી આવી હતી. આવી કુલ 492 બોટલ મળી આવી હતી. આ ઉપરાંત પોલીસે સાડા ચાર લાખ રૂપિયા કરતાં વધુ રકમના મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો.

કામરેજ પોલીસે પકડેલા બંને આરોપીની પૂછપરછ કરતા ઉત્તરપ્રદેશના ગૌડા જિલ્લાના ભવરપુર ગામના વતની તથા હાલમાં નવી મુંબઈ ખાતે રહેતા નાનુબાબુ રામગોપાલ સોની ડ્રાઇવિંગના વ્યવસાયી હોવાનું જણાયું હતું. જ્યારે બીજા આરોપી રામકરણ રામજીભાઈ ગુપ્તા મુંબઈના જ ઘોડપદેવ બાબુગેનુનગરના રહેવાસી હોવાનું જણાયું હતું. પોલીસનું માનવું છે કે પૂછપરછ દરમિયાન બંને આરોપીઓની વધારે વિગત મળી શકે છે. તેઓ ક્યાંથી આ દારૂ લાવ્યા અને ક્યાં લઈ જવાના હતા તથા તેમના ગ્રાહકોમાં કોણ-કોણ છે તે જાણવામાં પોલીસને વિશેષ રસ છે. આ ઉપરાંત તેઓ આ રીતે નિયમિત ધોરણે દારૂની ખેપ મારે છે કે નહી તેની માહિતી પણ પોલીસને મળશે તેવી આશા છે. પોલીસને આ ઉપરાંત શહેરમાં કયા લોકો આ રીતે દારૂ મંગાવે છે તેની માહિતી પણ મળવાની આશા છે. આમ પોલીસ માને છે કે આ ધરપકડ પછી મોટા ફણગા ફૂટી શકે છે.

Your email address will not be published.