ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીનાં ભાગરૂપે ‘નો-ડ્રગ્સ, સેફ, ફિટ એન્ડ સ્માર્ટ સિટી’નાં સંદેશા સાથે નાઈટ મેરેથોનનું સુરત પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે વહેલી સવારે 4 સુધી નાઈટ મેરેથોન ચાલશે. જેમાં 40,000થી પણ વધારે દોડવીરો જોડાયા છે. રમત-ગમત અને સાંસ્કૃતિક અને ગૃહ રાજ્યમંત્રી મંત્રી હર્ષ સંઘવી રાહુલ રાજ મોલ પાસે કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા હતા. આ સાથે જ વિશાળ જનમેદની ઉમટી પડી છે.આ મેરેથોનમાં દોડવીરો માટે 5 કિ.મી. 10 કિ.મી. અને 21 કિ.મી. અંતરની દોડના આયોજન સાથે વિવિધ કેટગરીવાઈઝ રનર્સ માટે રૂ.13.50 લાખના ઈનામો આપવામાં આવ્યા હતા આ મેરેથોનમાં 10 કિમી અને 21 કિમી માટે 2,500થી વધારે દોડવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.. જ્યારે 5 કિ.મી.માં 40,000થી પણ વધારે દોડવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ‘નો ડ્રગ્સ, સેફ, ફિટ અને સ્માર્ટ સિટી’ થીમ હેઠળ મેરેથોન રૂટમાં આવતા તમામ સર્કલોને થીમ બેઝ્ડ સુશોભિત કરવામાં આવ્યા છે. દોડવીરોની ચોક્સાઈ માટે RFID ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો
ગૃહમંત્રી કરી જાહેરાત આગામી દિવસોમાં 100 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજે સુરતીઓ વિશ્વાસ, ઉમંગ અને શહેરને ડ્રગ્સ ફ્રી કરવાના સંકલ્પ સાથે દોડી રહ્યા છે. વિકાસ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને સ્વચ્છતામાં સુરતે દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તેમણે આગામી દિવસોમાં સ્પોર્ટ્સને લગતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધા અને તાલીમ માટે 100 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે એવી પણ જાહેરાત કરી હતી.
સુરતવાસીઓની ઉર્જા પ્રેરણાદાયીઃ પોલીસ કમિશનર
આ પ્રસંગે પોલીસ કમિશનર અજય તોમરે કહ્યું હતું કે, સુરતવાસીઓની ઊર્જા અદ્ભુત અને સંકલ્પની ભાવના પ્રેરણાદાયી છે. સુરત શહેર પોલીસ પ્રજાની સુરક્ષા અને સલામતી હરહંમેશ તત્પર છે. એમ જણાવતાં તેમણે શહેરના તમામ યુવાઓને ડ્રગ્સની લતથી દૂર રહી હંમેશા ફીટ રહેવાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે સુરતના આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ પ્લેયર હરમિત દેસાઈ, વિખ્યાત ગુજરાતી ગાયિકા કિંજલ દવે અને ઉત્સાહી દોડવીરો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ
મયુર મિસ્ત્રી સુરત