હવે અમદાવાદમાં નવજાત શિશુને તરછોડી દેવાયુંઃ નાસી રહેલી માતાને લોકોએ પકડી લીધી

| Updated: October 14, 2021 3:54 pm

ગાંધીનગરના પેથાપુરમાં 10 મહિનાના બાળકને તરછોડી દેવાયો તેવી જ રીતે વેજલપુરમાં માત્ર બે દિવસના બાળકને ત્યજી દેવાયું છે. જોકે, આ કિસ્સામાં બાળકને છોડીને પલાયન થયેલી માતાને શોધી કાઢવામાં આવી છે.

સ્થાનિક લોકોની સજાગતા અને પોલીસના પ્રયાસથી આ સફળતા મળી છે. બાળકની માતા મૂળ મિઝોરમથી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે માતાને ભાળ મેળવી કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી છે.

ગાંધીનગરમાં તરછોડાયેલા સ્મિતની ઘટનાને હજી અઠવાડિયુ પણ થયુ નથી, ત્યાં પાંચ દિવસમાં જ ફરી એવી ઘટના બની છે. વેજલપુરના એક એપાર્ટમેન્ટમાં રહેતી મિઝોરમની મહિલા પોતાના બે દિવસના નવજાત શિશુને છોડીને ફરાર થઈ રહી હતી, ત્યારે જ સ્થાનિકોએ તેને પકડી પાડી હતી અને પોલીસને સોંપી હતી.

આ ઘટના વિશે એક સ્થાનિક મહિલાએ જણાવ્યું કે, “હું દેરાસરથી આવી હતી, ત્યારે મેં ઉપરના માળથી એક મહિલાને નીચે ઉતરતી જોઈ હતી. ઉપરથી એક બાળકના રડવાનો પણ અવાજ આવતો હતો. ત્યારે ઉપરથી કોઈ મહિલાએ બૂમ પાડી કે, કોઈ બાળક મૂકી ગયુ છે તેવી બૂમ પડતા જ મહિલા ભાગી હતી, પણ નીચે લોકોએ તેને પકડી પાડી હતી. આ ઘટના બાદ અમે પોલીસને બોલાવી હતી. મહિલાની ભાષા ખબર પડતી ન હતી, તેમજ તેની પાસે આઈકાર્ડ પણ ન હતુ. ઉપરના માળ પર નાગાલેન્ડના વતની રહેતા હતા, આ મહિલા તેમની ત્યાં આવતી હતી. મહિલા એમ જ કહેતી હતી કે હું મિઝોરમની છું.” સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસે માતા અને બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

Your email address will not be published. Required fields are marked *