વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્યએ અંબાજીના દર્શન કરીને માતાજી પાસે શું માંગ્યું?

| Updated: September 29, 2021 2:29 pm

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યએ શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાન પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સજોડે દર્શન કર્યા હતા.

તેમના પતિ ભાવેશભાઈ આચાર્ય સાથે મા જગદંબાના આશીર્વાદ લીધા પછી નિમાબેને જણાવ્યું કે, “આજે મને ખુબ ખુશી છે કે મા અંબાના આશીર્વાદથી મને વિધાનસભાના અધ્યક્ષની મોટી જવાબદારી મળી છે, જયાં લોકોની સુખ- સુવિધામાં વધારો કરવા માટેના કાયદા ઘડાય છે.”

તેમણે કહ્યું કે, “આજે મા અંબાના દર્શન કરી મેં પ્રાર્થના કરી છે કે, દેશના તમામ લોકોનું જીવન નિરોગી અને તંદુરસ્ત રહે તથા લોકોના ઘરમાં સુખ-સમૃધ્ધિ પથરાય. વડાપ્રધાને મારા પર વિ‍શ્વાસ મુકી વિધાનસભા ગૃહની આટલી મોટી જવાબદારી સોંપી છે ત્યારે માતાજી લોકોના કલ્યાણ માટેના કામ કરવાની મને શક્તિ આપે તેવી પ્રાર્થના કરી છે.”

તેમણે કહ્યું કે કોરોનાના થર્ડ વેવની ચર્ચા ચાલી રહી છે, ત્યારે થર્ડ વેવ આવે જ નહીં તથા મા જગદંબાના આશીર્વાદ આપણા રાજય અને દેશ પર સતત વરસતા રહે અને આપણું રાજ્ય સતત વિકાસના નવા આયામો સર કરે તેવી પણ માતાજીને પ્રાર્થના કરી છે.

તેમણે કહ્યું કે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા- સલામતી માટે 150થી વધુ યોજનાઓ અમલી બનાવાઇ છે. સંકટના સમયમાં મહિલાઓને સુરક્ષા પુરી પાડવા 181 મહિલા અભયમ હેલ્પલાઇન કાર્યરત છે. પોલીસ ભરતીમાં મહિલાઓ માટે 33 ટકા અનામતના લીધે રાજ્યમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે.

આ પ્રસંગે દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ માતાજીની મૂર્તિ અને શાલથી તથા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ. જે. ચાવડાએ માતાજીનો ખેસ પહેરાવી અધ્યક્ષનું સ્વાગત-સન્માન કર્યું હતું.

(અહેવાલઃ વિનોદ હીરાગર)

Your email address will not be published. Required fields are marked *